Comments

શિક્ષકોને જવાબદારીનાં પાઠ શીખવવાની જરુર છે

પુણ્યશાળી આત્મા કોણ? તેવા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન બુદ્ધે તેમના શિષ્યને પૂર્વજન્મનું પુણ્ય ભોગવતા અને સદેહે જીવન વ્યતીત કરતા જીવાત્માના લક્ષણો વર્ણવ્યાં છે. ધમ્મપદ ફરી લખાય અને તથાગતને ફરી કોઇ પૂછે કે, ગુજરાત રાજયમાં પુણ્યશાળી કોણ? તો બુદ્ધનો બેધડક જવાબ હશે, શિક્ષક. એક વર્ષમાં 52 થી 54 રવિવાર, 29 જાહેર રજાઓ, 35 દિવસનું ઉનાળુ વેકેશન, 21 દિવસનું દિવાળી વેકેશન, 15 સી.એલ.પી.એલ, 2 આર.એસ. અને 20 માંદગીની રજા ભોગવી શકતા શિક્ષકો વર્ષમાં 176 દિવસ રજાઓ ભોગવે છે. આ ઉપરાંત 52 થી 54 રવિવાર અને આચાર્યશ્રીનાં સ્વાયત્ત નિર્ણયો અનુસાર 4 શ્રાવણિયા સોમવારે સવારની સાડા ત્રણ ક્લાક માટે ચાલતી શાળાઓના શિક્ષકોને આર.ટી.ઇ. એક્ટ નીચે 220 દિવસ કામ કરવાનું હોય છે. આથી, શિક્ષકો માટે નોકરી, ભાર વિનાની બની રહે છે.

સવારે 7:30 થી 12 અથવા બપોરે 12 થી 5:30 તેમ પાંચ ક્લાકની શાળાકીય હાજરી દરમિયાન શિક્ષકોને 15 મિનિટની રીસેસ અને એક 30 મીનિટની રિસેસની સુવિધા મળે છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિમય 1874 ક્લમ 28 અનુસાર ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને એક વીક દરમિયાન 24 થી 28 પીરિયડ અને માધ્યમિક શાળાના શિક્ષકોને અઠવાડિયામાં 32 તાસથી વધુ કામ કરવાનું રહેતું નથી. 35 મિનિટના એક પીરિયડ લેતા શિક્ષકોને ફાળે રોજના સાડા ચાર કલાકથી વધુ સમય કામ કરવાનું આવતું નથી. રાજય સરકારના નિયમ અનુસાર શાળા શરૂ થતાં પહેલાં 10 મીનિટ માટે યોજાતી સમૂહપ્રાર્થના પણ શિક્ષક માટે નોકરીના ભાગરૂપે વળતર આપનાર હોય છે.

આજથી 35 વર્ષ પહેલાં જ્ઞાનની આપ-લે જેવા અતિ ઉચ્ચક્ષેત્રમાં મહત્વનું યોગદાન પ્રદાન કરતા ગુરુજનોને આમસમાજ માસ્તર કે પંતુજી નામે સંબોધતો. તેવા સમયે શિક્ષકોનો પગાર 225-500 હતો. જે સ્થિતિના કારણે સમાજમાં તેજસ્વી વર્ગ શિક્ષકના વ્યવસાયથી દૂર રહેતો. એટલું જ નહીં પણ શિક્ષક પરિવાર માટે જીવનનાં બે છેડા ભેગા કરવાનું મુશ્કેલ હતું. આ સ્થિતિમાં 1972માં દેસાઇ પંચની ભલામણથી શિક્ષકોનો વેતન સ્કેલ 440-750 થયો અને 1986 માં ચોથા પે કમિશને શિક્ષકોને 1200-240ના ગ્રેડમાં મૂકયા.

જ્યારે તાજેતરમાં સાતમાં પે રિવિઝને શિક્ષકોને માસિક 8200 થી 16000 ના સ્કેલમાં મૂકી દેશે. 18 % મોંઘવારી ઍલાઉન્સ ઉમેરતાં આજે નોકરીના પ્રારંભથી જ શિક્ષક ઓછામાં ઓછું મહિને હૈં 76,800/- નું વેતન મેળવવા હકદાર બને છે. જ્યારે આચાર્યની જવાબદારીના પ્રારંભથી જ માસિક 1,00,000 થી વધુ પગાર મેળવતા થાય છે. આ હકીકત સ્પષ્ટ કરે છે કે, શિક્ષકોના પે સ્કેલમાં 17 ગણો વધારો થયો છે. જે સામે કામના ક્લાકોમા કોઇ વધારો થયો નથી. આમ, ગુજરાત રાજયના માધ્યમિક વિભાગના શિક્ષકોનું એક કલાકનું વેતન 348.60 પૈસા થાય છે અને રાજય સરકારની તિજોરીમાંથી સરેરાશ એક જિલ્લાના પગારખર્ચ ખાતે મહિને 87 કરોડ થાય છે.

સંસ્કૃતની સુભાષિતોમાં ગુરુબ્રહ્મા-ગુરુવિષ્ણુ કે આચાર્ય દેવો ભવની ભાવના શોભતી, પરંતુ હવે ફ્લાવરવાઝમાં મૂકેલાં નાયલોનનાં ફૂલો માફક આ સુભાષિતો ફોટો ફ્રેમમાં લટકાવી રાખવા સિવાય સંદર્ભ બચ્યો નથી, ત્યારે શિક્ષકોએ બાળકના પરીક્ષાલક્ષી પરીણામ માટે જવાબદાર બન્યા વિના છુટકો નથી. બીજી તરફ શિક્ષકોના વેતનો આધાર કાર્યના મૂલ્યાંકન સાથે જોડવામાં આવ્યો નથી. તેથી રાજય સરકારના બજેટ પૂર્વે પ્રસિદ્ધ થતી માહિતી મુજબ 2020-21માં ગુજરાતની 40 હજાર પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવતાં લાખો બાળકો પૈકી 1,000 માત્ર 617 બાળકો જ ધોરણ 7 પસાર કરી શકે છે અને માધ્યમિક શાળાના શિક્ષકો પાસે અભ્યાસ કરતાં બાળકો પૈકી માત્ર 258 બાળકો જ ધોરણ 10 માં ઉત્તીર્ણ થાય છે.

આજની અતિ તીવ્ર સ્પર્ધાના સમયમાં વિદ્યાર્થીનું ભવિષ્ય શૈક્ષણિક પદવી આસપાસ અવલંબિત હોઇ વાલીઓએ બાળકોને શાળામાં હાજરી ભરવા મોકલ્યા સિવાય છુટકો જ નથી. પરંતુ વાલીઓ જાણે છે કે શિક્ષકો પુરતુ ભણાવતા નથી. આથી પેટે પાટા બાંધીને પણ પોતાના બાળક્ને ટ્યૂશન ક્લાસમાં ધકેલે છે ત્યારે બાળક એક તરફ માબાપની ભવિષ્ય માટેની આશાઓ અને બીજી તરફ શિક્ષકોના વર્તન વચ્ચે ભીંસાય છે. સરવાળે બાળકોના આપઘાતનું પ્રમાણ વધતું જોવા મળે છે.

એક કલાક શિક્ષણકાર્યનું સરેરાશ 648.60 પૈસા વેતન મેળવતા શિક્ષકોના કૌશલ્યની કિંમત ગુજરાત રાજયના તમામ સ્તરના સચિવો કરતાં પણ ઊંચી અંકાઇ છે. દુકાનોમાં કામ કરતાં નોકરિયાતોને સવારે 9 થી રાત સુધી કામ કરવું પડે છે, બદલી કામદારો કે છૂટક રોજગાર-ધંધો કરનાર માણસને પણ રોજના 10 થી 12 કલાક કામ કરવું પડે છે. સરકારી કચેરીઓમાં પણ 7.30 કલાકની જવાબદારી અનિવાર્ય હોય છે અને આપણા જ ગુજરાતમાં કારખાનાંઓમાં કામ કરતા ઇજનેરો, વૈજ્ઞાનિકો અને ટેકનિશિયનોને ઓછામાં ઓછું 8 કલાક કામ કરવું પડે છે ત્યારે ગુજરાતનાં ગણ્યાગાંઠયા સંગઠિતોને ગોળ અને બીજાને ખોળ તે ક્યાંનો ન્યાય? 1968 માં માસ્તર અને પંતુજી ગણાતો સમુદાય હવે પોતાની આર્થિક જરૂરિયાત કરતાં વધુ સદ્ધર બન્યો છે. રાજયની 56000 શાળાઓના 20 લાખ કરતાં વધુ શિક્ષકોએ સંગઠન દ્વારા પોતાનાં હિતો અને સ્વાર્થને વીણી વીણીને સાધ્યો છે.

ફાજલ સમયમાં જમીનની લે-વેચ, ટ્રાન્સપોર્ટ, સ્ટેશનરી જેવા અનેક વ્યવસાયોમાં ઝંપલાવી વધારાનો આર્થિક લાભ મેળવ્યો છે ત્યારે શિક્ષક સમુદાયની સદ્ધરતા અને સંગઠનની ક્ષમતા કોઇ પણ પક્ષની સરકારને ઝુકાવી દેવા સક્ષમ રહી છે. વિદ્યાર્થીઓના માધ્યમ થકી શિક્ષક સમુદાયનો પરિચય શેરીએ-શેરીએ, ફળિયે-ફળિયે, ગામડે-ગામડે છે. આ પરિચયને તેઓ દબાણના હથિયાર તરીકે વાપરે છે, જે સામે કોઇ પક્ષ કે તંત્ર ઝીંક ઝીલી શકે તેમ નથી.

આપણી સંસ્કૃતિએ શિક્ષકનું મૂલ્ય માતાના ભારે તોલ્યું છે પણ આજે માતા જ પોતાના બાળકના ઉછેર માટેની વસુલાત માગે છે ત્યારે શિક્ષકની જવાબદારી ફિકસ કરવાનો સમય આવી ગયો છે. શિક્ષકોને નોકરીની દાખલ તારીખથી નિવૃત્તિની ઉંમર સુધીના કાર્યકાળના કામના કલાકોને લક્ષમાં રાખી શિક્ષક તરીકે લગભગ 58520 ક્લાકની સેવાને કૉન્ટ્રેકટબદ્ધ કરવામાં આવે તો કાર્યવંત અને ઉત્સાહી શિક્ષકોને પોતાનું કામ વધુ અસરકારી રીતે પૂર્ણ કરવાની તક મળશે. શાળાનું સંચાલન કરનારને શિક્ષકોની સમગ્ર સેવાનું નિશ્ચિત રીતે આયોજન કરવાની મોકળાશ મળશે અને નાગરિકોના ટેક્સના પૈસાનું રોકાણ પરીણામ લક્ષી બનશે.
ડો.નાનક ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top