ગાંધીનગર : રાજ્યમાં શિક્ષકોને ફરી એક વખત શિક્ષણ સિવાયની કામગીરી સોંપવામાં આવતા રાજકારણ ગરમાયું છે. રખડતા શ્વાનોની ગણતરી કરવા શિક્ષકોને સૂચના આપતા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
રખડતા શ્વાનોની ગણતરી કરવા શિક્ષકોને સૂચના આપતા પરિપત્ર અંગે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતુ કે ગુજરાતમાં ઘણા સમયથી શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની વિવિધ કામગીરી લેવાઈ રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડી રહી છે. શૌચાલય ગણતરી, ભીડ ભેગી કરવી, ચૂંટણીના કામો, SIRની કામગીરી જેવી ફરજો બાદ હવે શિક્ષકોને પોતાના વિસ્તારમાં કેટલા શ્વાન ફરી રહ્યા છે, તેની ગણતરી સોંપવામાં આવી રહી છે.
ડૉ. મનિષ દોશીએ વધુમાં આક્ષેપ કરતા કહ્યું હતુ કે રાજ્યમાં અંદાજે 3 હજાર શાળાઓ માત્ર એક શિક્ષકના ભરોસે ચાલી રહી છે. આવી સ્થિતિમાં શિક્ષકને વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે પૂરતો સમય જ મળતો નથી. શિક્ષકને શરમ આવે તેવી કામગીરી સરકાર દ્વારા સોંપવામાં આવી રહી છે. શું શિક્ષકો સિવાય કોઈ અન્ય વિભાગ નથી જે આ કામ કરી શકે?
કોંગ્રેસે માંગ કરી છે કે રખડતા શ્વાનોની ગણતરી અંગેનો પરિપત્ર તાત્કાલિક રદ કરવામાં આવે અને આ કામગીરી માટે અન્ય સંબંધિત વિભાગને જવાબદારી સોંપવામાં આવે, જેથી શિક્ષકો પોતાનું મુખ્ય શિક્ષણ કાર્ય નિષ્ઠાપૂર્વક કરી શકે.
શિક્ષણને બદલે આવી કામગીરી સોંપાઇ છે:
- શૌચાલય ગણતરી
- ભીડ ભેગી કરવી
- ચૂંટણીના કામો
- SIRની કામગીરી