સુરત : આજે એટલે કે રવિવારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિકના શિક્ષકો (Teachers) માટે નવી શિક્ષણ નીતિ મુજબ TAT યોજાશે. જેના માટે સુરતના (Surat) 114 પરીક્ષા કેન્દ્ર (Exam Center) પર 31,1173 ઉમેદવાર નોંધાયા છે. પેપર ફૂટે નહીં તે માટે ટ્રેકિંગ સિસ્ટમનો અમલ કરાશે. પેપરનું બંડલ સ્ટ્રોંગ રૂમથી પરીક્ષા સેન્ટર સુધી પહોંચે, ત્યાં સુધી જીપીએસથી ટ્રેકિંગ કરાશે. જિલ્લા શિક્ષણાધિકારી ડો. દિપક દરજીના જણાવ્યા અનુસાર નવી શિક્ષણ નીતિ મુજબ નવી પરીક્ષા પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે.
પ્રથમ પરીક્ષા ઓબ્જેક્ટિવ રહેશે અને મેઇન પરીક્ષા 18 જૂને યોજાશે. આ પરીક્ષામાં ધોરણ-10 અને 12ની પરીક્ષાની જેમ પાટા એપ્લિકેશનનો ઉપયોગ થશે. ગુજરાતી, હિંદી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગણિત, વિજ્ઞાન, સંસ્કુત, કોમ્પ્યુટર, સંગીત, ચિત્રકામ અને શારીરિક શિક્ષણ એમ 11 વિષયની ગુજરાતી, હિંદી અને અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા યોજાશે. કોઈ ગેરરીતિ નહીં થાય અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરિક્ષા કેન્દ્ર પર વર્ગ એક અને બેના અધિકારી હાજર રહેશે. આ પરીક્ષા સુરતના 114 સેન્ટર્સ પર યોજાશે. જેમાં 31,173 ઉમેદવાર હાજર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના 601 કેન્દ્ર પર 1,65,646 ઉમેદવાર હાજર રહેનારા છે. જેમાં ગુજરાતી માધ્યમના 1,62,388, અંગ્રેજી માધ્યમના 2,292 અને હિંદી માધ્યમના 966 ઉમેદવાર છે.
ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા સૂચના
પરીક્ષાને લઈ સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી રવિવારે બપોરે 12થી 3 કલાક સુધી પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં આવેલી ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા સુચના આપવામાં આવી છે. આ સાથે જ ચાર વ્યક્તિઓ એક સ્થળે એકઠા થવા પર પ્રતિબંધ મુકાયો છે અને પરીક્ષા સ્થળોની આજુબાજુ લાઉડસ્પીકર વગાડવા તથા સક્ષમ અધિકારી સિવાયના તમામ માટે મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.