ખેડા: ખેડા જિલ્લાના શિક્ષણજગતનો વિવાદ સમતો નથી. બોગસ ભરતી, બોગસ સર્ટીફિકેટ બાદ હવે શિક્ષક દંપતિના ત્રાસનો મુદ્દો ઉઠ્યો છે. માતરમાં આવેલી પ્રાથમિક કુમાર શાળામાં છેલ્લાં સાત વર્ષથી આચાર્ય તરીકે કલ્પેશ પટેલ ફરજ બજાવી રહ્યાં છે. તેમના પત્નિ પણ તે જ શાળામાં શિક્ષિકા છે. છેલ્લાં પાંચ વર્ષથી આચાર્ય અને તેમના પત્નિ ભેગા મળી સ્ટાફના અન્ય શિક્ષકો ઉપર અસહ્ય ત્રાસ ગુજારી રહ્યાની ફરિયાદ ઉઠી છે. દિન-પ્રતિદિન વધતાં જતાં આ ત્રાસથી કંટાળેલાં 10 શિક્ષકોએ ભેગાં મળી 20મી સપ્ટેમ્બરના રોજ જિલ્લા શિક્ષણાધિકારી, તાલુકા શિક્ષણાધિકારી, તાલુકા વિકાર અધિકારી, માતરના ધારાસભ્ય ઉપરાંત નિયામક કચેરીમાં લેખિત રજુઆત કરી આચાર્ય અને તેમના શિક્ષક પત્નિ સામે કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી છે.
આ રજુઆતમાં શિક્ષકોએ આક્ષેપ કર્યો હતો કે, આચાર્ય કલ્પેશભાઈ આખા સ્ટાફ સાથે સરમુખત્યારશાહીભર્યું અને તોછડું વર્તન કરે છે, તેઓ સ્ટાફ સાથે મનફાવે તેમ બોલવું, બધાના સ્વાભિમાનને વારંવાર ઠેસ પહોંચાડવી, સાચી રજુઆત ક્યારેય સાંભળવી નહીં, કોઈ રજુઆત કરે તો તેમને બોલતાં બંધ કરી દેવા, ખોટી રીતે નોટીસો આપવાની ધમકીઓ આપવી, પાવરનો ઉપયોગ ખોટી રીતે બધાં ઉપર કરવો, બધાંને પોતાના નોકર સમજવાં જેવું વલણ અપવાની રહ્યાં છે. પતિ-પત્નિ બંને એક જ શાળામાં નોકરી કરતાં હોવાથી, તેમના પત્નિ આચાર્યના પાવરથી બધો વહીવટ કરે છે. પત્નિના કહેવા પ્રમાણે જ આચાર્ય કામ કરે છે, આચાર્યની પત્નિ પણ અવારનવાર સ્ટાફના શિક્ષકોને સાથે ખોટી રીતે ઝઘડાં કરે છે.
આચાર્ય અને તેમના પત્નિ ભેગાં મળી સ્ટાફ ઉપર માનસિક ત્રાસ ગુજારે છે. આચાર્યના પત્નિ અગાઉ જ્યાં નોકરી કરતાં હતાં ત્યાં પણ તેમની વિરૂધ્ધ માનસિક ત્રાસની અરજી થયેલી છે. શાળામાં આવતી ગ્રાન્ટ કે તેના હિસાબ બાબતે શિક્ષકો કે અન્ય સ્ટાફને જાણકારી આપવામાં આવતી નથી, આચાર્ય ખોટા બિલો મુકી ગ્રાન્ટ વાપરે છે. કલ્પેશભાઈના આચાર્ય તરીકેના કાર્યકાળ દરમિયાન શાળામાંથી ત્રણ પ્રવાસ થયાં છે, તેનો પણ કોઈ જ હિસાબ આપેલ નથી. આચાર્ય અને તેમના પત્નિના વાંકે વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય વારંવાર બગડતું હોય છે. આ મામલે શિક્ષકો રજુઆત કરવા માટે ઓફિસમાં ગયાં ત્યારે આચાર્યએ ગેરવર્તણુક કરી હતી. આચાર્ય અને તેમની પત્નિના આવા વર્તનથી તમામ શિક્ષકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે આચાર્ય અને તેમના પત્નિ સામે કાર્યવાહી કરવા માંગ ઉચ્ચારી છે.