પહેલાં એવું કહેવાતું હતું કે ‘‘જેનાં કામ જે કરે’’ એટલે જેના જે કામ હોય તેમણે જ તે કામ કરવાનાં હોય. દા.ત. ખેડૂત ખેતી કરે, સુથાર લાકડાંકામ કરે, દરજી કપડાં સીવે, સોની ઘરેણાં ઘડે, કુંભાર માટીનાં વાસણો બનાવે વિગેર વિગેરે. તો પછી શિક્ષક શિક્ષણ આપવાનું કાર્ય કરે તે બરાબર છે. સરકારી સ્કૂલનાં શિક્ષકો તો બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય તો કરે જ છે પણ તે ઉપરાંત એમની પાસે બીજાં અનેક કામો કરાવવામાં આવે છે. ધારો કે ચૂંટણી આવી તો ચૂંટણીને લગતાં દરેક કાર્યો શિક્ષકોને સોંપવામાં આવે છે.
વળી નાનાં બાળકોને પોલિયોના ડોઝ પીવડાવવામાં પણ શિક્ષકો જ મોખરે હોય છે તે આપણે સૌ જોતાં આવ્યાં છીએ. આ તો થઈ સરકારી શાળાના શિક્ષકોની વાત. જ્યારે ખાનગી સ્કૂલનાં શિક્ષકોને આવી કોઈ કામગીરી સોંપવામાં આવતી નથી એટલે શિક્ષણનું સ્તર ઊંચું રહે છે અને સ્કૂલનું પરિણામ પણ ઘણું સારું આવે છે. મારું માનવું છે કે આ શિક્ષકોને સોંપાતાં કાર્યો બંધ કરવાં જોઈએ. એને બદલે બેરોજગાર યુવાનોને આ કામ સોંપવાં જોઈએ કે જેથી કરીને તેઓ હોંશે હોંશે આ કામગીરી સુપેરે નિભાવશે.
સુરત -શીલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
આ ઘટના, શિક્ષણ વ્યવસ્થા અને સરકારની છબિ બતાવે છે?
સુરત-ફાઉન્ટેનહેડ શાળામાં ધોરણ 12નો ફેરવેલ કાર્યક્રમની એ વાત યાદ અપાવી રહ્યો છે કે શિક્ષણ હવે પહેલા જેવું નથી રહ્યું. શાળામાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે અંતર અને ભાવ રહેવો જોઈએ તે નથી રહ્યો. સરકાર ખાનગી શાળાને રૂપિયાના ત્રાજવે કેવાં આંખ આડા કાન કરે છે તે બતાવે છે. શિક્ષણમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે તેનો બોલતો પુરાવો છે. સરકારી શાળામાં શું હોય આવું હોય ખરું? આ વિડીયો ન ફરતો થયો હોત તો? પરીક્ષાના માહોલમાં આ વિધાર્થીઓ તંત્ર સામે જોર મારશે અને વાલીઓ પણ ઉચ્ચ ઓળખ આપી કાયદાને ઢોળીને પી જશે.
ઉચ્ચ સુવિધાઓ અને પહેલેથી જ સારુ શિક્ષણ મેળવેલ સુખી પ્રજામાંથી આવતા બાળકો છે. જો આજે છોડવામાં આવશે તો તે કોલૅજમાં શું કરશે? આ બાબતની જવાબદારી એક સારા રાષ્ટ્ર નિર્માણ કરનાર એક શિક્ષકની નથી, આખા રાજ્યની, આખા દેશની છે. આજના ધોરણ 12ના વિદ્યાર્થીઓ ત્રણ વર્ષમાં મતદાન કરશે તો આજથી પાઠ ભણાવશો તો આવતીકાલે સારો સમજુ મતદાર પણ બનશે અને સારો નાગરિક બનશે. બાકી સમય આવ્યે તંત્ર સામે મોટુ બાવડું ઉભું કરી અધિકારીનું બાવડું ખેંચી કાઢશે તે વાત નક્કી છે. આજની શિક્ષા (દંડ )માં બચાવ કરશો તો એક દિવસ આ આખો વર્ગ સરકારને માંડી વાળશે કડવું સત્ય.
તાપી -હરીશ ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે