સ્નેહાબહેન અને સૌરભભાઈ પતિ પત્ની હતાં. લગ્નને ૫૫ વર્ષ થઇ ગયાં હતાં.એકનો એક પુત્ર અમેરિકા રહેતો હતો.તેઓ અહીં એકલાં રહેતાં હતાં.બંને પ્રેમથી રહેતાં હતાં. એકમેકને જાળવતાં અને જૂની જૂની વાતો યાદ કરી ખુશ રહેતાં.સૌરભભાઈને ચા નો બહુ શોખ હતો. તેઓ રોજ સવારે બે વાર ચા પીતા અને સાંજે બે વાર…આ પ્રેમાળ દંપતીની બાજુમાં એક યુવાન દંપતી રોમા અને રોહન રહેવા આવ્યાં.તેમના એક વર્ષ પહેલાં જ લગ્ન થયાં હતાં અને તેમનાં માતા પિતા ગામ રહેતાં હતાં. અહીં તેઓ એકલાં જ હતાં.પરિસ્થિતિ અનુસાર એક વયસ્ક દંપતી અને એક યુવાન દંપતી ટૂંક સમયમાં એકબીજાની નજીક આવી ગયાં.
ઘણી સાંજો સાથે વીતાવતા.ક્યારેક રવિવારની સવારનો નાસ્તો પણ સાથે કરતાં.જયારે જ્યારે રોમા અને રોહન તેમના ઘરે જતાં ત્યારે સ્નેહાબહેન મસાલાવાળી ચા જરૂર પીવડાવતાં અને જયારે પણ ચા બનાવતાં ત્યારે ચા ના બંધ ડબ્બાનું ઢાંકણું ખોલાવવા સ્નેહાબહેન હંમેશા સૌરભભાઈ પાસે આવતાં.સૌરભભાઈ હસતા અને ઢાંકણું ખોલી આપતા.રોહને આ ઘણી વાર જોયું હતું અને એક દિવસ સાંજે રોહન ડબ્બો ખોલવા માટેનું ખાસ સાધન લઈને આવ્યો અને ખાનગીમાં સ્નેહાબહેનને આપતાં બોલ્યો, ‘આંટી, હવે તમારે દર વખતે કિચનમાંથી અંકલ પાસે રોજ ડબ્બો ખોલાવવા નહીં આવવું પડે.આ સાધનની મદદથી તમે સહેલાઈથી ડબ્બો ખોલી શકશો.’ સ્નેહાબહેને હસીને ગીફ્ટ લઇ લીધી.
રવિવારે સવારે રોમા અને રોહન; સ્નેહાબહેન અને સૌરભભાઈને બપોરના જમવાનું આમંત્રણ આપવા આવ્યાં અને સ્નેહાબહેને હંમેશની જેમ કહ્યું, ‘ચા પી ને જજો.’ અને હંમેશની જેમ સ્નેહાબહેન ચા મૂકવા ગયાં અને થોડી વારમાં ચા નો ડબ્બો લઈને સૌરભભાઈ પાસે ખોલાવવા આવ્યાં.સૌરભભાઈએ હસીને ડબ્બો ખોલી આપ્યો.રોહનને નવાઈ લાગી.તે સ્નેહાબહેનની પાછળ પાછળ કિચનમાં ગયો અને બોલ્યો, ‘આંટી, હું ડબ્બો ખોલવાનું સાધન લાવ્યો તે તમને વાપરતાં નથી આવડતું લાવો હું શીખવાડું.’ સ્નેહાબહેન હસ્યાં અને હસતાં હસતાં સાધન વિના ચા નો ડબ્બો ખોલીને બતાવ્યો અને કહ્યું, ‘બેટા રોહન, મને આ સાધન વાપરતાં પણ આવડે છે અને તેની મદદ વિના પણ હું આ ડબ્બો ખોલી શકું છું.’
રોહનને ફરી નવાઈ લાગી. તે બોલ્યો, ‘આંટી, તો પછી તમે રોજ અંકલ પાસે કેમ ડબ્બો ખોલાવવા આવો છો?’ સ્નેહાબહેન બોલ્યાં, ‘આ તો પ્રેમ છે દીકરા, આજથી ચાર વર્ષ પહેલાં તારા અંકલને માઈલ્ડ પેરાલીસીસ એટેક આવ્યો હતો અને તેમના હાથના કાંડા પર અસર થઇ હતી.યોગ્ય સમયની દવા અને કસરતથી તેઓ સાજા થઈ ગયા છે.પરંતુ તેમનો આત્મવિશ્વાસ ટકી રહે કે તેમના હાથમાં અને શરીરમાં કોઈ પણ કામ કરી શકવાની તાકાત છે તે માટે હું આ ડબ્બો મારાથી ખૂલતો નથી કહીને ડબ્બાનું ઢાંકણું તેમની પાસે ખોલવું છું.તેઓ હસતાં હસતાં ખોલી આપે છે.’ રોહન સ્નેહાબહેનની વાત સાંભળી દરેક શબ્દોમાં તેમનો પ્રેમ નીતરતો જોઈ રહ્યો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.