નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામમાં રોડ અને નાળાનાં કામો ગુણવત્તાનો અભાવ હોવાની ગ્રામજનોએ નાંદોદ ટી.ડી.ઓ.ને ફરિયાદ કરતા ખળભળાટ મચ્યો છે.નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામમાં 14મા નાણાંપંચ, ગુજરાત પેટર્ન યોજના તેમજ અન્ય યોજનાનાં કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની ગ્રામજનોએ એ વિસ્તારના તાલુકા સભ્ય અને નાંદોદ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ મુકેશ રોહિતને કરી હતી. બાદ મુકેશ રોહિતે આ મામલે નાંદોદ ટી.ડી.ઓ.ને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરી હતી. જીયોરપાટી ગ્રામજનોની ફરિયાદ મુજબ ગામમાં બનેલા રસ્તામાં સ્ટીલનો અને માટી મેટલનો ઉપયોગ કરાયો નથી, સાથે સાથે બનેલા નાળામાં પણ સ્ટીલનો ઉપયોગ ન કરાયો હોવાથી બન્યા બાદ તુરંત એમા તિરાડો પડી ગઈ છે.
આ તમામ કામો સરપંચે કરી સરકારી નાણાંમાં ભ્રષ્ટાચાર કર્યો છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે, અમે ગુણવત્તાવાળું કામ કરવા સરપંચને કહ્યું તો સરપંચે અમને એમ કહ્યું કે, મારી અધિકારીઓ અને મોટાં માથા સાથે ઓળખાણ છે. મારાં બિલ પાસ થઈ જશે. ગ્રામજનોએ નાંદોદ ટી.ડી.ઓ.ને ચીમકી આપી છે કે જો આ કામોની યોગ્ય તપાસ નહીં થાય તો આંદોલન કરીશું.
મુકેશ રોહિતને જાતિ વિષયક અપશબ્દો બોલી ધમકી અપાઈ
નાંદોદ તાલુકા ટી.ડી.ઓ મગનભાઈ પટેલે આ ફરિયાદ બાદ જીયોરપાટી ગામે અધિકારીને તપાસ માટે મોકલ્યા હતા. નાંદોદ તાલુકા ન્યાય સમિતિના અધ્યક્ષની હાજરીમાં અધિકારીઓ કામની ગુણવત્તાની તપાસ કરી રહ્યા હતા, દરમિયાન જીયોરપાટીના સરપંચે મુકેશ રોહિતને જાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મુકેશ રોહિતે લેખિત ફરિયાદ નાંદોદ ટી.ડી.ઓ.ને કરી છે.
મેં તપાસના આદેશ આપ્યા છે: ટીડીઓ
નાંદોદ ટી.ડી.ઓ મગનભાઈ પટેલે જણાવ્યું હતું કે જીયોરપાટી ગામે વિકાસ કામોમાં ગુણવત્તા જળવાઈ ન હોવાની તથા મુકેશ રોહિતને ધમકી અપાઈ હોવાની લેખિત ફરિયાદ મને મળી છે. એ મામલે તપાસ ચાલી રહી છે.
મેં કોઈને ધમકી આપી નથી: સરપંચ ગોવિંદ તડવી
જીયોરપાટીના સરપંચ ગોવિંદ તડવીએ જણાવ્યું હતું કે, મેં કોઈને ધમકી આપી નથી, અને વિકાસનાં કામોમાં સારી ગુણવત્તાનો ખ્યાલ રખાયો છે.