અમેરિકામાં જયોર્જિયાની ચૂંટણી બાદ ટ્રમ્પ સમર્થકો દ્વારા થયેલા હિંસક હુમલાઓની ઘટનાથી અમેરિકા સહિત વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ જોવા મળી હતી, પરંતુ બાઇડન તરફ ઝૂકાવ અને ટ્રમ્પના હાર સ્વીકારવાના અહેવાલના પગલે અમેરિકન બજારો નવા શિખરો સર કરતાં જોવા મળ્યા હતા, જેની પાછળ ભારતીય શેરબજારોમાં ઉછાળો ચાલુ રહ્યો હતો. આ દરમ્યાન ભારતીય કંપનીઓના ત્રીજા કવાર્ટરના પરિણામોની મોસમ શરૂ થઇ ચૂકી છે.
આઇટી અગ્રણી ટીસીએસના ગઇકાલે બજાર બંધ થયા બાદ ડિસેમ્બર કવાર્ટરના પરિણામ જાહેર થયા છે, જે પરિણામમાં બજારની અપેક્ષા સંતોષાઇ રહી હોવાનું અનુમાન જોવા મળ્યું છે. કંપનીએ વાર્ષિક ધોરણે 7.1 ટકા અને કવાર્ટરલી ધોરણે 16.4 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. આ ઉપરાંત, કંપનીની આવકમાં પણ સતત વધારો થતો જોવા મળ્યો છે, જેની પાછળ અન્ય આઇટી કંપનીઓ સહિત અન્ય સેકટરોમાં પણ કોરોનાની અસરમાંથી બહાર નીકળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને આઇટી સેકટરનું ભાવિ અને પરિણામો સારા આવવાનું અનુમાન કરાઇ રહ્યું છે.
આજે એવન્યુ સુપરમાર્ટના પરિણામ જાહેર થનારા છે, તેની ઉપર પણ રોકાણકારોની નજર મંડરાયેલી છે. ત્યારબાદ 13મીએ ઇન્ફોસીસ તથા વીપ્રોના પરિણામો જાહેર થનારા છે. આ ઉપરાંત, એચસીએલ ટેકનોના 15મી જાન્યુઆરીએ પરિણામ જાહેર થશે. આમ, આ સપ્તાહમાં આઇટી સેકટરની મોટી અગ્રણી કંપનીઓના પરિણામો જાહેર થનારા હોવાથી આઇટી સેકટર ફોકસમાં રહેશે.
એટલું જ નહિં, ટીસીએસના પરિણામો જાહેર થયા છે, જે અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી આગામી સપ્તાહમાં આઇટી સેકટરમાં તેજીનો દોર જળવાઇ રહે તેવું માનવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં કોરોનાના 8.80 કરોડ કોરોના સંક્રમિત થયેલા છે, જેમાં 18.98 લાખ લોકોના મોત નિપજયાં છે. ભારતમાં 2.25 લાખ કોરોનાના સક્રિય કેસો છે, જ્યારે 1.50 લાખથી વધુ મોત થયા છે. કોરોના સક્રમણની સામે કોરોના વેકસીનની વિશ્વના કેટલાક દેશોમાં શરૂઆત થઇ ચૂકી છે. જ્યારે ડ્રાયરનની કાર્યવાહી સંપન્ન થઇ ચૂકી હોવાથી 13મીથી રસીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જે માટે સરકારે વ્યક્તિગત ટ્રેકિંગ માટે ડિજિટલ પ્લેટફોર્મ, કો-વીનનો ઉપયોગ કરશે.
વૈશ્વિક સ્તરે ચીનના 11મી જાન્યુઆરીના રોજ ડિસેમ્બર માટે ફુગાવાના દરની જાહેરાત કરાશે, જ્યારે અમેરિકામાં 13મીએ ફુગાવાની જાહેરાત કરાશે. ડિસેમ્બર માટે અમેરિકા રિટેલ વેચાણની જાહેરાત 15મી જાન્યુઆરીએ કરાશે.
વિતેલા સપ્તાહમાં ભારતીય શેરબજારમાં ફંડો તથા તેજીવાળાઓની સતત ખરીદીના પગલે સેન્સેક્સ નવી ઉંચાઇ હાંસલ કરતું જોવા મળ્યું હતું. સેન્સેક્સ 913.53 પોઇન્ટ એટલે કે 1.91 ટકા ઉછળીને 48782.51 પોઇન્ટ અને નિફ્ટી 328.75 પોઇન્ટ એટલે કે 2.35 ટકા ઉછળીને 14347.25 પોઇન્ટના મજબૂત બંધ રહ્યા હતા. વિતેલા સપ્તાહમાં સેન્સેક્સ 49000 પોઇન્ટની નજીક પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટીએ સાપ્તાહિક ઇન્ટ્રાડેમાં 14450 પોઇન્ટની સપાટી કૂદાવી દીધી હતી.
લાર્જકેપ શેરોની સાથે સાથે બોર્ડર માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી હતી અને મિડકેપ ઇન્ડેક્સ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 974.24 પોઇન્ટ એટલે કે 5.36 ટકા ઉછળીને 19138.72 પોઇન્ટ અને નિફ્ટી 647.56 પોઇન્ટ એટલે કે 3.55 ટકા વધીને 18908.59 પોઇન્ટના મજબૂત બંધ રહ્યા હતા. આમ, લાર્જકેપ શેરોની સરખામણીએ મિડકેપ શેરોમાં શાનદાર પ્રદર્શન જોવાયું હતું.
વિતેલા સપ્તાહમાં ભારતીય શેરબજારમાં શરૂઆતમાં વૈશ્વિક સંકેતોના પગલે તેજીથી શુભારંભ થયો હતો, જેમાં સેન્સેક્સ 307.82 પોઇન્ટ એટલે કે 0.64 ટકા ઉછળીને 48000 પોઇન્ટની સપાટી કૂદાવીને 48176.80 પોઇન્ટ અને નિફ્ટી 114.40 પોઇન્ટ એટલે કે 0.82 ટકા ઉછળીને 14100 પોઇન્ટની સપાટી કૂદાવીને 14132.90 પોઇન્ટના મજબૂત બંધ રહ્યા હતા. મંગળવારે પોઝિટિવ એશિયન બજારોના પોઝિટિવ ચાલ અને વિદેશી ફંડોના મજબૂત ઇનફ્લોના પગલે સેન્સેક્સ 260.98 પોઇન્ટ એટલે કે 0.54 ટકા વધીને 48437.78 પોઇન્ટ અને નિફ્ટી 66.60 પોઇન્ટ એટલે કે 0.47 ટકા વધીને 14199.50 પોઇન્ટના મજબૂત બંધ રહ્યા હતા.
બુધવારે વૈશ્વિક નકારાત્મક સંકેતો તથા અમેરિકાની જયોર્જિયાની ચૂંટણી પુર્વે નફાવસુલીના પગલે સેન્સેક્સ 263.72 પોઇન્ટ એટલે કે 0.54 ટકા ઘટીને 48174.06 પોઇન્ટ અને નિફ્ટી 53.25 પોઇન્ટ એટલે કે 0.38 ટકા ઘટીને 14146.25 પોઇન્ટના નરમ બંધ રહ્યા હતા. ગુરૂવારે વીકલી એકસપાયરીના પગલે બેઉતરફી વધઘટે સેન્સેક્સ 80.74 પોઇન્ટ એટલે કે 0.17 ટકા ઘટીને 48093.32 પોઇન્ટ અને નિફ્ટી 8.90 પોઇન્ટ એટલે કે 0.06 ટકા ઘટીને 14137.35 પોઇન્ટના નરમ બંધ રહ્યા હતા.
સપ્તાહના અંતિમ દિવસે વિદેશી ફંડોની આક્રમક ખરીદી જોવા મળી હતી, જે એક દિવસમાં જબરજસ્ત રૂ. 6000 કરોડથી વધુની ખરીદીના કારણે સેન્સેક્સ 689.15 પોઇન્ટ એટલે કે 1.43 ટકા ઉછળીને 48782.51 પોઇન્ટ અને નિફટી 209.90 પોઇન્ટ એટલે કે 1.48 ટકા ઉછળીને 14347.25 પોઇન્ટના મજબૂત બંધ રહ્યા હતા
વિતેલા સપ્તાહમાં હેવીવેઇટ શેરોમાં રિલાયન્સમાં વેચવાલી હાવી રહી હતી અને ખેડૂત આંદોલનના કારણે મોબાઇલ ટાવરોને થયેલા નુકશાનના કારણે 2.72 ટકા તૂટયો હતો. આ ઉપરાંત, વિતેલા સપ્તાહમાં ઓટો શેરોમાં રોનક જોવા મળી હતી. જેમાં મારૂતિ, બજાજ ઓટો, બજાજ ઓટો, હીરો મોટો, મહિન્દ્રા-મહિન્દ્રા તેમજ તાતા મોટર્સના શેરોમાં ઉછાળો જોવાયો હતો. અદાણી જૂથના શેરોમાં પણ તેજી જોવા મળી હતી. અદાણી એન્ટર, અદાણી પોર્ટ સહિતના શેરો ઉછળ્યા હતા. કેપિટલ ગુડઝમાં લાર્સનને મળેલા લાર્જર ઓર્ડરના કારણે 5.90 ટકા ઉછળ્યો હતો. ઓએનજીસી 7.99 ટકા ઉછળ્યો હતો.