સુરત: સુરત શહેર અને જિલ્લામાંથી સેવન સિસ્ટર સ્ટેટ પૈકીનાં બે રાજ્ય અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ રાજ્યની પેસેન્જર ટ્રાન્સપોર્ટની સ્લીપર બસો કૌભાંડ આચરીને ચલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે કર્યો છે. નાયકે મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી, અધિક મુખ્ય સચિવ વાહનવ્યવહાર, વાહન વ્યવહાર કમિશનર, મહેસૂલ તપાસણી કમિશનરને લેખિત ફરિયાદ કરી તપાસની માંગ કરી છે. ગુજરાત સરકારને કરોડો રૂપિયાના ટેક્સનું આર્થિક નુકસાન કરી રહેલા લોકોને પકડવા રજૂઆત કરી છે.
- સુરતથી અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ રાજ્યની પેસેન્જર ટ્રાન્સપોર્ટની સ્લીપર બસો ચલાવવાના કૌભાંડનો આક્ષેપ
- ગુજરાત સરકારને કરોડો રૂપિયાના ટેક્સનું આર્થિક નુકસાન કરી રહેલા લોકોને પકડવા દર્શન નાયકે મુખ્યમંત્રી, વાહનવ્યવહાર મંત્રી, વાહન વ્યવહાર કમિશનરને લેખિત ફરિયાદ કરી
- અરુણાચલ કે નાગાલેન્ડની બસ સાથે કોઈ અકસ્માત કે દુર્ઘટના બને ત્યારે જે-તે મુસાફરોને વીમા કંપની દ્વારા ક્લેઇમ પણ મળવાપાત્ર થતો નથી
સરકારને મોકલવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા પોતાના પ્રદેશમાં પેસેન્જર ટ્રાન્સપોર્ટ સ્લીપર બસ ચલાવવા માટેના ચોક્કસ નીતિનિયમો બનાવવામાં આવ્યા છે. જે-તે પ્રદેશની સરકાર દ્વારા પોતાના પ્રદેશમાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન આપવા માટે ટ્રાન્સપોર્ટ સંબંધી વેરાઓમાં છૂટછાટ આપવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા બનાવવામાં આવેલા નીતિનિયમો અને ટ્રાન્સપોર્ટ સંબંધી વેરાઓમાં આપવામાં આવેલી છૂટછાટનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે.
સુરત શહે૨ અને જિલ્લામાં હાલમાં મોટા પ્રમાણમાં અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ રાજ્યની પેસેન્જર ટ્રાન્સપોર્ટની સ્લીપર બસો ચાલી રહી છે. જેનાથી ગુજરાત સરકારને કરોડો રૂપિયાના ટેક્સના રૂપે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ગુજરાત રાજ્યમાં ટેક્સ કરતાં અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ રાજ્યમાં પેસેન્જર ટ્રાન્સપોર્ટની સ્લીપર બસો ઉપર ઓછો ટેક્સ વસૂલ કરવામાં આવે છે. જેથી પેસેન્જર ટ્રાન્સપોર્ટની સ્લીપર બસોના માલિકો /ઓપરેટરો અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ રાજ્યમાં રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે અને ગુજરાતમાં આ પેસેન્જર ટ્રાન્સપોર્ટની સ્લીપર બસો ઓપરેટ કરી રહ્યા છે. જેથી ગુજરાત રાજ્યને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
આવી પેસેન્જર ટ્રાન્સપોર્ટની સ્લીપર બસો દ્વારા સરકારી નીતિનિયમો અને જોગવાઈનો ભંગ કરી મુસાફરોને મુસાફરી કરાવવામાં આવે અને જો તે દરમિયાન કોઈ અકસ્માત કે દુર્ઘટના બને ત્યારે જે-તે મુસાફરોને વીમા કંપની દ્વારા ક્લેઇમ પણ મળવાપાત્ર થતો ન હોવાથી મુસાફરોનું પણ હિત જોખમાય તેમ છે.
સુરત શહેર અને જિલ્લામાં હાલમાં ચાલી રહેલી તમામ પેસેન્જર ટ્રાન્સપોર્ટની સ્લીપર બસોની ચકાસણી કરવામાં આવે અને જે બસોનું ગુજરાત સિવાયનાં રાજ્યોમાં રજિસ્ટ્રેશન કરી નેશનલ પરમિટ મેળવી હોય તે તમામ બસોની ચકાસણી કરવામાં આવે અને જે બસો સરકારના નીતિનિયમો અને જોગવાઈનો ભંગ કર્યો હોવાનું જણાઈ આવે તેમની સામે દાખલો બેસે એવી સખત કાર્યવાહી કરવામાં આવે. જેથી ગુજરાત સરકારને કરોડો રૂપિયાની ટેક્સની આવક થઈ શકે.
ગુજરાત કરતાં અરુણાચલ પ્રદેશનો ટેક્સ અડધો
રાજ્યનું નામ/ સીટિંગ કેપેસિટી ટેક્સ(રૂપિયા અંદાજિત)
ગુજરાત / ૩૬ +૧ ૩૬ⅹ૧૧૦૦ = ૩૯૬૦૦ (માસિક ટેક્સ)
અરુણાચલ પ્રદેશ / ૩૬ +૧ ૩૬ ⅹ ૫૦૦ = ૧૮૦૦૦ (વાર્ષિક ટેક્સ)
અરુણાચલ, નાગાલેન્ડની પેસેન્જર ટ્રાન્સપોર્ટની સ્લીપર બસો નેશનલ પરમિટ ધરાવતી હોવાથી ગુજરાતમાં એનો ગેરલાભ લેવાય છે: દર્શન નાયક
દર્શન નાયકે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં ટેક્સ કરતાં અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં પેસેન્જર ટ્રાન્સપોર્ટની સ્લીપર બસો ઉપર ઓછો ટેક્સ વસૂલ કરવામાં આવે છે. એટલું જ નહીં અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં જે પેસેન્જર ટ્રાન્સપોર્ટની સ્લીપર બસો નેશનલ પરમિટ ધરાવતી હોય તેઓ એક રાજ્યથી બીજા રાજ્યમાં મુસાફરોને માત્ર કોન્ટ્રાક્ટ ઉપર લઈ જઈ શકે છે. તે મુસાફરો એક જૂથ કે ગ્રુપના હોવા જોઈએ તેમજ એકબીજાને ઓળખતા હોય તેવી શરતોને આધીન કોન્ટ્રાક્ટ કેરેજ પરમિટ સરકાર દ્વારા આપવામાં આવે છે. પરંતુ આપવામાં આવેલી પરમિટનો ભંગ કરી ઉચ્ચક નાણાં વસૂલી મુસાફરોને મુસાફરી કરાવવામાં આવે છે. તેવા સંજોગોમાં જે તે આર.ટી.ઓ. બસોની ચકાસણી કરી પરમિટ શરત ભંગના કેસો પણ કરવાના હોય છે, તેમજ નેશનલ પરમિટ ધરાવતી પેસેન્જર ટ્રાન્સપોર્ટની સ્લીપર બસોના ચેકિંગ દરમિયાન જો ગુજરાત રાજ્યના જ પેસેન્જર્સ મુસાફરી કરતાં જણાઈ આવે તો તેવા સંજોગોમાં ગુજરાત રાજ્યના નીતિનિયમો મુજબ ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા લાગુ કરવામાં આવેલા માસિક ટેક્સની રકમ વસૂલ કરવાની હોય છે. પણ આરટીઓના જવાબદાર અધિકારીઓ દ્વારા માત્ર નામ પૂરતા જ કેસો કરવામાં આવે છે. વાહન વ્યવહાર વિભાગના જવાબદાર અધિકારીઓ કેમ મૂક પ્રેક્ષક બની રહે છે એની પણ વિભાગીય તપાસ થવી જોઈએ.