તાજેતરમાં જ ગુજરાતમાં આવેલા ભારે વિનાશકારી તાઉતે વાવાઝોડામાં માટીકામના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તેમજ ઈંટોના ભઠ્ઠાને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, એક અંદાજ પ્રમાણે માટીકામ સાથે સંકળાયેલા વ્યવસાયને 100 કરોડ જેટલું નુકસાન થયું છે. તેવા સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવી આર્થિક સહાય ચુકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
ગુજરાતમાં ત્રાટકેલા વાવાઝોડાની વ્યાપક અસરના કારણે ગુજરાતના સમગ્ર પ્રજાપતિ સમાજના ઇંટવાડા, ઈંટોના ભઠ્ઠા, માટીના વાસણો ઉપરાંત પ્રજાપતિ સમાજના લોકોના કાચા-પાકા મકાનોના છાપરા ઉડી જવાથી માલમિલકતને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં ૧૦૦ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે, તેવા સંજોગોમાં તાત્કાલિક યુદ્ધના ધોરણે રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા સર્વે કરીને આર્થિક સહાય આપવા ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
માટીકામ કલાકારી બોર્ડના પૂર્વ ચેરમેન દલસુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આશરે ૧૫૦૦ જેટલા ઈંટના ભઠ્ઠા તથા ૨૫૦૦૦ જેટલા ઈંટ ઉત્પાદન કરનારા લોકોને ૨૫૦ કરોડનું નુકસાન થવા પામ્યું છે. વાવાઝોડાને કારણે મોટા પ્રમાણમાં માટી ધોવાઇ ગઇ છે, તેવા સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક સર્વે કરાવીને ઈંટ ઉત્પાદકતા તથા માટીકામના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને તાત્કાલિક સહાય ચુકવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.