ગાંધીનગર: (Gandhinagar) અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી (Tauktae) વાવાઝોડુ (Cyclone) હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સ્થિત છે. તે રાજ્યની ઉત્તર દિશાના ઉત્તર-પશ્ચિમી કાંઠે છેલ્લા 06 કલાકથી આશરે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહયું છે. વાવાઝોડું આવવાની સંભાવનાને કારણે તંત્ર દ્વારા અનેક તૈયારીઓ કરવામાં આવી રહી છે. સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તેમણે જણાવ્યું કે, આજે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે અને તે માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વલસાડથી સૌરાષ્ટ્ર (Saurashtra) સુધી ભારે વરસાદ (Rain) પડી શકે છે. વાવાઝોડાની અસર ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાને વધારે થશે. આ ઉપરાંત દક્ષિણ અમદાવાદ, આણંદ અને મોરબીમાં પણ તેની અસર જોવા મળશે. જેને લઈને એનડીઆરએફ અને ટાસ્કફોર્સ તૈયાર છે.
તાઉ-તે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. લોકોને સ્થળાંતર કરવાની મોટી કામગારી પૂર્ણ કરી દેવામાં આવી છે. 5 જિલ્લામાંથી 1 લાખથી વધુ અને રાજ્યમાંથી કુલ 2 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
19 હજાર માછીમારો અને તમામ બોટ પાછી આવી ગઇ છે. 11 હજાર અગરિયાઓનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર મદદ કરી રહી છે. દક્ષિણ ગુજરાતનમાં સુરત, વલસાડ, નવસારી અને ભરૂચના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાવઝોડાની અસર થઇ શકે છે.
CM વિજય રૂપાણીએ વાવાઝોડાની પૂર્વ તૈયારીઓ અંગે જણાવ્યું કે, હવામાન વિભાગની સ્પષ્ટ આગાહી છે કે, આજે સાંજે એટલે આઠ વાગ્યા પછી ગુજરાતમાં ગમે ત્યારે વાવાઝોડું ત્રાટકશે. તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ભારે વરસાદ અને પવનને કારણે દરિયાકાંઠે રહેતા કાચા મકાનમાં રહેતા તથા અન્ય લોકોનું સંથળાંતર કરવાનાં આદેશો અપાઇ ગયા છે.
રાજ્યમાં દરિયાકાંઠાના અલગ અલગ જિલ્લામાંથી દોઢ લાખ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. રાજ્યભરમાં બચાવકાર્ય માટે NDRFની 44 ટીમને તૈનાત કરી દેવાઈ છે, જ્યારે SDRFની પણ 6 ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે. તાઉ-તે વાવાઝોડું ગુજરાત તરફ ઝડપભેર આગળ વધી રહ્યું છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા તાઉ-તે વાવાઝોડું રાજ્યના પશ્ચિમી દરિયાકાંઠા તરફ પૂરઝડપે આગળ વધી રહ્યું છે. તાઉ-તે વાવાઝોડા ગીર-સોમનાથ જિલ્લામાં ઉનાના દરિયાકાંઠે પ્રથમ ટકરાશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. ઉના શહેર અને પંથકના દરિયાકાંઠાનાં નવાબંદર, સૈયદ રાજપરા, સીમર, દેલવાડા સહિતનાં ગામોમાં આજે સવારથી જ વાવાઝોડાની અસરો જોવા મળી રહી છે.
શહેર અને પંથકનાં ગામોમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને સામાન્યથી થોડી વઘુ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. ઉના શહેર અને પંથકમાં તાઉ-તે વાવાઝોડું ત્રાટકવાના ભણકારા વાગી રહ્યા હોવાથી લોકોમાં ભારે ઉચાટ સાથે ચિંતાની લાગણી જોવા મળી રહી છે.