આજે તા. 11 જૂનને બુધવારે રેલવે મંત્રાલયે એક મોટો નિર્ણય લેતા કહ્યું છે કે હવે યુઝર્સ આધાર ઓથેન્ટિકેશન વિના તત્કાલ ટ્રેન ટિકિટ બુક કરી શકશે નહીં. મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ટિકિટ બુકિંગ સંબંધિત આ મોટો ફેરફાર (તત્કાલ ટિકિટ બુકિંગ નિયમ ફેરફાર) 1 જુલાઈ, 2025 થી લાગુ કરવામાં આવશે.
નોંધનીય છે કે તાજેતરમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમના ટ્વિટર એકાઉન્ટ (હવે X) પર એક પોસ્ટ દ્વારા કહ્યું હતું કે આ નિયમો ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે.
ગઈ તા. 4 જૂનના રોજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કહ્યું હતું કે ભારતીય રેલવે ટૂંક સમયમાં તત્કાલ ટિકિટ બુક કરવા માટે ઈ-આધાર પ્રમાણીકરણનો ઉપયોગ શરૂ કરશે. પોતાની પોસ્ટમાં તેના ફાયદાઓ સમજાવતા તેમણે લખ્યું હતું કે આ સિસ્ટમ રેલવેના વાસ્તવિક વપરાશકર્તાઓને જરૂરિયાત સમયે કન્ફર્મ ટિકિટ મેળવવામાં મદદ કરશે. એવી અપેક્ષા છે કે આ સિસ્ટમ આ મહિનાના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. હવે રેલવે મંત્રાલયે તેની જાહેરાત કરી છે અને આ પ્રક્રિયા 1 જુલાઈથી લાગુ કરવામાં આવશે.
ફક્ત 10% યુઝર્સ આધાર વેરિફાઇડ છે!
IRCTC ના મતે દેશમાં તેના યુઝર્સની સંખ્યા 13 કરોડથી વધુ છે પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે આ યુઝર્સમાંથી ફક્ત 10 ટકા લોકો આધાર વેરિફાઇડ છે. આવી સ્થિતિમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી ભારતીય રેલ્વેએ નિયમો કડક કર્યા છે અને ફક્ત આધાર વેરિફાઇડ IRCTC એકાઉન્ટ્સને જ ઓનલાઈન તત્કાલ ટિકિટ બુકિંગ કરવાની મંજૂરી આપી છે. 1 જુલાઈથી આ નિયમો અમલમાં આવ્યા પછી, તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર આધારિત OTP પ્રમાણીકરણ જરૂરી બનશે.