બે–ચાર દિવસ પહેલાનાં ગુજરાતમિત્રમાં સમાચાર વાંચવા મળ્યા કે ટાટા સ્ટીલની મેનેજમેન્ટે કોરોનાને કારણે મોતને ભેટેલ કર્મચારીઓના જીવીત કુટુંબીજનોને ૬૦ વર્ષની ઉંમર સુઘી ભરણપોષણ, રહેઠાણ, આરોગ્ય અંગેનો અને એમનાં બાળકોના અભ્યાસનો ખર્ચો ઉઠાવવાનો નિર્ણય જાહેર કર્યો. મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા જેવી અન્ય કંપનીઓ પણ એમનાં કર્મચારીઓને એમની તકલીફના સમયે ચોક્કસ મદદરૂપ થાય છે અને કોરોના કાળમાં પણ મદદરૂપ થયા છે પરંતુ ટાટા ગ્રુપે/ગ્રુપ એમનાં કર્મચારીઓ માટે જે કર્યુ છે/ કરે છે એવુ બીજી કંપનીઓ બાબતે જાણવા નથી મળ્યુ. આ સમાચાર વાંચતા આ ગ્રુપ જ્યારથી સ્થપાયુ ત્યારથી ગ્રુપના કર્મચારીઓ પ્રત્યેની ટાટા મેનેજમેન્ટની નીતિઓ અંગે અગાઉ વાંચેલ એ વિગતો નજર સમક્ષ આવી જાય છે (તરવરી ઉઠે છે). જમશેદજી ટાટા દ્વારા જેનો અવિર્ભાવ થયેલ, જેનો વિચાર કરાયેલ એ ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની (TISCO) ની તા. ૨૬–૦૮–૧૯૦૭ ને દિને એમના દિકરા દોરાબજી ટાટા દ્વારા સ્થાપના થયેલ.
ટાટા ગ્રુપના સ્વપ્નદ્રષ્ટા જમશેદજી ટાટાએ દોરાબજીને એમનાં મ્રૃત્યુનાં પાંચ વર્ષ પહેલા ૧૯૦૨ માં સ્ટીલ પ્લાન્ટના કારીગરો માટે વિશાળ રસ્તાઓ અને ઝાડપાન સહીતની ટાઉનશીપ અને હિંદુ, મુસ્લિમો અને ખ્રિસ્તીઓ માટે મંદિર, મસ્જીદ અને ચર્ચ માટે વિશાળ જગ્યા અનામત રાખવાનું સુચનો કરતા એમના વિચારો અંગેનો પત્ર એમનાં પુત્ર દોરાબજીને લખેલ જેનો જમશેદજીના વારસદારો અને ટાટા સ્ટીલના વહિવટકર્તાઓએ અક્ષરસહ: અમલ કરેલ. ટાટા સ્ટીલે કર્મચારીઓ માટે કામનાં નિશ્ચિત કલાકો (આઠ કલાક), મફત દાક્તરી સેવા, વેલ્ફેર ડીપાર્ટમેન્ટની સ્થાપના, કર્મચારીઓને પગાર સાથેની રજા, કર્મચારી પ્રોવિડન્ટ ફંડ, સ્ત્રીઓને મેટરનીટીની રજા, બોનસ અને ગ્રજ્યુઇટી વિ. કામદાર કલ્યાણકારી યોજનાઓ અને કામદારોને લગતા કાયદાઓ (લેબર લોઝ) ભારતમાં અન્ય કોઇ વિચારે એ પહેલા લાગુ કરેલ. ટાટા ગ્રુપે દેશને બતાવ્યુ છે કે એમને માટે કંપનીનાં નફા કરતાં પણ કંપનીના માણસો વઘુ અગત્યના હતા અને છે. આજ કારણોસર આ કંપનીમાં ૧૯૨૯ થી આજ દિન સુઘી હડતાલ નથી પડી. જમશેદજીનાં કલ્યાણકારી વિચારોને મુર્તિમંત કરવાના આશય અને પ્રયત્નોને કારણે જ આ ઔદ્યોગિક સ્થળ/નગરીનું નામ જમશેદપુર અપાયુ.
સુરત-હિતેન્દ્ર ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.