Business

સ્ટીલ અને મેટલ સેકટરમાં તાતા સ્ટીલ દેશની સૌથી મોટી કંપની બની જશે, શું શેરહોલ્ડર્સને લાભ મળશે

સ્ટીલ જાયન્ટ તાતા સ્ટીલમાં વધુ તાતા જૂથની સાત કંપનીઓના મર્જરના અહેવાલથી સ્ટીલ તથા મેટલ સેકટરમાં તાતા સ્ટીલ દેશની સૌથી મોટી ઉત્પાદક કંપની બની જશે. જોકે, આ મર્જરથી તાતા જુથની મેટલ કંપનીઓમાં આકર્ષણ જોવા મળ્યું નથી, પરંતુ નિષ્ણાંતોના મતે આ મર્જર બાદ લાંબા ગાળા માટે શેરહોલ્ડર્સને લાભ મળશે. તાતા જુથની સાત મેટલ કંપનીઓને તાતા સ્ટીલ સાથે મર્જ કરવાની દરખાસ્તને તાતા સ્ટીલના બોર્ડે આ પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. જે કંપનીઓને મર્જ કરવામાં આવશે, તેમાં તાતા સ્ટીલ લોંગ પ્રોડક્ટસ, ધ ટીનપ્લેટ કંપની ઓફ ઇન્ડિયા, તાત મેટાલીકસ, ટીઆરએફ લિ., ઇન્ડિયન સ્ટીલ એન્ડ વાયર પ્રોડકટ્સ, તાતા સ્ટીલ માઇનીંગ અને એસ એન્ડ ટી માઇનીંગ કંપનીનો સમાવેશ થાય છે.

તાતા સ્ટીલના સીએફઓ કૌશિક ચેટર્જીએ મેગા મર્જર પાછળનું તર્ક સમજાવતા કહ્યું કે, ભુષણ સ્ટીલનું સફળતાપુર્વક મર્જર અને એકીકરણ કર્યા પછી આ નિર્ણય વ્યૂહાત્મક લેવાયો છે. આ વિલીનીકરણ તાતા સ્ટીલ માટે ઇપીએસ આકર્ષક છે. આ એકીકરણથી રૂ. 1500 કરોડની બચત થશે, જેમાં સરકારને ચુકવાતી રોયલ્ટીનો પણ સમાવેશ કરાયો છે. તાતા સ્ટીલના ભારત અને વિદેશી બિઝનેસના ડીમર્જરની શક્યતા અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, ભારત અને વિદેશી બિઝનેસના ડિમર્જરની હાલમાં કોઇ
વાત નથી.

સ્વતંત્ર નિર્દેશકોની સમિતિ અને ઓડિટ સમિતિએ સાત મેટલ કંપનીઓને તાતા સ્ટીલ સાથે મર્જ કરવાની ભલામણ કરી હતી. તાતા સ્ટીલના બોર્ડે આ ભલામણને ધ્યાનમાં લીધા બાદ મર્જરની દરખાસ્તને મંજુરી આપી હતી. તાતા જુથે જણાવ્યું છે કે, મર્જ કરેલ એન્ટીટીના સંશાધનોને શેરધારકોના મુલ્યને અનલોક કરવાની તક માટે એકત્રિત કરવામાં આવ્યા છે. જેના માટે શેરનો એકસચેન્જ રેશિયાને પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. આ મર્જરનો હેતુ તાતા જુથના હોલ્ડિંગ માળખાને સરળ બનાવવાનો છે. 2019થી તાતા સ્ટીલે સંકળાયેલા એકમોની સંખ્યામાં 116નો ઘટાડો કર્યો છે. 72 પેટા કંપનીઓનું અસ્તિત્વ બંધ થઇ ગયું છે. 20 એસોસીએટસ અને સંયુક્ત સાહસો બંધ થઇ ગયા છે અને 24 કંપનીઓ લિકવીડેશનની પ્રક્રિયામાં છે. દરેક મર્જર સ્કીમને નિયમનકારીની મંજુરીની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. મર્જર માટે શેરબજાર અને એનસીએલટીની મંજુરી પણ જરૂરી રહેશે.

આ મર્જર પછી તાતા સ્ટીલ મેટલ બિઝનેસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આ વૃદ્ધિને વેગ પશે અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં પણ સુધારો કરશે. જુથના મેટલ્સ બિઝનેસમાં સીનર્જી વધશે. તાતા સ્ટીલના બોર્ડે સુચિત મર્જર માટે પાંચ મેટલ કંપનીઓના શેર સ્વેપ રેશિયોને મંજુરી આપી છે. જેમાં તાતા સ્ટીલ લોંગ પ્રોડકટસના દર 10 શેર માટે, શેરધારકોને તાતા સ્ટીલના 67 શેર મળશે. ધ ટીનપ્લેટ કંપની ઓફ ઇન્ડિયાના દરેક 10 શેર માટે તાતા સ્ટીલના 33 શેરો મળશે. તાતા મેટાલીક્સના દરેક 10 શેર માટે શેરધારકોને 79 શેર મળશે. ટીઆરએફના દર 10 શેર માટે શેરધારકોને તાતા સ્ટીલના 17 શેર મળશે.

તાતા જુથની તાતા સ્ટીલમાં સાત મેટલ કંપનીઓના મર્જર અંગે નિષ્ણાંતોનું માનવું છે કે, જે રીતે શેરોની ફાળવણી કરવામાં આવી છે, તેને જોતાં નજીકના ગાળા માટે આ કંપનીઓ લાભદાયી સાબિત થાય તેવી સંભાવના નહિંવત છે, પરંતુ લાંબાગાળા માટે રોકાણકારોને લાભ મળશે. આ મર્જરના અહેવાલ બાદ તાતા સ્ટીલના શેરોમાં સુધારો
જોવાયો હતો. જ્યારે મર્જ થયેલી કેટલીક કંપનીઓના શેર પર દબાણ જોવા મળ્યું હતું. તાતા સ્ટીલ લોંગ પ્રોડકટસ તથા ટીનપ્લેટના ભાવોમાં ઘટાડો નોંધાયો છે. જોકે, આ મર્જરથી તાતા સ્ટીલના જુથના હોલ્ડીંગ્સ સ્ટ્રકચર સરળ બનશે, આ પોઝિટિવ પગલાંથી તાલમેલ સુધરશે, તેમજ તાતા સ્ટીલમાં બચત વધતી જોવા મળશે, જેના પરિણામે આ મર્જર સાચી દિશાનું પગલું ગણી શકાય.

Most Popular

To Top