નવી દિલ્હીઃ ટાટા એરબસને (Tata Airbus) ભારતીય વાયુસેના (Indian Airforce) માટે C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ (Transport Aircraft) બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. કંપની આ એરક્રાફ્ટનું ઉત્પાદન તેના વડોદરા (Vadodara) ખાતેના પ્લાન્ટમાં કરશે. આ જાણકારી સેનાના અધિકારીઓએ આપી હતી. સંરક્ષણ મંત્રાલયના (Defence Ministry) અધિકારીએ કહ્યું કે તે સંપૂર્ણપણે સ્વદેશી પૈકી એક હશે. ભારતમાં બનેલા એરક્રાફ્ટની સપ્લાય 2026 થી 2031 સુધી કરવામાં આવશે. પ્રથમ 16 એરક્રાફ્ટ 2023 થી 2025 ની વચ્ચે આવશે. ભારતીય વાયુસેના આખરે આ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું સૌથી મોટું ઓપરેટર બનશે.
સંરક્ષણ સચિવે કહ્યું કે આયાત પર કોઈ પ્રતિબંધ નથી. નીતિ એવી છે કે ભારતમાં જે બની શકે તે અહીં જ બનશે. સંરક્ષણ દળો માટે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે જોરશોરથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઓપરેશનલ સજ્જતા સાથે બાંધછોડ કરવામાં આવતી નથી અને ઓપરેશનલ સજ્જતા આપણા મગજમાં મોખરે છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર ગુજરાતના વડોદરામાં નિર્માણ પામનારા આ પ્લાન્ટનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ ઓક્ટોબરે કરશે. આ કાર્યક્રમને લઈને વડોદરા ખાતે પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે. ભારતીય વાયુ સેના પણ આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
વડોદરામાં આ પ્લાન્ટ સ્થપાશે
રક્ષા સચિવ અજય કુમારે કહ્યું કે ગુજરાતના વડોદરામાં એરબસ સી-૨૯૫ પરિવહન વિમાનના ઉત્પાદન માટે એક પ્લાન્ટ સ્થાપવામાં આવનાર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્લાન્ટનું ભૂમિ પૂજન ૩૦ ઓક્ટોબરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. કુમારે કહ્યું કે, પહેલી વાર ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે લગભગ ૨૧,૦૦૦ કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કરાયા છે. જેમાં ભારતીય વાયુ સેનાના જૂના એવરો-૭૪૮ વિમાનોના બદલવા માટે ૫૬ સી-૨૯૫ પરિવહન વિમાન ખરીદવામાં આવ્યા હતા. જેમાં ભારતમાં પહેલી વાર કોઈ ખાનગી કંપની દ્વારા સૈન્ય વિમાનોના નિર્માણમાં સામેલ છે.
કરાર હેઠળ એરબસ ચાર વર્ષની અંદર સેવિલે, સ્પેનમાં પોતાની છેલ્લી એસેમ્બલી લાઈનથી ફ્લાઈ અવે સ્થિતિમાં પહેલા ૧૬ વિમાન આપશે અને ત્યાર બાદ ૪૦ વિમાન ભારતમાં ટાટા એડવાન્સડ સિસ્ટમ્સ (ટીએએસએલ) દ્વારા નિર્મિત અને એસેમ્બલ કરવામાં આવશે. બંને કંપનીઓ વચ્ચે ઔદ્યોગિક ભાગીદારીના ભાગરૂપે આ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવશે.