વડોદરા : શહેર નજીક વડદલા રોડ નવીનગરી તરસાલીના રહીશોના દુકાનો મકાનો ખાલી કરવા નોટિસ પાઠવાઇ છે. પહેલા આવાસો આપે ત્યારબાદ જ આવાસો દૂર કરે તેવી માંગણી સાથે શિવસેનાની આગેવાની હેઠળ રહીશોએ પાલિકાની વડી કચેરી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ડે.મ્યુ.કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. વડોદરા શહેરના છેવાડે આવેલા તરસાલી વિસ્તારમાં વડોદરા મહાનગર પાલિકા દ્વારા રેસ નં.862માં 12 મીટરના રસ્તા માટે ત્યાં આવેલ નવીનગરીમાં છેલ્લા 45 વર્ષોથી રહેતા લોકોના આવાસો અને દુકાનો ખાલી કરવા માટે નોટિસો આપવામાં આવી છે. અહીં કાચા,પાકા મકાનો અને દુકાનો આવેલા છે તથા રોજનું કમાઇ રોજ ખાનાર વર્ગ મજૂરી કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. હાલમાં ભર ઉનાળો છે અને આગામી દિવસોમાં ચોમાસું આવી રહ્યું છે.
ત્યારે અહીંના લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કે અન્યત્ર આવાસોની જોગવાઈ પાલિકા દ્વારા કરવામાં આવી નથી. તેમજ આ લોકોને અહીં આવાસો ખાલી કરવા નોટિસો પાઠવી દેવામાં આવી છે. આ ઉપરાંત અહીં કેટલાક લોકોને જ નોટિસો પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે શિવસેના વડોદરા શહેરના ઉપપ્રમુખ તેજસ બ્રહ્મભટ્ટ તેમજ જીલ્લા પ્રમુખ દેવેશ માનેની આગેવાનીમાં સ્થાનિકોને સાથે રાખીને વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડી સૂત્રોચ્ચાર સાથે ડે.મ્યુનિ.કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં આક્ષેપો કરવામાં આવ્યા હતા કે આ કોઇ બિલ્ડર કે અન્ય કોઇના લાભ માટે આ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે. અહીંના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા બાદ જ તેઓના આવાસો દૂર કરવામાં આવે અન્યથા શિવસેના વડોદરા દ્વારા સ્થાનિકોને સાથે રાખી વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
પુત્રના અવસાન થયા બાદ આગળ પાછળ કોઈ નથી
વૃદ્ધ દંપતિની પાછળ કોઈ નથી. એકના એક પુત્રના અવસાન બાદ તેની પત્ની બે દીકરાઓને છોડી ચાલી ગઈ છે. આવા સંજોગોમાં ઘરનું ભાડું ભરવું કે પરિવારનું ગુજરાન ચલાવવું. અમે ક્યાં જઈએ. પાંચ દસ હજાર ભાડું ક્યાંથી લાવવાના, અમારો કોઈ આધાર નથી. -લલીતાબેન રાવળ,વૃદ્ધા
અચાનક કોઈના ઈશારે ગરીબોને મકાન વિહોણા કરવાની જે કોર્પોરેશને નોટિસ આપી તેની સામે અમારો વિરોધ છે
વડોદરાનું ડેવલોપમેન્ટ થાય એમાં કોઈ વિરોધ નથી.પરંતુ કોઈકના ઈશારે માત્ર ગરીબોના મકાનો તોડવા અને એ પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર તેનો વિરોધ છે. સંજયનગર,સોનિયા નગર,ઈન્દિરાનગર ઘણા એવા આવાસો તૂટી ગયા.આજે પણ તેઓ પોતાના મકાનો માટે વલખાં મારી રહ્યા છે. ત્યારે એવી હાલત નવી નગરીના લોકોની ના થાય એની માટે અમે રજૂઆત કરી છે. ડે.મ્યુ.કમિ. દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે આની ઉપર ખરેખર જે પણ વ્યવસ્થિત કે યોગ્ય હશે તે તપાસ કરશે અને ત્યારબાદ જ મકાનોની વૈકલ્પિક વ્યવસ્થા કરશે અને જે બાદ મકાનો તોડશે.