Entertainment

તારક મહેતા….ની થીમ ઉપર તૈયાર થઈ રેસ્ટોરાં ‘ગોકુલધામ પેલેસ’ , પ્રોડકશન હાઉસને હજમ ન થઈ વાત, કરાશે કાયદાકીય કાર્યવાહી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ બોલો કે પાત્ર બંને લોકોના દિલ ઉપર રાજ કરે છે. સિરિયલના 13 વર્ષ દરમ્યાનના 3000 એપિસોડ પછી પણ પોપ્યુલારિટીના ચાર્ટમાં નંબર વન છે. મળતી માહિતી મુજબ તે એમેઝોન ફાયર ટીવી ડિવાઇસમાં સૌથી વધુ સર્ચ થયેલો ટીવી શૉ બન્યો હતો.

મહારાષ્ટ્રના અમરાવતીમાં એક ઉદ્યોગસાહસિકે અનોખો પ્રયાસ કર્યો છે. તેણે ‘ગોકુલધામ પેલેસ’ નામની એર રેસ્ટોરાં બનાવી છે. વાત કરીએ રેસ્ટોરાંની ખાસિયતની તો એ છે કે તે ‘ગોકુલધામ સોસાયટી’ની બીજી કોપી છે. એટલેકે તેના જેવી બિલ્ડિંગ, ગેઇટ, બાલ્કનીઓ, કલર સ્કિમ બધું જ સિરિયલ જેવું જ છે. આ સાથે સિરિયલમાં અલગ અલગ પાત્રોનાં ઘર છે, ત્યાંની બાલ્કનીમાં તેમણે પાત્રોનાં લાઇફ સાઇઝ કટઆઉટ પણ મૂક્યાં છે. સોસાયટીના ચોગાનમાં પાથરવામાં આવેલી ઇંટો અને વચ્ચોવચ્ચ બનાવવામાં આવેલી રંગોળી પણ સિરિયલ જેવી જ છે.

થોડા સમય પહેલાં જ ખૂલેલી આ રેસ્ટોરાં અમરાવતીથી 25 કિલોમીટર દૂર મોરશી રોડ પર આવેલી છે. હાઇવે પર જ હોવાને કારણે આ રેસ્ટોરાં ત્યાંથી પસાર થનારા સૌ કોઇનું ધ્યાન તરત પોતાની તરફ ખેંચે છે. ‘ગોકુલધામ’ લખેલા ગેઇટ પર જેઠાલાલ અને દયાબેનનાં કટઆઉટ લોકોનું સ્વાગત કરવા માટે મૂકવામાં આવ્યાં છે. આ સાથે અલગ અલગ કોટેજિસ તેમજ ઇન્ડોર સીટિંગ એરિયા બનાવવામાં આવ્યાં છે. સ્વાભાવિક વાત છે કે જેમ ગોકુલધામમાં અલગ અલગ રાજયના લોકો ભાગ ભજવી રહ્યા છે તેવી જ રીતે ભોજનમાં પણ અલગ અલગ રીતની ડીશ પીરસવામાં આવે છે. જેઠાલાલની ગુજરાતી, સોઢીની પંજાબી,અય્યરની સાઉથ ઇન્ડિયન જેવી અલગ અલગ ક્વિઝિનની વેરાયટીઓ મળે છે. રેસ્ટોરાં તેની યુનિક થીમ અને સ્વાદિષ્ટ વાનગીઓને કારણે લોકોમાં પ્રિય થઈ પડી છે.

થોડા દિવસ પહેલાં જ સમાચાર આવ્યા હતા કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ એમેઝોન ફાયર ટીવી ડિવાઇસમાં સૌથી વધુ સર્ચ થયેલો ટીવી શૉ બન્યો હતો. એમેઝોન દ્વારા રિલીઝ કરાયેલા ડેટા પ્રમાણે લોકોએ ગયા વર્ષે દર મિનિટે એટ લિસ્ટ એક વખત આ સિરિયલનું નામ ‘એલેક્સ’ પાસે સર્ચ કરાવ્યું હતું. આ મુદ્દે સિરિયલના પ્રોડ્યુસર અસિતકુમાર મોદીએ મીડિયા સાથેની વાતચીતમાં સંતોષ વ્યક્ત કરતાં કહ્યું કે, ‘ઓફલાઇન ટેલિવિઝન શૉ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ આટલો લોકપ્રિય છે તે જાણીને અત્યંત સંતોષ થઈ રહ્યો છે. તેને કારણે સિરિયલની લોકપ્રિયતા પણ અનેકગણી વધી છે.

મળતી માહિતી મુજબ સિરિયલની નિર્માતા કંપની નિલા ટેલિફિલ્મસ પ્રોડક્શન હાઉસ દ્વારા આ હોટલના માલિક સામે કાયદાકીય કાર્યવાહી કરાશે. આ ઉપરાંત હોટેલના માલિકે પ્રોડક્શન હાઉસની પરવાનગી વગર કમાણીના ઉદ્દેશ્યથી પેટન્ટનો, પાત્રોના કટઆઉટનો ઉપયોગ કર્યો છે તેમજ આ પેટન્ટ, સેટ ડિઝાઈનનો મંજૂરી વગર ઉપયોગ કરવા બદલ હવે ‘ગોકુલધામ પેલેસ’ નામની એર રેસ્ટોરન્ટના માલિક ફરતે કાયદાકીય તપાસ કરવામાં આવશે. પ્રોડક્શન હાઉસ દ્વારા તેમના વકીલ દ્વારા ટૂંક સમયમાં નોટિસ ફટકારવામાં આવશે.

Most Popular

To Top