Entertainment

તાપસી પન્નુને ‘શાબાશ મિઠ્ઠુ’ ના અભિનય માટે ખાસ શાબાશી ના મળી !

ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ પરની બાયોપિક ‘શાબાશ મિઠ્ઠુ’ માં તાપસી પન્નુએ મુખ્ય ભૂમિકા ભજવી છે ત્યારે એની પાસેથી અપેક્ષા વધારે હોય એ સ્વાભાવિક છે. છેલ્લી પાંચ ફિલ્મોમાં OTT પર જ દેખાયેલી તાપસીએ અત્યાર સુધી અનેક ભૂમિકાઓને ન્યાય આપ્યો છે. પહેલી વખત તે પાત્રમાં સંપૂર્ણ ઢળી શકી ન હોવાનું સમીક્ષકોએ કહ્યું છે. તેનો ડાર્ક મેકઅપ જામતો નથી. તેનો લુક મહિલા ક્રિકેટર મિતાલી રાજ જેવો ભલે આવી ના શક્યો હોય પરંતુ એની ચાલ-ઢાલ પણ અપનાવી શકી નથી.

અત્યાર સુધી એને દરેક ભૂમિકામાં જેવી પ્રશંસા મળી છે એવી ‘શાબાશ મિટ્ઠુ’ માટે મળી શકી નથી એ હકીકત છે. લાંબા સમય પછી તેની થિયેટરમાં આવેલી ફિલ્મ ‘શાબાશ મિઠ્ઠુ’ ના અભિનય માટે ટીકા પણ થઇ છે. તાપસી અભિનયમાં ચોક્કા- છક્કાની આશા પૂરી કરતી નથી. તેનું કારણ ફિલ્મ અનેક બાબતે નબળી છે અને એમાં ખામીઓ પણ છે. ફિલ્મની વાર્તા મિતાલીના જીવનની ખુલ્લી કિતાબની જેમ જગજાહેર છે. ભરતનાટ્યમ શીખતી 8 વર્ષની મિતાલી ક્રિકેટમાં દિલચશ્પી રાખતી હતી.

એની મિત્ર નૂરીએ ક્રિકેટ માટે એને પ્રોત્સાહન આપ્યું હતું પરંતુ નૂરીના લગ્ન પછી મિતાલી એકલી જ પોતાની ક્રિકેટયાત્રા શરૂ કરે છે. પ્રગતિ કરીને ક્રિકેટ ટીમની કેપ્ટન બની જાય છે. તેણે સારું ક્રિકેટ રમવા સાથે ઘણા પરિવર્તન લાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી એનો ઉલ્લેખ છે. ફિલ્મ મિતાલીની ક્રિકેટયાત્રા સાથે ન્યાય કરી શકતી નથી. કેટલીય વખત એવું લાગે છે કે વાર્તા અહીં પૂરી થઇ જશે પણ ખેંચાતી જ જાય છે. અંત ખાસ ચોંકાવનારો નથી એટલે એમાં પ્રસંગોને રસપ્રદ બનાવવાની જરૂર હતી. ફિલ્મ અઢી કલાકથી વધારે લાંબી હોવાથી ખેંચવામાં આવી હોવાનું અનુભવાય છે. ઇન્ટરવલ પછી ફિલ્મ જોવા સહનશક્તિ હોવી જરૂરી છે.

વાર્તાની ગતિ ઘણી જ ધીમી છે. મિતાલી ભારતનું પ્રતિનિધિત્વ કરતી હતી એ વાર્તા સાથે દર્શકોને જોડવા લેખનમાં જે દેશભક્તિની ભાવના રાખવી જોઇએ એનો અભાવ છે. એમાં એવું એક પણ દ્રશ્ય નથી કે દર્શકની આંખમાં ખુશી કે દુ:ખને કારણે આંસુ આવી જાય અને તાપસી રડે છે ત્યારે અભિનય કરતી જ લાગે છે. સંવાદો પ્રેરણા આપે એવા લખાયા નથી. અમિત ત્રિવેદીના સંગીતમાં એવું કોઇ ગીત નથી કે જોમ- જુસ્સો પ્રગટ થાય. બધાં જ ગીતો બેકગ્રાઉન્ડમાં આવતા હોવાથી અસર ઊભી કરી શકતા નથી. દરેક ગીત ફિલ્મની લંબાઇને વધારવાનું જ કામ કરે છે. નિર્દેશક સૃજિત મુખર્જીનું નિર્દેશન સામાન્ય છે.

ક્રિકેટ પરની ફિલ્મમાં અસલી ક્રિકેટ જોવાની દર્શકોને ઉત્સુક્તા હોય છે એમાં જ હિન્દી ફિલ્મો સફળ થઇ રહી નથી. ‘શાબાશ મિઠ્ઠુ’ માં ક્રિકેટની તાલીમ વધુ બતાવી છે પણ વિશ્વ કપની મેચના દ્રશ્યો રોમાંચક બન્યા ન હોવાથી જમાવટ કરતા નથી. મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટનની જિંદગીમાંથી કંઇક પ્રેરણા મેળવવી હોય તો જરૂર એક વખત જોઇ શકાય એમ છે. ફિલ્મમાં મહિલા ક્રિકેટરોની અવગણના થયાનો મુદ્દો ફિલ્મ પોતે પણ અનુભવી રહી છે. રૂ. 30 કરોડની ફિલ્મ 2 દિવસમાં રૂ.1 કરોડ જ કમાઇ શકી છે.

જો કે એની સાથે રજૂ થયેલી દક્ષિણની એ જ નામની હિન્દી રીમેક ‘હિટ: ધ ફર્સ્ટ કેસ’ માં રાજકુમાર રાવ હોવા છતાં બે દિવસમાં રૂ. 2.65 કરોડ મેળવી શકી છે. નિર્માતાઓએ ફિલ્મોને ધંધો બનાવી દીધી હોવાથી દર્શકો એને પસંદ કરી રહ્યા નથી. તેલુગુના નિર્દેશક ડૉ. શૈલેન્દ્ર કોલાનુએ જ પોતાની ક્રાઇમ થ્રિલર ફિલ્મની હિન્દીમાં નવા કલાકારો સાથે સંપૂર્ણ નકલ કરી છે. રાજકુમાર એક્શન અને ઇમોશનમાં પ્રભાવિત કરે છે. સાન્યા મલ્હોત્રાને ઓછો સમય મળ્યો છે પરંતુ એ પોતાના પાત્રને ન્યાય આપી જાય છે. ફિલ્મે તેલુગુમાં નામ સાર્થક કર્યું હતું પરંતુ હિન્દીના દર્શકોએ એનું યુટ્યુબ પર ડબ વર્ઝન જોવાનું જ વધારે યોગ્ય માન્યું છે.

‘હિટ: ધ ફર્સ્ટ કેસ’ને પહેલા જ દિવસે ફ્લોપ જાહેર કરવામાં આવી છે. ફિલ્મની વાર્તા ઝડપથી આગળ વધે છે. દર્શકોને વિચારવાની તક મળતી નથી પરંતુ અંતમાં માની ના શકાય એવું રહસ્ય ખૂલે છે. એ ફિલ્મ માટેની આશાને નિરાશામાં પલટાવી દે છે. છેલ્લે એવી વ્યક્તિનું નામ ખૂલે છે જેનું આખા પિકચરમાં મહત્ત્વ બતાવ્યું ન હતું. જેમના પર સૌથી વધારે શંકા વ્યકત થતી હતી એમાંથી કોઇનું નામ નીકળતું નથી. હત્યારાનો ઇરાદો અને અન્ય બાબતો મૂર્ખામીવાળી લાગે છે. ફિલ્મમાં ઘણા સવાલોના જવાબ બાકી રહી જાય છે. કદાચ એના માટે અંતમાં સીક્વલની શક્યતા બતાવી છે ત્યારે 29 જુલાઇએ તેલુગુ સીક્વલ ‘હિટ ૨’ તો આવી પણ રહી છે.

Most Popular

To Top