SURAT

પોલીસ બંદોબસ્ત સાથે પાલિકા માનદરવાજા ટેનામેન્ટના નળ અને ગટરના કનેક્શન કાપ્યાં

શહેરના સચિન વિસ્તારમાં પાલી ગામ ખાતે આવેલી 5 માળની ઈમારત હોનારતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા તે દુર્ઘટના બાદ સુરત મનપા તંત્ર ચોંકી ઉઠ્યું છે. શહેરમાં ઠેરઠેર જર્જરિત મકાનો ખાલી કરાવવા પાલિકાના તંત્રએ દોડધામ શરૂ કરી છે.

આજે સોમવારે સવારે પાલિકાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરાવવા પહોંચ્યા હતા. પાલિકાના લિંબાયત ઝોનના અધિકારીઓએ ટેનામેન્ટના નળ અને ગટર કનેક્શન કાપવા માંડ્યા હતા, જેના પગલે સ્થાનિક રહીશોએ હોબાળ મચાવ્યો હતો.

આજે સોમવારે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લિંબાયત ઝોનની ટીમ માન દરવાજા પહોંચી હતી અને લોકોના વિરોધ વચ્ચે નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જ્યારે સ્થાનિકોએ વૈકલ્પિક વ્યવસ્થાની માગ કરી છે.

પાલિકાના લિંબાયત ઝોને આજે 150 પોલીસનો બંદોબસ્ત અને 200થી વધુ પાલિકાના કર્મચારીઓ, સિક્યુરિટી સહિતનો સ્ટાફ સાથે માનદરવાજા ટેનામેન્ટ પહોંચી ગયા હતા. સવારથી જ પાલિકાએ આ જર્જરિત ટેનામેન્ટના નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરી હતી.

ગરીબ અસરગ્રસ્તોએ પાલિકાની આ કામગીરીનો વિરોધ કરીને પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા આપો પછી જ મકાન ખાલી કરીશું તેવી માગણી કરી હતી. પરંતુ આ વખતે પાલિકા તંત્ર મક્કમ છે અને કોઈ જોખમ લેવા માગતા ન હોવાથી નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરી છે.

પૂર્વ નગરસેવક અસલમ સાયકલવાલાએ કહ્યું કે, ટેનામેન્ટના રી-ડેલવપમેન્ટની માત્ર ટેન્ડર પ્રક્રિયા જ થઈ રહી છે. છ વાર ટેન્ડર કામગીરી નિષ્ફળ રહી છે. બધા વિભાગોનું સંકલન નથી. જેથી ટેનામેન્ટવાસીઓ નબળા શાસકોના નબળા વહિવટના કારણે 1312 પરિવાર ઘર વિહોણા બન્યા છે. કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે ભાડુ કઈ જ આપવામાં આવ્યું નથી.

Most Popular

To Top