સુરતઃ શહેર પોલીસ કમિશનરને વાહનચાલકોને રેડ સિગ્નલ પર વાહનો થોભાવતા કરી દીધા પરંતુ હજુ સુધી શહેરના અસામાજિક તત્વો પર કાબુ મેળવી શક્યા નથી. રોજ શહેરમાં ટપોરી, અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યાં છે. આતંક એ હદે વધી ગયો છે કે હવે તો જાહેરમાં હથિયારો લઈ ધમકી આપતા પણ આ અસામાજિક તત્વો ગભરાતા નથી. આવી જ એક ઘટના શહેરના લિંબાયત વિસ્તારમાં બની છે.
રક્ષાબંધનના દિવસે તા. 19 ઓગસ્ટના રોજ લિંબાયતમાં 19 વર્ષના યુવકની હત્યાના 24 કલાકમાં બીજી એક ચિંતાજનક ઘટના બની છે, જેને સુરત શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઉભા કર્યા છે.
આજે લિંબાયતના રમાબાઈ ચોક વિસ્તારમાં હાથમાં છરો લઈ એક ટપોરીએ લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો, તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉઘાડા શરીરે હાથમાં છરો લઈ રસ્તા પર આમથી તેમ ફરતા અને લોકોને ધમકાવનાર આરોપીએ સમીર નામના એક યુવક પર છરાથી હુમલો કર્યો હતો. તેને સમજાવવા આવેલી તેની બહેન પર પણ આરોપીએ હુમલો કર્યો હતો. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બીજી તરફ ટપોરી રસ્તા પર લોકોને છરો બતાવી ધમકાવવા લાગ્યો હતો, જેનો વીડિયો વાયરલ થયો છે. પોલીસે વીડિયોના આધારે આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીનું નામ શબીર છે. તે મીઠી ખાડી વિસ્તારમાં રહે છે. બપોરના સમયે હાથમાં છરો લઈ તે આ વિસ્તારમાં ફરતો હતો અને લોકોને ધમકી આપતો હતો. ત્યારે નજીકમાં સમીર પઠાણ તેના મિત્રો સાથે ઉભો હતો, ત્યારે આરોપી શબીર છરો લઈ ત્યાં ગયો હતો.
સમીરે તેને જતા રહેવા માટે કીધું હતું. તેથી શબીરે સમીર પર હુમલો કરી દીધો હતો. ઈજાગ્રસ્ત સમીરને તાત્કાલિક સ્મીમેરમાં લઈ જવાયો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે આરોપી શબીરની બહેન સમાધાન કરવા પહોંચી હતી. તે શબીરને સમજાવી રહી હતી. શબીરે પોતાની બહેન પર પણ હુમલો કરી દીધો હતો. આરોપી શબીર નશો કરી તમાશો કરતો હોવાનું તેની બહેન પાસેથી જાણવા મળ્યું છે.
સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે, ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જયારે આરોપી શબીરને અટકાયતમાં લેવાયો છે.