સુરત: ડિંડોલી ખાતે રહેતી મહિલા, પતિ સાથે લિંબાયતમાં શાકભાજી લઈને આવતી હતી ત્યારે બે ટપોરીઓએ તેની છેડતી કરી હતી. મહિલાના પતિને માર મારી ચપ્પુ કાઢીને ધમકી આપી હતી. મહિલાના પતિએ બૂમાબૂમ કરતા બંને ત્યાંથી ભાગી ગયા હતા. આ અંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
- લિંબાયતની ઘટના: શાકભાજી માર્કેટથી પતિ સાથે ઘરે જતી પરિણીતાને બે ટપોરીઓએ હેરાન કરી
- ફિલ્મી સ્ટાઈલમાં ચપ્પુ કાઢી કહ્યું તુમ લોગ હમકો પહેચાનતે નહીં હો, રાહદારીઓ ટોળે વળતાં ભાગી છૂટ્યાં
ડિંડોલીના કરાડવા રોડ પર રહેતી 25 વર્ષીય મીતાબેન (નામ બદલ્યું છે)ના સાસુ સસરા સાથે લિંબાયત ખાતે રહે છે. ગત 18મી જુને સાંજે મીતાબેન પતિ સાથે લિંબાયત મદનપુરા શાકમાર્કેટમાં આવી હતી. શાકભાજી લઈને ઘરે જતી વખતે લિંબાયત સંગમબેંડ સર્કલ પાસે પહોંચી ત્યારે બે જણાં તેમની પાસેથી ચાલતા પસાર થયા હતા.
આ બંનેએ મીતાબેનને જોઈને આંખોથી તથા હાથથી ગંદા ઇશારા કર્યાં હતાં. મીતાબેને બંનેને નજર અંદાજ કર્યા તો તેમને બુમ પાડીને ઇધર દેખો ઓર ઇધર આઓ તેવી કમેન્ટ કરી હતી. મીતાબેને તેમની તરફ જોયું તો બંનેએ તેમને ફ્લાઈંગ કીસ આપી હતી. જેથી મીતાબેને પતિને કહેતા તેમણે બાઈક ઉભી રાખી હતી.
બાઈક ઉભી રાખતા તે બંને નજીક આવ્યા જે પૈકી એક સમાધાન ગાવઠી અને બીજો ગુલામ મુસ્તુફા હતો. આ બંનેને ઘણી વખત શાકમાર્કેટ પાસે જોયા હોવાથી તેમના નામથી ઓળખતી હતી. આ બંનેને મીતાબેન અને તેમના પતિએ આ રીતે આવતી જતી સ્ત્રીઓની મશ્કરી કેમ કરો છો તેવું કહ્યું હતું.
આવું કહેતાં બંને જણાંએ મીતાબેનનો દુપટ્ટો ખેચી લીધો હતો અને ગુલામ મુસ્તુફાએ છાતી પર હાથ ફેરવી છેડતી કરી હતી જ્યારે સમાધાને હાથ પકડી લીધો હતો. એટલું જ નહીં બંનેએ મીતાબેનના પતિને માર મારી સમાધાને ચપ્પુ કાઢીને તુમ લોગ હમકો પહેચાનતે નહીં તેમ કહ્યું હતું.
મીતાબેને પોલીસ બોલાવું છું, થોડીવાર ઉભા રહો તેમ કહ્યું અને તેના પતિએ બૂમાબૂમ કરતા રાહદારી ભેગા થતાં બંને ટપોરીઓ ત્યાંથી ભાગી ગયા હતા. આ અંગે આજરોજ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતાં પોલીસે બંને ટપોરીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.