સૂર્યપુત્રી તાપી માતાની સાલગીરી અષાઢ સુદ સાતમને દિવસે ઉજવાય છે. તાપી માતા મધ્ય પ્રદેશના સાતપુરા ડુંગરથી નીકળી સુરતમાં અરબી સમુદ્રને મળે છે.વર્ષો પહેલાં તાપી નદી ભરપૂર રહેતી હતી.૮૪ બંદરના વાવટા ફરકતા હતા.આદિકાળથી સુરત નગર રહ્યું છે.તાપી માતાનાં પાણીને કારણે સુરત સુખી અને સમૃદ્ધ રહ્યું છે.સુરત અને સુરતીઓએ બધાને આ શહેરમાં સમાવ્યાં છે.પહેલાં તાપી માતા બે કાંઠે વહેતી હતી ત્યારે વારે ,તહેવારે,શ્રાવણ માસ હોય કે અધિક માસમાં તાપી કિનારે મેળો ભરાતો.
સુરતીઓ સ્નાન કરવા આવતા,કિનારા પર કાંઠાગોર પાસે પૂજા કરાવતા અને દાન,દક્ષિણા આપતા.આજે સુરતની વસતી ૭૫ લાખને પાર કરી ગઈ છે.પણ કોઈ પણ દિવસ પાણીની સમસ્યા ઊભી થઈ નથી એ તાપી માતાની મહેર છે.સુરતીઓ તાપી માતાની સાલગીરીની ઉજવણી કરે છે. સવારથી સુરતીઓ તાપી કિનારે ઉમટી પડે છે.તાપી માતાને ફુલ અને દૂધ ચઢાવે છે અને વેઢમી અને માલપુડાનો પ્રસાદ ધરાવે છે અને સુરતીઓના ઘરે માલપુડા,વેઢમીનું જમણ કરે છે.આજે ભલે સુરતમાં સુરતીઓ લઘુમતીમાં હોય, તેઓએ જ આ પરંપરા જાળવી રાખી છે અને તાપી માતાની સાલગીરી ધાર્મિકતા અને ભક્તિભાવથી ઉજવે છે.
સુરત – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.