સુરત(Surat) : ખટોદરામાં રહેતા એક આધેડ મિત્રોની (Friends) સાથે ગુરુવારે વરિયાવ ઓવારા પાસે નાહવા માટે ગયા હતા. અહીં તેઓ પાણીમાં પડ્યા ત્યારે પાણીના ધસમસતા પ્રવાહે તેમને ખેંચી લીધા હતા. ડૂબેલા આ આધેડ મોડી રાત્રે આસારામ આશ્રમની પાસે નીકળ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત (Death) નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ખટોદરામાં આવેલ બેઠી કોલોનીમાં રહેતા 53 વર્ષિય ધર્મેશ સનમુખલાલ આસમાનીવાલા કરિયાણાની દુકાન ચલાવી પત્ની અને પરિવાર સાથે રહેતા હતા, તેઓને સંતાનમાં બે પુત્ર છે. જે પૈકી એક પુત્ર આફ્રિકામાં અને એક પુત્ર પુણેમાં રહે છે. ધર્મેશભાઈ તરવૈયા હોવાથી અવારનવાર મિત્રો સાથે વરિયાવ ઓવરે તરવા જતા રહેતા હોય છે. રક્ષાબંધનના દિવસે તેઓ પોતાના મિત્રો સાથે વહેલી સવારે વરિયાવ ઓવરાથી પાંચપીપળા ઓવારા સુધી તરવા ગયા હતા. પાણીનું વહેણ વધારે હોવાના કારણે તે પાંચપીપળા ઓવારે નીકળી શક્યા ન હતા. ધર્મેશભાઈ પાંચપીપળા ઓવારે નહીં નીકળતાં મિત્રો દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન તેમનો મૃતદેહ જહાંગીરપુરાના આસારામ આશ્રમની પાછળના ભાગેથી બપોરના સમયે મળી આવ્યો હતો. આ અંગે તાત્કાલિક ધર્મેશભાઇના પરિવારને જાણ કરવામાં આવી હતી. તેમનો પુત્ર આફ્રિકામાં હોવાથી હાલમાં ધર્મેશભાઇની ડેડબોડીને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવી છે. પુત્ર સુરત આવી ગયા બાદ જ તેમની અંતિમવિધિ કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું.
અડાજણના રેવાનગરમાં તાપીના પાણી ઘૂસ્યા, 60નું સ્થળાંતર
વરસાદના બીજા રાઉન્ડમાં પણ ઉકાઇ ડેમની ઉપરવાસમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉકાઇ ડેમમાં પણ સતત પાણીની આવક ચાલુ હોય, ફરી એકવાર હથનુર ડેમમાં પાણીની આવક વધતા હથનુર ડેમમાંથી 2.04 લાખ ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાં છોડવામાં આવ્યું છે. બીજી તરફ ઉકાઈ ડેમ પણ રૂલ લેવલ નજીક હોવાના કારણે ઉકાઈ ડેમમાંથી પણ 1.81 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે માત્ર 24 કલાકમાં જ કોઝવેની સપાટી બે મીટર વધી જવાની સાથે કોઝવે પરથી પાણીનો આઉટફ્લો 2.26 લાખ પર પહોંચી ગયો હતો. બીજી તરફ દરિયામાં પૂનમની ભરતી હોવાથી તાપી નદી ફરી એકવાર કાંઠે વહેવા માંડી છે એટલુ જ નહીં પાંચ ફલડ ગેટ બંધ કરવા પડ્યા હતા તેમજ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા 60થી વધુ લોકોનું સ્થળાંતર પણ કરવું પડ્યું હતું.
સરદાર બ્રિજ નીચેના રસ્તા પર લોકોને અટકાવવા બેરિકેટિંગ કરાયું
તાપી નદીમાં પાણીની સપાટીમાં વધારો થતા લોકો પણ તાપી નદીના પાણી જોવા પહોંચી ગયા હતા. એક તરફ રક્ષાબંધનના પર્વની રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો તાપી નદીના કિનારે જોવા મળ્યા હતા. અડાજણમાં સરદાર બ્રિજ નીચે તાપી નદીનો કિનારો ખુલ્લો હોવાના કારણે લોકો ત્યાં પણ પહોંચી ગયા હતા. જેથી આખરે સુરત મહાનગર પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે ત્યાં બેરિકેટિંગ કરી લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.