સ્વચ્છ અને સુંદર શહેર તરીકે આખા દેશમાં સુરતને સ્થાન મળે છે, પરંતુ સુરત શહેરનો ઘણોખરો વિસ્તાર ખાડીઓએ રોકેલો છે. દર ચોમાસામાં આ ખાડીઓમાં પૂર આવે, મીડિયાવાળા સમાચાર બતાવે, ખાડીનું પૂર બતાવે. સુરતમાં કુંભારીયાથી ખાડીઓ શરૂ થાય અને ગોડાદરા, પરવતગામ, લિંબાયત, ભાઠેના, ઉધના, અલથાણ જેવા વિસ્તારોમાંથી પસાર થાય છે. લિંબાયતની મીઠી ખાડી અને ભાઠેના પાસેની ખાડીમાં નજર કરીએ તો કચરાથી ભરપૂર જોવા મળે છે. જાણે આ વિસ્તારમાં કચરાની ગાડી આવતી ન હોય અને કચરો ખાડીમાં નાંખવાની તેમને મંજૂરી મળી ગઈ હોય, તેમ બંને છેડે પ્લાસ્ટિકનો કચરો તથા અન્ય કચરો જોવા મળે છે.
લિંબાયતની મીઠી ખાડીને થોડી વ્યવસ્થિત કરવામાં આવી છે, પરંતુ તેમાં પણ કચરો હોય છે. ઘરે ઘરેથી કચરો ઉઘરાવવામાં આવે છે, પછી કચરો ખાડીમાં નાંખવાની શી જરૂર? શહેરના મોટા ઓફિસર શ્રીઓને મારી નમ્ર વિનંતી છે કે, એકવાર પરવતગામની ખાડીના પુલ પરથી પગપાળા પસાર થઈ જુઓ. જ્યારે એક તરફ સ્વર્ગ જેવા સુંદર વિસ્તારો સુરતને ભારતના સ્વચ્છ શહેર તરીકે બિરદાવે છે, તો બીજી તરફ દુર્ગંધયુક્ત ગંદી ખાડીઓ સુરતની સ્વચ્છતાની ઇમેજ પર પાણી ફેરવી દે છે. એક તરફ તાપી બીજી તરફ ખાડી.
સુરત – પ્રવિણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
હાઇફાઇ બેસણાં
હમણાં હમણાં મરણોત્તર બેસણાં બાબતે એક નવીન લહેર આવી છે. સમાજમાં થોડું ઘણું મોટું નામ હોય અને પરિવારમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેની પાછળ બેસણું રાખવામાં આવે છે. ક્યાંક તો પાળતું પ્રાણી-પક્ષીનાં બેસણાં પણ થતાં હોય છે અને તેમાં માણસો (?) જાય. આવાં હાઇફાઈ બેસાણાંમાં લોકો શ્વેતવસ્ત્રોમાં આવૃત્ત થઈને જાય છે. સારા પ્રસંગ જેમ બેસાણાંમાં સ્ત્રી-પુરુષો વદન પર ગમગીની લગાવીને જાય છે. વાન અને વસ્ત્રો પર પરફ્યુમ કે બોડી સ્પ્રે તો ખરાં જ. પ્રારંભિક પ્રાર્થના બાદ થોડી વાર શાંતિનું સામ્રાજ્ય રહે અને પછી વાત અને અવાજનું આક્રમણ થાય. મોતનો મલાજો તો બાજુએ જ રહી જાય.
થોડી વાર પછી એકાદ-બે વ્યક્તિ ઊઠીને દિવંગતની છબિ આગળ જઇ નતમસ્તક થઈ હાથ જોડી કંઇ ગણગણે. ત્યાં યજમાનોએ ગુલાબની પાંદડીઓની સુંદર વ્યવસ્થા કરી જ હોય. એ છાબડીમાંથી દસ-બાર પત્તીઓ લઈ તસવીર પર ચડાવી પરિજનોને હાથ જોડી વહ્યા જાય. હોલોકૌસ્ટમાં બચી વિશ્વ વિખ્યાત ડાયરી લેખિકા એન ફ્રેન્ક કહે છે, જીવંત વ્યક્તિને જેટલાં ગુલાબ નથી મળતાં એનાથી અનેક ગણાં ગુલાબ મૃતકનાં ચિત્રને મળે છે કારણ કે, પસ્તાવાનું વજન આભાર કરતાં વધી જાય છે. ક્યાંક વળી મંચ પરથી ભજન મંડળી શબ્દાડંબર કરી સૂરાવલિ રેલાવતી હોય છે. બહાર નીકળતાં ટોળકી તરફ ગામગપાટા મારતી નજરે પડે. બહુધા લોકો માટે બેસાણાંનો પ્રસંગ પણ જાણે એક મુલાકાતની તક બની જાય છે.
બારડોલી – વિરલ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
