તાપી જિલ્લામાં કોરોનાની ગાઈડ લાઈન મુજબ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જનના ફતવાને લઈ લોકોની કોઈ ભીડ જોવા મળી ન હતી. વ્યારા નગર પાલિકાએ ખટાર ફળિયામાં, જ્યારે સોનગઢ નગર પાલિકાએ દેવજીપુરામાં કૃત્રિમ તળાવો બનાવ્યાં હતાં. આ બંને તળાવમાં, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ઓવારાઓમાં આશરે ૫૦૦થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું.
દસ દિવસ સુધી બાપાની પૂજા, અર્ચના, આરતી બાદ ભક્તોએ આજે અશ્રુભીંની આંખે બાપાને વિદાય આપી હતી. સમગ્ર શહેરી અને ગ્રામીણ રસ્તાઓ પર અબીલ ગુલાલની ચાદર પથરાઇ હતી. ઢોલ-નગારાં સાથે બાપ્પાની રોજ સવારે આરતી કરી, ગણેશ પંડાલ ગજવ્યા બાદ બાપ્પાના સાંનિધ્યમાં ગરબાના રંગ જમાડવા સાથે આજથી ફરી ગણેશમય માહોલથી ભક્તો વિખૂટા પડ્યા હતા. વિસર્જનને લઈ ઓવારાઓ-કૃત્રિમ તળાવો પર ભારે સુરક્ષા ગોઠવી દેવાઈ હતી. ગણેશ વિસર્જન સમયે કોઈ અનિચ્છનીય ઘટનાઓનું નિર્માણ ન થાય એ માટે સોનગઢ સહિતનાં સંવેદનશીલ મથકો પર કડક સુરક્ષા ગોઠવી દેવાઈ હતી.