સુરત: સુરત જિલ્લામાં મોટાપાયે ચાલી રહેલા ગેરકાયેદ રેતીખનન બાદ મોડે-મોડે જિલ્લા કલેકટરે તાપી સહિત કેટલીક નદીઓમાં બાર્જ વડે થતા રેતીખનન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
સુરત જિલ્લામાં ભૂસ્તર વિભાગની રહેમનજર ઠેરઠર ગેરકાયદે રેતી ખનન ચાલે છે. સુરત શહેરમાં તાપી નદીમાં તો ખુલ્લેઆમ રેતીચોરો રાક્ષસી મશીનો ઉતારી તાપી નદી ઉલેચતા હતા. આવી પ્રવૃતિઓ તાપીની નદીની સમાંતરે સુરત જિલ્લામાંથી પસાર થતી અંબિકા, પૂર્ણા, અને કીમ સહિત મિંઢોળા નદીમાં પણ બાર્જ એટલે કે મોટા નાવડાઓથી રેતીખનન ચાલતું હતું.
આવા ગેરકાયદે રેતીખનન કરનારાઓ સામે તત્કાલિન ભૂસ્તશાસ્ત્રી ડી.કે.પટેલએ તો આખી તાપીનો પટ નાવડી વાટે ફરી રેતીચોરોને દબોચ્યા હતા. તેમના ગયા પછી આવેલા ભૂસ્તરશાસ્ત્રી ટી.જે.પટેલએ ડ્રોન કેમેરાનો પ્રયોગ કરી રેતીખનન ઉપર અંકુશ લાવવા કોશિશ કરી હતી. પરંતુ ભૂસ્તર વિભાગના કેટલાક ભ્રષ્ટાચારીઓને કારણે સરકારી અધિકારીઓની મહેનત ઉપર પાણી ફરી વળતું હતું.
અધિકારીઓ ટીમ લઇ સપાટો બોલાવવા નીકળે તે પહેલા તો રેતીચોરો માલાસામાન લઇ ભાગી છૂટતા હતા. આવા કિસ્સામાં ફોજદારી પણ કરવામાં આવતી હતી. પરંતુ આ ફોજદારી પછી પણ રેતીમાફિયાઓ સીધા નહિં થતા હવે જિલ્લા કલેકટરે આજે એક પરિપત્ર જારી કરી આ નદીમાં બાર્જ મારફત થતા રેતીખનન ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે.અને સાથે સાથે પ્રતિબંધ છતાં રેતીખનન કરનારા નહિ સુધરે તો તેમની સામે સીધી પોલીસ ફરિયાદ કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
સિંચાઇ ખાતાના સ્ટ્રકચર, પુલ તેમજ કાકરાપાર ડેમની સલામતિ માટે પણ ગેરકાયદે ખનન ભારે જોખમી હતું
સુરત જિલ્લા કલેકટરે આજે તાપી સહિત સુરત જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં બાર્જ વડે રેતીખનન ઉપર પ્રતિબંધ ફરમાવતો પરિપત્ર જારી કર્યો છે. આ પરિપત્ર બાર્જ વડે થતા રેતીખનનથી સિંચાઇ વિભાગે પણ વખતો વખત જાણ કરી બંધ કરાવવાનો ઉલ્લેખ છે. સિંચાઇ વિભાગના સ્ટ્રકચર, પુલ તેમજ કાકરાપાર ડેમની સલામતિ માટે પણ આ રીતે થતા ગેરકાયદે રેતીખનનની પ્રવૃત્તિ જોખમી લેખાવાઇ હતી.