સુરતઃ શહેરના અડાજણ પોલીસ સ્ટેશન (Adajan police station)માં ગત 9 મે ના રોજ ટ્રાફિક શાખા (Traffic dept)માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે (Head constable)અમદાવાદ ખાતે રહેતી સાળી અને તેમની પત્ની તાંત્રિક વિધિ દ્વારા માનસિક ત્રાસ (Mentally torcher) આપી રહી હોવાની ફરિયાદ નોંધાવી હતી. અડાજણ પોલીસે એટ્રોસિટીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરતા ગઈકાલે હેડ કોન્સ્ટેબલની પત્નીની ધરપકડ કરી હતી.
અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, પાલ ખાતે આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા અને ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ (નામ બદલ્યું છે)એ અમદાવાદ ખાતે દૂરદર્શન કેન્દ્ર ચાર રસ્તા પાસે અંજની માતાના મંદિરમાં રહેતી સાળી ગાયત્રીબેન વિજયદાસ આચાર્ય અને તે દયારામ પુરુષોત્તમદાસ સાધુની દીકરીની સામે તથા સુરત પાલ ખાતે રહેતી તેમની પત્ની અમિતાબેન સામે ફરિયાદ દાખલ કરાવી હતી. હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈની સાથે વર્ષ 1998માં અમિતાબેનના અમદાવાદ ખાતે પ્રેમલગ્ન થયાં હતાં. લગ્નજીવનમાં તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પરંતુ વર્ષ-2014થી તેમની વચ્ચે મનમેળ નહીં રહેતાં તેઓ અલગ અલગ રહે છે. પુત્રી માતા પાસે તથા પુત્ર પિતા પાસે રહે છે.
ગત 14 એપ્રિલ-2021ના રોજ મહેન્દ્રભાઈનો પુત્ર તેની માતાને મળવા તથા રમવા માટે ગયો હતો. પુત્ર રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી ઘરે નહીં આવતાં મહેન્દ્રભાઈએ અમિતાબેનને ફોન કરતાં અમિતાએ તેની બહેન ગાયત્રીને કોન્ફરન્સ કોલમાં લીધી હતી. દરમિયાન ગાયત્રીબેને ફોન ઉપર મહેન્દ્રભાઈને ગાળો આપતાં તેમણે ફોન કટ કરી દીધો હતો. ત્યારબાદ પણ ફોન કરી ગાયત્રીબેને મહેન્દ્રભાઈને મારા છોકરાને તેં વિધિ કરીને મારી નાંખ્યો છે. બોલ, મારા છોકરાને મેલી વિધિ કરીને મારી નાંખ્યો છે, મને ખબર છે શું કરું? તેવું કહેતાં મહેન્દ્રભાઈએ પૂછ્યું હતું કે, તારા છોકરાને શું કર્યું મેં?
ગાયત્રીબેને કહ્યું કે, મેલી વિદ્યા કરી મારી નાંખ્યો છે તે. અને હવે તૃપ્તી જોડે મળી અમિતાને મરાવવા પ્લાન કર્યો છે, બધી ખબર છે મને, તેમ કહેતા મહેન્દ્રભાઈએ તારી પાસે આ બધાનો કોઈ પ્રુફ છે તેમ પુછતા તૃપ્તીએ જ તેની બહેન અમિતાને કહ્યું હોવાનું ગાયત્રીએ કીધું હતું. જેથી મહેન્દ્રભાઈએ અંતે અડાજણ પોલીસ સ્ટેશનમાં પત્ની અને સાળીની સામે ફરિયાદ દાખલ કરાવી હતી. અડાજણ પોલીસે ગઈકાલે મહેન્દ્રભાઈની પત્ની અમીતાબેન બારૈયાની (ઉ.વ.૪૩ રહે-ઈ/૧૦૩,વેસ્ટર્ન સીટી એપાર્ટ., એલ.પી.સવાણી સ્કુલની બાજુમાં અડાજણ) ની ધરપકડ કરી હતી.