Vadodara

બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ગાયકવાડી શાસનમાં બનેલી રેલ્વે સલૂન ઈમારત પર તંત્રે બુલડોઝર ફેરવી દીધુ

વડોદરા : સરકારના ડ્રિમ પ્રોજેકટ એવા હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટનો ઝડપી અમલ થઈ રહ્યો છે.ત્યારે વડોદરાના રાજવી સર સયાજીરાવ ગાયકવાડે ઈસ 1880 માં રેલ્વે સલૂન ઈમારત બાંધી હતી.જે પૌરાણિક ઈમારતને તોડી પાડવામાં આવતા વિવાદ સર્જાયો છે. વડોદરા સંસ્કારી નગરી જેમાં ઘણી બધી ઐતિહાસીક ઇમારતો અને ગાયકવાડ શાસનકાળ દરમિયાનના વારસાઓ આવેલા છે.

પરંતુ હવે શહેરના નવા વિકાસમાં ઐતિહાસિક વરસાઓનો નાશ થઈ રહ્યો છે.મહારાજા સયાજીરાવ ગાયકવાડ  1875 થી 1939 સુધી વડોદરા સ્ટેટના રાજા રહ્યા હતા.તેમના દ્વારા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 7 ની બાજુમાં રેલ્વે સલૂન બનાવ્યું હતું. જેની ઈમારત વડોદરા સિવાય સમગ્ર ભારતમાં ક્યાંય પણ જોવા નહીં મળે.પરંતુ ગતિશીલ વિકાસની દોટમાં આવા ઐતિહાસિક વારસાઓ અલુપ્ત થવા જઈ રહ્યા છે.સરકાર દ્વારા મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી વેગવંતી બનાવાઈ છે.

જેના એક રેલ્વે ટ્રેકની કામગીરી વડોદરાના પંડ્યાબ્રિજ પાસે ચાલી રહી છે.જે કામગીરીમાં અડચણ રૂપ નાણાવટીની ચાલ સહિતની ચાલો ,તાજેતરમાંજ જમીન સંપાદન કરી તોડી પાડવામાં આવી હતી.જે બાદ ગાયકવાડી શાસનકાળ દરમિયાનની હેરિટેજ રેલવે સલૂનની ઈમારત જે પૌરાણિક હતી.તેને પણ હાઈસ્પીડ રેલ્વે કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવતા વિવાદ સર્જાયો છે.જ્યારે અંગ્રેજોની રેલ્વે ચાલતી હતી.ત્યારે તેમાં વડોદરાના ગાયકવાડ સ્ટેટની પણ રેલ્વે હતી.તેથી આ સલૂન એક મહત્વનું અંગ માનવામાં આવે છે.

સલૂનને જમીનદોસ્ત કરી નાખતા જાગૃત નાગરિકોમાં આક્રોશ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે વડોદરા સ્ટેટેની આ એક એવી ઇમારત હતી કે જે ખાસ રેલવે સલૂન મુકવા માટે બનાવામાં આવી હતી.આવું  ભાગ્યે જ ક્યાંક જોવા મળે. આ સલૂન બનાવવામાં ગુણવત્તાવાળી સામગ્રી વપરાયેલી હતી, એના લીધે જ આ ઇમારત આજે પણ અડીખમ ઉભી હતી. શહેરના આરટીઆઇ એક્ટિવિસ્ટએ જણાવ્યું હતું કે વડોદરાની પૌરાણિક ઇમારત ગણાતી ગાયકવાડી સમયનું રેલવે સલૂન તોડી પાડવામાં આવ્યું છે તે અયોગ્ય છે અને મનસ્વી રીતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે.તે સામે હાઇકોર્ટમાં કેસ દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Most Popular

To Top