Charchapatra

તન્મય

આંગણે રંગોળી ઘરમંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. તહેવારોમાં જ દીપક અને રંગોળી પ્રગટે એવું નથી. પારસી બિરાદરો બારે માસ આંગણામાં આકર્ષક રંગોળી બનાવે છે. આજે ગામડાંમાં રોજ રંગોળી અને દીપ પ્રાગટય કરાય છે. જો રંગોળી પૂરીને આંગણાને રંગીન બનાવો તે જોઈને આપણે ઘરે આવતાં અને પસાર થતાં લોકોમાં ઉત્સાહનો નવો રંગ ફૂટે છે. ચાલો, જીવનના આંગણાને રંગીન રંગીન બનાવીએ. જીવનમાંથી હતાશાને દૂર ભગાવીએ.  જ્યારે ચારે બાજુ અંધકાર ફેલાયેલો હોય, નિરાશાજનક વાતાવરણ સર્જાય એ સ્વાભાવિક છે. ઘણાને ફૂંક મારીને દીપક ઓલવી નાખવાની કુટેવ હોય છે. આ પરિસ્થિતિમાં બીજા દીવા પ્રગટાવીએ. આનંદમાં તન્મય બની જીવી લઈએ. દિવાળીની કે બેસતા વર્ષની રાહ જોવાની જરૂર નથી. આવતી દિવાળીએ ચારે બાજુ કોડિયું લઈને ઉત્સવની ઉજવણી કરીશું. રોજબરોજને શુભ અવસર માની શોભવીએ. હૃદયમાં મંગળ ભાવના રાખીએ. હસતાં હસતાં જીવવાની કલા શીખી લઈએ તોય ઘણું.
નવસારી  – કિશોર આર. ટંડેલ   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

સલાબતપુરાની શેરીઓ
સલાબતપુરા કોટ વિસ્તારનો સમૃદ્ધ વિસ્તાર કહેવાય છે. સલાબતપુરા એક રીતે ‘ખત્રીઓ’ ની રાજધાની પણ કહેવાય છે. આજે સુરતના નવા વિસ્તારની ઓળખ સોસાયટી તરીકે થાય છે. જ્યારે અમદાવાદમાં પોળો આવેલી છે. તે પ્રમાણે સુરતમાં શેરીઓ આવેલી છે.  સલાબતપુરામાં સાત શેરીઓ આવેલી છે, જેમાં ખાંગડશેરી,સીધી શેરી,વચલી શેરી,બાલાભાઈની શેરી,તાડવાળી શેરી,ચોકી શેરી,પીપરડી શેરી પ્રસિદ્ધ છે. સલાબતપુરામાં છ મહોલ્લાનો સમાવેશ થાય છે તે વાડ તરીકે ઓળખવામાં આવે છે જે ધામલાવાડ, રેશમવાડ,ચલમવાડ,માછીવાડ,મોમનાવાડ,દોરીયાવાડ તરીકે ઓળખાય છે. સલાબતપુરામાં આઠ વાડીઓ આવેલી છે,જેમાં બેગમવાડી,લાલવાડી,બક્ષીની વાડી, માળીની વાડી,મહાત્મા વાડી,ભરૂચા વાડી,અમૃત સન્મુખની વાડી,ઈચ્છા ડોસીની વાડી,લેખડિયા વાડી, સલાબતપુરામાં આઠ ચાલીઓ નામજોગ છે.

તે વિસ્તારનાં નામોમાં વલ્લભ જીવનની ચાલ,ચુનિયા બશરુની ચાલ,કારિયા જાડાની ચાલ,લલ્લુ કરશનની ચાલ,મહાત્માની ચાલ,ચાંદ ખાતકીની ચાલ,છો વાળાની ચાલ,નવાબની ચાલ. બે વિસ્તારના નામ પુલ સાથે જોડાયેલા છે.તે છે વાંસફોડાનો પુલ અને કાલી પુલ.સલાબતપુરા વિસ્તારમાં સત્તર કોટડી,દક્ષિણી મહોલ્લો,બારડોલીનું પીઠું,છો ની ભઠ્ઠી જેવી શેરીઓ પણ આવેલી છે.આ પ્રમાણે સલાબતપુરામાં ૩૫ જેટલાં નાના મોટા શેરી-મહોલ્લા આવેલા છે.
સુરત     -કિરીટ મેઘાવાલા      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top