તનાઝ મહંમદ એક એવી યુવતીનું નામ છે જેમે ફૂટબોલ વડે મુસ્લિમ છોકરીઓ માટે મહિલા સશક્તિકરણનું બીડું ઝડપ્યું છે. જો તમારી લાગણીઓ ઉચ્ચ હોય અને તમારી ભાવના સારી હોય તો તમે કંઇપણ કરી શકો છો.તમારા સંઘર્ષ અને જુસ્સાથી કોઈપણ મુકામ હાંસલ કરી શકાય છે. તમે ઘણા લોકોને તેમના સપના પૂરા કરતા સાંભળ્યા હશે, પરંતુ મુંબઈની તનાઝ મહંમદ બીજાના સપના પૂરા કરવામાં વ્યસ્ત છે. તે પોતે હિંમતનો પર્યાય બની ગઈ છે. નામ તનાઝ મહંમદ, ઉંમર 29 વર્ષ અને શહેર મુંબઈ. પરિચય ભલે નાનો લાગે, પણ તેનું કદ એક રીતે વિશાળ છે. તનાઝે 7 વર્ષની ઉંમરે ખેલાડી બનવાનું સપનું જોયું હતું. આજે તનાઝ એવા ઘણા બાળકોના સપના પૂરા કરવા માટેનું માધ્યમ બની ગઇ છે, જેમને ક્યારેક સુવિધાઓના અભાવે તો ક્યારેક પ્રતિબંધોને કારણે તેમના સપનાથી દૂર જવું પડ્યું હતુ.
પ્રીમિયર સ્કીલ્સ કોમ્યુનિટી કોચ તનાઝે લગભગ 500 છોકરીઓને ફૂટબોલ કોચિંગ આપ્યું છે, જેમાં ખાસ બાળકો (વિશેષ જરૂરિયાતવાળા બાળકો)નો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં પરંતુ પોતાને એક ઉદાહરણ તરીકે રજૂ કરતાં તનાઝે ફૂટબોલમાં રસ ધરાવતી મુસ્લિમ સમુદાયની છોકરીઓને પોતાની સાથે લાવીને તેમનામાં જાગૃતિ લાવી. તનાઝ માને છે કે કોઈ ખાસ વસ્તુ અજમાવવા માટે લોકોને પોતાના પર ગર્વ અનુભવવો મહત્વપૂર્ણ છે. તાલીમ સત્રો રમિયાન તેનો મુખ્ય ઉદ્દેશ ખેલાડીઓને રચનાત્મક પ્રતિસાદ સાથે પ્રોત્સાહિત કરવાનો છે.
હિજાબ અને શોર્ટ્સ વિના રમવાની અનિચ્છાનું કારણ
તનાઝ 2017થી છોકરીઓને ફૂટબોલ શીખવવાનું કામ કરી રહી છે. તનાઝે અત્યાર સુધીમાં મુસ્લિમ સમુદાયની લગભગ 500 છોકરીઓને કોચિંગ આપ્યું છે. જે સમાજમાં મહિલાઓને હંમેશા એવું કહેવામાં આવે છે કે મહિલાઓ રમતગમતમાં ભાગ લઈ શકતી નથી, તનાઝે આ મહિલાઓને તેમના પર લાદેલા પ્રતિબંધને તોડવા માટે સખત લડત આપવી પડી હતી. તનાઝ મહંમદ કહે છે, મેં મારી જાતને એક ઉદાહરણ તરીકે ઉપયોગ કર્યો છે. મહિલાઓમાં જાગૃતિ લાવી, 4 થી 50 વર્ષની છોકરીઓ સહિત તેમને આગળ લાવી. તે બધા ફક્ત શીખવા અને ફિટ રહેવા માંગતા હતા, તેથી તેઓને કસરત પણ કરાવવામાં આવે છે. પહેલા તો તેઓ અચકાતી હતી કે તે શોર્ટ્સ પહેરીને અને હિજાબ વિના કેવી રીતે રમશે, પરંતુ પછી તેને સમજાવવામાં આવ્યું કે માત્ર શોર્ટ્સ પહેરીને જ ફૂટબોલ રમવું જરૂરી નથી. પછી તે સલવાર હોય, હિજાબ હોય, જર્સી હોય, ટી-શર્ટ હોય કે અન્ય કંઈપણ, રમતગમત તેમના માટે મહત્વની હતી અને તેથી ઘણી છોકરીઓ તેનો ભાગ બની ગઈ.
તનાઝને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો
તનાઝ માટે ફૂટબોલ કોચ બનવું પડકારોથી ભરેલું હતું. કેટલાક લોકોએ તેની પહેલને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. પરંતુ બીજી તરફ કેટલાક લોકો એવા પણ હતા જેઓ તેની સામેની તેમની શંકાઓ અને ટીકાઓ વિશે ખૂબ જ અવાજ ઉઠાવતા હતા. તનાઝે કહ્યું, ‘મને લાગે છે કે મારો સૌથી મોટો પડકાર એ હતો કે છોકરીઓને કેવી રીતે જાગૃત કરવી, ખાસ કરીને જેઓ મુંબઈના ઉપનગરો અને મુસ્લિમ સમુદાયમાંથી આવે છે. બધું જ સહેલાઈથી આવતું નથી, અને હું જાણતી હતી કે મારે મારા માટે માઇલસ્ટોન બનાવવા માટે દબાણ ચાલુ રાખવું અને સખત મહેનત કરવી પડશે. હું જાણતી હતી કે લોકો મને અને મારી ક્ષમતાને મૂલવશે, ભલે ગમે તે હોય, પરંતુ મારે મારું ધ્યાન મારા ધ્યેય પર રાખવાનું હતું.
છોકરીઓના વાલીઓને પણ જાગૃત કરવાની જરૂર હતી
તનાઝ મહંમદ કહે છે કે મારી રમતગમતની સફર 2016માં શરૂ થઈ, મારી દૃષ્ટિ સ્પષ્ટ હતી, હું બાળકોને તાલીમ આપવા માંગતી હતી, તેથી મેં કોચિંગ શરૂ કર્યું. હું મુંબઈ સિટી એફસીમાં ગ્રાસરુટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે કામ કરું છું. મેં એક સમુદાયની 500-600 છોકરીઓ અને મહિલાઓને તેમના પર લાદી દેવાયેલા અવરોધોથી છૂટકારો મેળવવામાં મદદ કરી. મેં તેમને અને તેમના માતા-પિતાને અહેસાસ કરાવ્યો કે હિજાબ પહેરવા સહિત કોઈપણ પ્રકારના કપડામાં ફૂટબોલ રમી શકાય છે. તમારે ફક્ત રમવા માટે તમારા પગની જરૂર છે. ફૂટબોલ રમવા માટે શોર્ટ્સ પહેરવું જરૂરી નથી. હું એવા બાળકો સાથે પણ કામ કરું છું જે સામાન્ય સુવિધાઓથી વંચિત છે. હું તેમને ફૂટબોલ અને હોકી શીખવું છું.
તનાઝે ઘરે ઘરે જઈને છોકરીઓને પ્રેરણા આપી
ફૂટબોલ કોચ તનાઝે આગળ કહ્યું હતું કે મુંબઈના નાના શહેરોમાં પણ ઘણી મુસ્લિમ છોકરીઓ છે, જેઓ ફૂટબોલ રમવાનું પસંદ કરે છે. પરંતુ તેઓ ઘર છોડવામાં અચકાતી હતી, પછી મેં ઘરે-ઘરે જઈને તેમને પ્રેરણા આપી, તેમના ઘરે લોકોએ ઉજવણી કરી. છોકરીઓ માટે દરેક જગ્યાએ અવરોધો આવે છે કારણ કે તેમને બાળપણથી જ આ વાત કહેવામાં આવી છે. મુસ્લિમ સમુદાયમાંથી હોવાના કારણે, હું એ સુનિશ્ચિત કરવાનું મહત્વ જાણું છું કે છોકરીઓ હિજાબ પહેરી શકે અને હજુ પણ ફૂટબોલ રમી શકે. સૌથી મહત્વની બાબત એ છે કે તેમની ભાગીદારી.