અમદાવાદ,તા. 29: દિનેશ કાર્તિકની કેપ્ટનશીપ હેઠળ તમિલનાડુની ટીમ સૈયદ મુસ્તાક અલી ટી 20 ટૂર્નામેન્ટની ફાઈનલમાં સતત બીજી વખત પહોંચી હતી. શુક્રવારે અમદાવાદમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં તમિળનાડુએ રાજસ્થાનને સાત વિકેટથી હરાવ્યું હતું. વિજેતા ટીમ માટે અરૂણ કાર્તિકે નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 54 બોલમાં અણનમ 89 રન બનાવ્યા હતા. કેપ્ટન દિનેશ કાર્તિક 26 રને અણનમ રહ્યો.
ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. કેપ્ટન અશોક મેનારિયાએ 51 અને અજિત ગુપ્તાએ 45 રન બનાવ્યા હતા. એમ મોહમ્મદે 24 રનમાં ચાર વિકેટ લીધી હતી. આર. સાઇ કિશોરે બે વિકેટ ઝડપી હતી. જેના જવાબમાં તમિળનાડુએ 18.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું.
પડકારજનક લક્ષ્યનો પીછો કરતા તમિલનાડુએ એક સમયે 17 રનમાં બે અને ત્યારબાદ 69 રન આપીને ત્રણ ગુમાવી દીધી હતી. ટૂર્નામેન્ટનો ટોપ સ્કોરર અને તમિળનાડુના ઓપનર એન જગદિશન 28 રને આઉટ થયો હતો. આ પછી, અરુણ કાર્તિક અને દિનેશ કાર્તિકે ચોથી વિકેટની ભાગીદારીમાં 89 રન જોડીને ટીમને વિજય અપાવ્યો. રાજસ્થાન તરફથી તનવીર-ઉલ-હક, અનિકેત ચૌધરી અને રવિ બિષ્નોઇએ એક-એક વિકેટ ઝડપી હતી.
ફાઈનલમાં તમિળનાડુનો સામનો પંજાબ અથવા બરોડા સાથે થશે. 31 જાન્યુઆરીએ અમદાવાદમાં ફાઇનલ પણ રમાશે. ગયા વર્ષે ફાઇનલમાં તામિલનાડુ કર્ણાટક સામે હારી ગયું હતું.
તમિલનાડુ સતત બીજી વખત સૈયદ મુસ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટની ફાઇનલમાં
By
Posted on