Business

તમિલનાડુ સરકારની વિચારધારા પહેલેથી જ ભાગલાવાદી છે

તમિલનાડુ સરકાર વર્ષ 2025 માટે રાજ્યનું બજેટ રજૂ કરે તે પહેલા તેણે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. જેના પર ભારે રાજકીય ઉથલપાથલ સર્જાવાની શંકા સેવાઈ રહી છે. તમિલનાડુ સરકારે રાજ્યના બજેટ 2025ના લોગોમાંથી સત્તાવાર રીતે રૂપિયાના ચિન્હ (~)ને હટાવવાનું નક્કી કર્યું છે. જેની જગ્યાએ હવેથી તમિલ લિપિનો ઉપયોગ થશે. આવું પહેલીવાર થયું છે કે જ્યારે કોઈ રાજ્યએ રાષ્ટ્રીય મુદ્રા ચિન્હ (~)ને નકાર્યું હોય. એવું કહેવાય રહ્યું છે કે, આ રીતે તમિલનાડુ સરકાર નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)નો વિરોધ કરી રહી છે.

તમિલનાડુ સરકારનો આ નિર્ણય કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધનો એક મોટો સંકેત માનવામાં આવી રહ્યો છે. આ નિર્ણય રાજ્ય સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અંગેના વિરોધને વધુ મજબૂત કરે છે. તમિલનાડુ સરકાર લાંબા સમયથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો વિરોધ કરી રહી છે. રાજ્ય સરકારનું માનવું છે કે, આ નીતિ રાજ્યની ભાષા, સંસ્કૃતિ અને શિક્ષા પ્રણાલી માટે નુકસાનકારક છે. રાજ્ય સરકારના આ નિર્ણયને NEP વિરુદ્ધ તમિલ અસ્મિતા અને ક્ષેત્રિય સ્વાતંત્ર્યતાને મજબૂત કરવાના રૂપમાં જોવામાં આવે છે. આ બધું શરૂ થયું 1937થી જ્યારે તમિલનાડુમાં સી.રાજગોપાલાચારીની સરકાર હતી. ત્યારે એમણે નિયમ બનાવ્યો હતો કે તમિલનાડુની સ્કૂલોમાં હિન્દી ભણાવવામાં આવશે.

એ વખતે જસ્ટીસ પાર્ટી હતી અને તેણે આ વાતનો વિરોધ કર્યો હતો કે, તમે હિન્દીને તમિલની સ્કૂલોમાં થોપી ન શકો. 1939માં હિન્દી થોપવાનો ભયંકર વિરોધ થયો અને મોટો હોબાળો પણ થયો. એ વખતે બે યુવકો હતા. તાડપતુ અને નટરાજન. આ બંનેએ હિન્દી ભાષા વિરોધી અભિયાન મોટાપાયે ચલાવ્યું. તેમની માગણી હતી કે તમિલનાડુમાં તમિલ સિવાય કોઈ ભાષા ચલાવી લેવાશે નહીં. બંને ભૂખ હડતાળ પર ઉતરી ગયા. કોઈએ તેની નોંધ ગંભીરતાથી ન લીધી અને બંનેના મૃત્યુ થયા. તમિલનાડુના લોકો માટે બંને હીરો બની ગયા. વિવાદ બહુ વધી ગયો એટલે રાજગોપાલાચારીએ હિન્દી ભાષા થોપવાનો નિર્ણય માંડી વાળ્યો.

બ્રિટીશ સરકારે પણ ઓર્ડર પાછો ખેંચી લીધો અને રાજાજીએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું. 1965માં એન્ટી હિન્દી ઇમ્પોઝ એજિટેશન એટલે હિન્દી ભાષા થોપવાના વિરોધનું આદોલન ચાલુ થયું. એ વખતે એવું પણ કહેવાયું હતું કે આ હિન્દી ભાષાના વિરોધ માટે નથી પણ હિન્દી ભાષા થોપવાના વિરોધનું આંદોલન છે. આ આંદોલને મોટું રૂપ એટલા માટે લીધું કે ત્યારે કેન્દ્ર સરકારે એવો ઓર્ડર કર્યો હતો કે ભારતના દરેક રાજ્યોની સરકારી ઓફિસમાં ફરજિયાત હિન્દીનો ઉપયોગ થશે.

1965માં આ નોટિફિકેશન બહાર પડ્યું તેના પહેલાં વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂએ સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી દેશના દરેક રાજ્યોના લોકો સંપૂર્ણ હિન્દી શીખી ન લે ત્યાં સુધી હિન્દીની સાથે એસોસિએટ ભાષા તરીકે અંગ્રેજીનો પણ ઉપયોગ કરતા રહીશું. 1967માં સંસદમાં ઓફિશિયલ લેન્ગ્વેજીસ એમેડમેન્ટ એક્ટ પસાર થયો હતો તેની સાથે ઓફિશિયલ લેન્ગવેજ રેસોલ્યુશન (ઠરાવ) પણ પાસ થયો હતો. એ ઠરાવમાં લખેલું હતું કે આખા દેશમાં ફરજિયાત હિન્દી જ ભણાવવામાં આવશે.

એમાં પણ એવું કર્યું કે, જે રાજ્યોમાં હિન્દી ભાષા બોલાય છે તેવા રાજ્યોમાં હિન્દી અને એક જે-તે રાજ્યની ભાષામાં ભણાવાશે અને જે રાજ્યોમાં હિન્દી બોલાતી જ નથી, જેમ કે તમિલનાડુ, કેરળ, કર્ણાટકમાં એટલે દક્ષિણના રાજ્યોમાં થ્રિ લેન્ગવેજ ફોર્મ્યુલા લાગૂ પડશે. એટલે જે-તે રાજ્યની ભાષા, બીજી અંગ્રેજી અને ત્રીજી હિન્દી. એટલે જેને હિન્દી નથી આવડતી તેણે ફરજિયાત શીખવી પડશે. એટલે સરકારની થ્રિ લેન્ગ્વેજ ફોર્મ્યુલાનો તમિલનાડુમાં ભારે વિરોધ થયો. એ વખતે મુખ્યમંત્રી હતા અન્નાદુરાઈ. જે DMK પાર્ટીના સ્થાપક હતા અને આ પાર્ટી કોંગ્રેસ જેટલી જ મજબૂત હતી. અન્નાદુરાઈએ 1968માં વિધાનસભામાં એક સંકલ્પ કર્યો કે, અમે ત્રણ ભાષાની ફોર્મ્યુલાને રિજેક્ટ કરી રહ્યા છીએ અને ટુ લેન્ગવેજ પોલિસી લાવીશું. તમિલનાડુની સ્કૂલોમાં બે જ ભાષામાં એજ્યુકેશન અપાશે. અંગ્રેજી અને તમિલ. ત્યારથી તમિલનાડુમાં ટુ લેન્ગવેજ ફોર્મ્યુલા ચાલુ છે અને બહુ સારી રીતે ચાલે છે.

30 જુલાઈ 2020ના દિવસે જે નવી નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) આવી તેમાં કમિટિએ ભલામણ કરી હતી કે, હિન્દી શીખવી ફરજિયાત રહેશે. મજાની વાત એ છે કે, ત્યારે એ વખતે તમિલનાડુમાં અન્નાદ્રમુક (AIADMK) સરકાર હતી અને તેનું NDA સાથે ગઠબંધન હતું. એ જ અન્નાદ્રમુક સરકારે આ વાતનો વિરોધ કર્યો. AIADMKના લીડર પલાનીસ્વામીએ મોદી સરકારને સ્પષ્ટ કહી દીધું કે, તમિલનાડુમાં તો બે જ ભાષા બોલાશે અને ભણાવાશે. એટલે મોદી સરકારે પણ તમિલનાડુમાં NEP લાગૂ કરવાની ફરજ પાડી નહોતી.

હવે નવી જે થ્રિ લેન્ગવેજ પોલિસી આવી છે તેમાં એવું છે કે, અંગ્રેજી અને તમિલ સિવાય ભારતની હિન્દી સિવાય કોઈપણ ભાષામાં ભણાવી શકાશે અને દરેક શીખી શકશે. દાખલા તરીકે તમિલનાડુમાં કન્નડ, મલયાલમ, મરાઠી, ગુજરાતી કોઈપણ ભાષા ભણાવી શકાશે. તેમ છતાં તમિલનાડુમાં આ નિયમનો જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે. માત્ર ભાષા માટે નહીં આખી નવી શિક્ષણ નીતિનો વિરોધ થઈ રહ્યો છે. તમિલનાડુની સ્ટાલિન સરકારનું કહેવું છે કે, અમે કેન્દ્રની શિક્ષણ નીતિને સ્વિકારીશું નહીં. અમારી પોતાની અલગ શિક્ષણ નીતિ ઘડીશું અને રાજ્ય શિક્ષણ નિગમ બનાવીશું અને એ મુજબ કામ કરીશું.

Most Popular

To Top