Comments

તમિલનાડુ ભાજપા પ્રમુખ અન્નામલાઈનું નારાજીનામું!

તમિલનાડુ ભાજપ પ્રમુખ કે. અન્નામલાઈ નારાજ છે અને એમણે રાજીનામું આપી દીધું છે એવા અહેવાલોએ તમિલનાડુમાં ભાજપ માટે મુશ્કેલી સર્જી છે. આવતા વર્ષે તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને એ પહેલાં અન્નામલાઈ નારાજ થાય તો એનું ભાજપને નુકસાન થઇ શકે છે. અન્નામલાઈએ તાજેતરમાં જાહેર કર્યું છે કે તેઓ તમિલનાડુ ભાજપના નવા પ્રમુખપદ માટેની રેસમાં નથી. આ નિવેદનથી એવો સંકેત મળે છે કે તેઓ પોતાના પદને લઈને અથવા પાર્ટીની અંદરની રાજનીતિને લઈને સંપૂર્ણ સંતુષ્ટ નથી.

ભાજપ અને AIADMK વચ્ચે 2026ની વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધનની ચર્ચાઓ ચાલી રહી છે અને અહેવાલો એવા છે કે , AIADMKના નેતા એડપ્પાડી કે. પલાનીસ્વામીએ ભાજપના કેન્દ્રીય નેતૃત્વને અન્નામલાઈને પ્રમુખપદ પરથી હટાવવાની શરત મૂકી હોઈ શકે. આનું કારણ એ છે કે અન્નામલાઈએ 2023માં AIADMKના પ્રતિષ્ઠિત નેતાઓ જે. જયલલિતા અને સી.એન. અન્નાદુરાઈ પર ટીકા કરી હતી, જેના કારણે બંને પક્ષોનું ગઠબંધન તૂટી ગયું હતું. આ ઘટના પછી AIADMK અન્નામલાઈ સાથે સહજ નથી અને આ ગઠબંધન માટે તેમનું પદ છોડવું પડે તેવી સ્થિતિ તેમને નારાજ કરી શકે છે.

એટલું જ નહિ, અન્નામલાઈના નેતૃત્વમાં ભાજપે તમિલનાડુમાં વોટ શેરમાં વધારો કર્યો છે (2024ની લોકસભા ચૂંટણીમાં લગભગ 11-12%), પરંતુ એક પણ બેઠક જીતી શકી નથી. આ કારણે પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓ (જેમ કે તમિલિસાઈ સૌંદરરાજન) અને સ્થાનિક કાર્યકર્તાઓએ તેમની આક્રમક શૈલી અને નિર્ણયો પર સવાલ ઉઠાવ્યા છે. 2024ની ચૂંટણી પછી તેમના પદ છોડવાની ચર્ચા થઈ હતી, જે તેમણે રદ કરી, પરંતુ આ અસંતોષ તેમને નારાજ કરી શકે છે.

હવે જાતિગત સમીકરણની વાત કરીએ તો અન્નામલાઈ અને AIADMKના પલાનીસ્વામી બંને ગાઉન્ડર સમુદાયમાંથી આવે છે. ભાજપ ગઠબંધન માટે જાતિગત સંતુલન જાળવવા માંગે છે અને આથી દક્ષિણ તમિલનાડુના થેવર સમુદાયમાંથી નયનાર નાગેન્દ્રન જેવા નેતાને પ્રમુખ બનાવવાની યોજના બનાવી રહી હોઈ શકે. આ રાજકીય ગણતરીથી અન્નામલાઈને લાગી શકે કે તેમની મહેનત છતાં તેમને હાંસિયામાં ધકેલવામાં આવી રહ્યા છે. અન્નામલાઈ પોતાની આક્રમક રાજનીતિ અને “એન મન, એન મક્કલ” જેવાં અભિયાનો દ્વારા ભાજપને તમિલનાડુમાં દૃશ્યમાન બનાવી છે. તેમ છતાં, જો પાર્ટી તેમને કેન્દ્રમાં કોઈ મોટી ભૂમિકા આપવાને બદલે પ્રમુખપદેથી હટાવે તો એના પડઘા પડી શકે છે.

જો કે, અન્નામલાઈએ જાહેરમાં કહ્યું છે કે તેઓ પાર્ટીના નિર્ણયને સ્વીકારે છે અને સામાન્ય કાર્યકર તરીકે કામ કરવા તૈયાર છે. આમ છતાં, તેમની નારાજગીનું મુખ્ય કારણ ગઠબંધનની રાજનીતિ અને પાર્ટીની અંદરનું દબાણ હોઈ શકે છે. પણ અન્નામલાઈને બદલી ભાજપનું નેતૃત્વ બદલવા માગે છે. તમિલનાડુ એવું રાજ્ય છે જ્યાં ભાજપ એક પણ બેઠક જીતી શક્યો નથી અને ચૂંટણી બહુ દૂર નથી. આ રાજ્યમાં ભાજપ ખાતું ખોલવા માગે છે. પણ એ આસાન નથી. ભાષાનો વિવાદ ચાલે છે. સ્ટાલિન સરકાર અને કેન્દ્ર વચ્ચે અનબન છે અને અન્નાડીએમકેમાં નેતાગીરીની સમસ્યા છે. પહેલાં જેવો મજબૂત પક્ષ રહ્યો નથી. ભાજપ એના પર આધાર રાખી તમિલનાડુમાં સારો દેખાવ નહિ કરી શકે. ભાજપ કોઈ નવો દાવ ખેલવા તૈયારી કરી
રહ્યો છે.

રાહુલના OBC મંત્રની બિહારમાં પરીક્ષા
ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશનમાં રાહુલ ગાંધીએ OBCની વાત કરી એ એકદમ વાજબી છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે એમણે પટેલોનું વર્ચસ્ તોડવા માટે OBCની રાજનીતિનો પ્રારંભ કરેલો અને એને સારી એવી સફળતા મળી હતી. ગુજરાતમાં OBCનો વોટબેંક ૪૦ ટકા જેટલો છે અને દેશમાં ૪૫ ટકા આસપાસ. દિલ્હી ગયા બાદ મોદીએ OBC રાજનીતિ આખા દેશમાં લાગુ પાડી. મોદી ખુદ OBCમાંથી આવે છે. ભાજપનો દેશમાં વ્યાપ વધ્યો એમાં OBCનો બહુ મોટો ફાળો છે.

આ વાત રાહુલ ગાંધીને મોડે મોડે સમજાઈ તો છે. એમણે ગુજરાતમાં કહ્યું કે, આપણે મુસ્લિમ અને દલિતોને સાચવવામાં OBCને ભૂલી ગયા છીએ. આ વાત પર ધ્યાન આપવું પડશે. વાત તો સાચી છે. પણ રાહુલે જે કહ્યું છે એનો પહેલો જ ટેસ્ટ બિહારમાં થશે. વર્ષાન્તે બિહારમાં ચૂંટણી છે અને અહીં NDA સામે ઇન્ડિયાનો જંગ છે. બિહારમાં OBCના મત ૬૩ ટકા છે અને કોન્ગ્રેસના અત્યારે જે ૧૯ ધારાસભ્યો છે એમાં 10 ટકા જ OBC સભ્ય છે. બિહારમાં તાજેતરમાં જ સંગઠનમાં ફેરફાર કર્યા છે અને એમાં ઘણા જિલ્લામાં OBC પ્રમુખ નીમ્યા છે.

પણ બિહારમાં જ્યારે ટિકિટ આપવાની વાત આવશે ત્યારે કોંગ્રેસ શું કરે છે એના પર બધો આધાર છે. લાલુ યાદવનો RJD પક્ષ કોંગ્રેસને કેટલી બેઠકો આપે છે એ પણ મહત્ત્વનું બનવાનું છે. રાહુલ ગાંધી વાત તો સમજદારીની કરે છે પણ એનો અમલ કરવામાં કોંગ્રેસ નબળી જ પડતી રહે છે. બિહાર મોટું રાજ્ય છે પણ ત્યાં કોંગ્રેસને સત્તા મળે એવી તો કોઈ શક્યતા નથી પણ RJD સાથે રહી એ એમનો દેખાવ સુધારી શકે છે કે કેમ અને એમાં OBC રણનીતિ કામ લાગે છે કે નહિ એ રસપ્રદ બનવાનું છે.
કૌશિક મહેતા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top