ફિલ્મોમાં તો આજકાલ રોમાન્સ ઘટી ગયો છે પણ ફિલ્મ સ્ટાર્સની લાઈફમાં રોમાન્સ જ રોમાન્સ છે. આમીર ખાનને નવી ગર્લફ્રેન્ડ મળી ગઇ છે અને ગોવિંદાને તેનાથી ત્રીસ વર્ષ નાની કોઇ એવી મળી છે, જેનાથી ગોવિંદાની પત્ની જાહેરમાં આવવાનું ભુલીને ગોવિંદાની જાસૂસ બની ગઇ છે. આ બધામાં એક સ્ટોરી તમન્ના ભાટિયાની પણ છે. સ્ટાર તરીકે બહુ ઊંચે જવાની તમન્ના જોઇએ તેટલી પૂરી ન થઇ એટલે તે અંગત જિંદગીમાં કશુંક રોમેન્ટિક જીવવા માંગતી હતી અને તેને વિજય વર્મા મળી ગયેલો. બંને એકબીજા સાથે એટલું ફરવા માંડેલા કે તેઓ પરણી રહ્યાં છે એવી હવા ચારેબાજુ ફેલાવા માંડી. વાત તો સારી હતી કારણ કે હમણાં કોઇ ફિલ્મવાળા પરણ્યા નહોતા તો તમન્ના-વિજય પરણે તે સારું જ છે પણ હજુ આ લગ્નની ચર્ચા શરૂ થાય ત્યાં જ એવા સમાચાર શરૂ થયા કે બંનેનું બ્રેકઅપ થઇ ગયું છે.
મૂળ હૈદ્રાબાદનો વિજય પેલી તમન્ના જેવો સ્ટાર નહોતો. તેણે સપોર્ટિંગ રોલ જ કર્યા છે. એટલે ઘણાને થતું હતું કે આ મારવાડી છોકરો સિંધી છોકરીને લઇ જશે. ‘બાહુબલી’ની અવંતિકા ‘લસ્ટ સ્ટોરીઝ’માં વિજય ચૌહાણની થઇ. પરંતુ ફિલ્મ સ્ટાર્સની રિયલ લાઈફમાં પણ ઓન સ્ક્રિન સ્ટોરીમાં હોય એવા જ ટ્વિસ્ટ હોય છે અને વિજય અત્યારે આમ પણ ‘ઉલઝ્લૂલ ઇશ્ક’માં પડેલો છે. તમન્ના સાથેના બ્રેકઅપ વિશે તેને પૂછાયું તો અચાનક ફિલોસોફીલ અંદાજમાં બોલવા માંડ્યો છે. જો તમે તમારા સંબંધજ મઝા આઈસક્રીમની જેમ માણી શકો તો મઝા છે, પછી ભલેને એ સંબંધ ગમે તેવો ફ્લેવરનો હોય! વિજય વર્મા કે જે વિત્યા બે-ત્રણ વર્ષથી તમન્નાને ડેટ કરતો હતો કે ચડતા ઉનાળે આઈસ્ક્રીમ જેવા સંબંધની વાત કરે તેનો અર્થ જ એ હતો કે આઈસ્ક્રીમ ઓગળવા માંડ્યુ છે. જો કે હમણાં બ્રેકઅપ થયા પછી પણ બંને હોળી પાર્ટીમાં સાથે રંગ ઉડાડતા દેખાયા હતા પણ ‘એઝ એ ફ્રેન્ડ્સ તરીકે!’
બાકી તમન્ના હજુ હમણાં હમણાં જ કહેતી હતી કે વિજય તો મારા માટે ‘હેપી પ્લેસ’ જેવો છે. ‘લસ્ટ સ્ટોરીઝ-2’માં કામ કરનારા બન્નેના પ્લેસ હવે બદલાઈ ગયા છે. શું વિજય માટે તમન્ના એક આઈસ્ક્રીમ ફલેવર જ હતી?
ફિલ્મ જગતમાં એવું છે કે લાંબી લવસ્ટોરી બહુ ચાલતી નથી. ઘણા તો પોતાની ફિલ્મો માટે જાણીતા ન હોય તેનાથી વધારે લફડા માટે હોય છે.
તમન્નાને તો ઘણા જાણે છે પણ વિજયને કેટલા જાણે છે? તમન્નાએ તેને જાણીતો કર્યો પણ હવે એ જ વિજય, તમન્નાની તમન્ના તોડીને બીજે રસ્તે છે. ‘ચાંદ સા રોશન ચહેરા’થી રોશન થયેલી તમન્નાને થતું હશે કે ‘લસ્ટ સ્ટોરીઝ’ વાળા વિજય સાથેની સ્ટોરી ન બની હોત તો સારું. જો કે ફિલ્મ વાળાના રોમાન્સ પ્લાસ્ટિકનાં જ વધારે હોય છે એટલે જાને દો, બીત ગઇ સો બાત ગઇ! •

