તમન્ના ભાટિયાને લઇ ફિલ્મ બનાવવામાં ધંધાકીય શાણપણ છે ખરું? સાઉથમાં તેનો એક સમયે વટ હતો પણ ત્યાં અભિનત્રીઓ સતત બદલાતી રહે છે. નવી નવી હીરોઇન હોય તો પ્રેક્ષકોમાં આકર્ષણ જળવાય રહે. પણ તમન્ના હવે હિન્દી ફિલ્મો માટે ખાસ નથી અને આ પહેલાં પણ ખાસ બની શકી નથી. ખેર, તે ‘બબલી બાઉન્સર’થી ફરી જોવા મળશે. એ ફિલ્મ મધુર ભંડારકરની છે, જે સ્વયં પણ પોતાની ગાડી પાટા પર ચડે તેની રાહ જોઇ રહ્યા છે. તેની કઇ ફિલ્મ છેલ્લે સફળ ગયેલી તે પ્રેક્ષકોને યાદ ન હશે અને નિષ્ફળ ફિલ્મોને દિગ્દર્શકો ય યાદ નથી રાખતા. મધુરની ‘ટ્રાફિક સિગ્નલ’ અને ‘ફેશન’ને સફળ ગણો તો તે ૨૦૦૭-’૦૮ ની ફિલ્મો છે પછી ‘જેલ’, ‘દિલ તો બચ્ચા હે જી’, ‘ફેશન’, ‘કેલેન્ડર ગર્લ્સ’, ‘ઇન્દુ સરકાર’, ‘ઇન્ડિયા લોકડાઉન’ આવી અને ગઇ. હવે મધુરને મોટા સ્ટાર્સ નથી મળતા. જોકે તે બને ત્યાં સુધી હીરોઇન કેન્દ્રી ફિલ્મો જ બનાવે છે ને છેલ્લે ‘ફેશન’માં કરીના કપૂર હતી તે યાદ કરી શકો.
તો મધુર અને તમન્ના માટે હવે કેટલી તમન્ના રાખી શકો? આ ફિલ્મમાં મહિલા બાઉન્સરની વાત છે. સામાન્યપણે આ ધંધો પુરુષોનો છે તેમાં બબલી બાઉન્સર હોય તો? આ ફિલ્મ હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલમાં રજૂ થશે, પણ ડીઝનીક હોટસ્ટાર પર. તમન્ના સાથે કોઇ મોટા અભિનેતા નથી. છે તે અભિષેક બજાજ, સાહિલ વૈદ, સૌરભ શુકલા. એટલે ફિલ્મની બોકસ ઓફિસ વેલ્યુ મોટી નથી. જો ફિલ્મ સફળ જશે તો મધુર અને તમન્નાને નામે જ સફળતા ચડાવી શકાશે. પણ, સફળ જશે તો! તમન્નાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે કે, ‘સસોલા ફતેહપૂરકી યે છોરી, ઇઝ હિયર ટુ ડુ સમ ‘બાઉન્સર ગર્લ.’
એક વાત એ પણ ગણવી જોઇએ કે ઓટીટી પર ફિલ્મો જ રજૂ થાય છે થિયેટરોમાં પ્રેક્ષકોનો સીધો મુકાબલો કરવા તૈયાર નથી. ઓટીટી પર ફિલ્મ સફળ જાય તે હકીકતે કેટલી સફળ તે સમજાતું નથી. પ્રેક્ષકોમાં ઇંતેજારી વધારી ન શકનારી ફિલ્મો ઓટીટીનો હિસ્સો બને છે. તેનાથી થિયેટર બિઝનેસ, ડિસ્ટ્રીબ્યુરોને ય ફાયદો થતો નથી. ખેર! હવે તમન્ના ભાટિયા તેની બાહુબલી સ્ટાર તરીકેની લોકપ્રિયતા વટાવી શકે તેમ નથી. એક સફળતા લોકો કેટલા વર્ષ યાદ રાખે?
પણ હા, મધુર ભંડારકરને સાવ નવા વિષય એકસ્પ્લોર કરવાની ટેવ છે તે ફરી જોવા મળશે અને તમન્ના એક બાઉન્સર તરીકે દેખાશે તે પણ નોંધવું જોઇએ. આ ફિલ્મ ચાલશે તો ઘણા લોકો બબલીને બાઉન્સર રાખતા થશે. આ ફિલ્મમાં તે હરિયાણવી બોલે છે તે પણ મઝાની વાત કહેવાય. પહેલાના જમાને પહેલવાનો રખાતા હવે બાઉન્સર રખાય છે. દક્ષિણ ભારતમાં ‘મિલ્ક’ નામે મશહુર તમન્ના આશા રાખે છે કે તેના આ સાવ જૂદા પાત્રને લોકો અપનાવે. ‘ચાંદ સા રોશન ચહેરા’, ‘હિમ્મતવાલા’, ‘હમશકલ્સ’, ‘એન્ટરટેન્ટમેન્ટ’ અને ‘બાહુબલી’ ની તમન્ના ૨૩ મી સપ્ટેમ્બરે બબલી બાઉન્સર બની હાજર થશે. •