એક સાહિત્યપ્રેમી ડોક્ટર.ગુજરાતી ભાષાને ખૂબ જ પ્રેમ કરે.ઘરમાં એક રૂમમાં માત્ર ગુજરાતી પુસ્તકોની લાઈબ્રેરી હતી અને પોતાની કલીનીકમાં પણ થોડાં પુસ્તકો રાખે અને જે દર્દીઓને વાંચવા લઇ જવાં હોય તેમને આપે,પણ પાછાં વ્યવસ્થિત આપી જવાની શરતે. ડોક્ટર પોતે પણ જયારે સમય મળે ત્યારે ગુજરાતી સાહિત્ય જ વાંચે અને બીજા તેને વાંચે તેવો આગ્રહ પણ રાખે.એક દિવસ ડોકટર એક જુનું પુસ્તક વાંચી રહ્યા હતા. તેમાં તેમણે એવાં વાક્યો વાંચ્યાં કે જે વાંચીને તેઓ ખુશ થઇ ગયા.આ વાક્યો તેમને એટલાં ગમ્યાં કે તરત કમ્પાઉન્ડરને બોલાવી , માર્કેટમાં દોડાવી ચાર્ટ પેપર મંગાવ્યું અને જાતે પોતે સમય કાઢી તે પાંચ વાક્યો સુંદર અક્ષરે ગુજરાતીમાં લખ્યા.અંગ્રેજી અને હિન્દીમાં ભાષાંતર પણ નાના અક્ષરથી લખ્યું અને પછી તે ચાર્ટ પેપરને ફ્રેમ કરાવી પોતાની ક્લીનીકની ભીંત પર સજાવ્યું અને જે દર્દી આવે તે બધાને તેઓ આ પાંચ વાક્ય વાંચવા કહેતા અને સમજાવતા.
તે ફ્રેમમાં મઢેલાં પાંચ વાક્યો હતાં
‘ઝાકળ બેઠું પાંદડે ડાળીને શું ભાર?
બસ એટલું જ હળવું જીવવું
શું રાગ – દ્વેષ ને શું ખાર?
એક કપ ‘ચા- હ’ચાલશે
પણ એક કપ ટી નહિ ચાલે.
ડોક્ટર બધાને આ વકયો વંચાવતા અને કહેતા, ‘આ વાક્ય લખનારે પાંચ વાક્યમાં આખા જીવનને કઈ રીતે જીવવું, શું કરવું અને શું ન કરવું તે બધું જ સમજાવી દીધું છે. ઝાકળના બિંદુ જેવું નિર્મળ મન રાખવું.નાનકડા મોતી જેવું ચમકવું અને કોઈને ભારે ન પડવું એટલા હળવા રહેવું.નમ્ર રહેવું.અભિમાનનો ભાર ન રાખવો.અભિમાન છોડી નમ્રતા રાખ્યા બાદ કોઈ પ્રત્યે ઈર્ષ્યા,દ્વેષ,ખાર ન રાખવો.ગુસ્સો મનમાં ભરીને ન રાખવો. આ બધું આપણને જ બાળે છે. કોઈના પ્રત્યે પક્ષપાત ન કરવો કે પૂર્વગ્રહ પણ ન રાખવો. બસ બધાને પ્રેમ આપવો. ચાહતાં રહેવું. સ્નેહ વહેંચતા રહેવું અને સ્વાર્થ, કપટ, કાવાદાવાથી દૂર રહેવું.
આ પાંચ વાક્યો આટલું સમજાવે છે અને જીવનમાં જો આટલું સમજી લેશો અને તે પ્રમાણે જીવન જીવશો તો બધાને ગમશો. જીવન જીવવા જેવું લાગશે.’ ડોક્ટર જે દર્દીને ગુજરાતી ન આવડે તેમને પણ હિન્દી અને અંગ્રેજી ભાષાંતર વાંચવા કહેતા અને ઉપર જણાવેલી વાતો સમજાવતા. દવા આપીને શરીરનો રોગ મટાડતા ડોક્ટર સાહિત્ય વાંચવાની પ્રેરણા તો આપતા જ અને સાહિત્યનાં આ પાંચ વાક્યોમાં છુપાયેલી જીવનની ફિલસુફી બધાં દર્દીને સમજાવતા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.