Comments

ડાયરેક્ટ વાત કરો

દ્રશ્ય એક
એક દિવસ નિશા ઘરે રડતી રડતી ગઈ.મમ્મીએ પૂછ્યું તો બોલી, ‘’નિરાલી આમ કરશે તેવું મેં વિચાર્યું ન હતું.આજથી મેં નક્કી કર્યું છે કે ભલે મને તેની દોસ્તીની આદત છે પણ હવેથી હું તેની સાથે વાત નહિ કરું.’’ મમ્મીએ ફરી પૂછ્યું , ‘’શું કર્યું નિરાલીએ ??’’ નિશા રડતા રડતા બોલી, ‘’મને મારી બાજુમાં બેસતી પૂર્વીએ કહ્યું કે, નિરાલી બોલી, આ નિશા જોડે તો બસ નામની તેની પાસેથી નોટ્સ મળે એટલે ફ્રેન્ડશીપ રાખી છે.’’આટલું બોલી તે ફરી રડવા લાગી. મમ્મીએ નિરાલીને ફોન લગાડ્યો અને કહ્યું, ‘’આ તને નિરાલીએ નથી કહ્યું બીજા કોઈએ કહ્યું છે અને તું આવીને મને કહે છે તેના કરતા આ લે ફોન લગાડ્યો છે તું એની સાથે ડાયરેક્ટ જ વાત કરી લે’’ પહેલા નિશાએ ગુસ્સામાં ના પાડી પણ મમ્મીએ ફોન આપ્યો નિશાએ ડાયરેક્ટ વાત કરી અને પાંચ મીનીટમાં જ ખબર પડી ગઈ કે પૂર્વીએ નિરાલીને પણ એમ કહ્યું હતું કે, નિશા કહેતી હતી કે, હવે નિરાલીને નોટ્સ નહિ આપું.ડાયરેક્ટ વાત થઇ અને ઝઘડો પૂરો થયો અને ફોન કલાક લાંબો ચાલ્યો.

દ્રશ્ય બીજું
ઘરમાં નવી વહુ આવી અને સાથે પોતાના સપના અને પોતાની રીતો લાવી. રાગિણીએ સુંદર ઘર સજાવ્યું અને સાસુના જુના કિચનમાં ઘણા નવા ફેરફાર કર્યા.સ્ટીલના થાળી વાટકાના સ્થાન પર ફેન્સી ડીનર સેટ,કપ -રકાબી ગાયબ અને ફેન્સી મગ. આવા ઘણા નાના નાના ફેરફાર થયા.સાસુને તે ગમ્યું નહિ, તેમને ફોનમાં પોતાની દીકરીને ફરિયાદ કરી કે ‘’આ નવી વહુ તો બધું જ બદલી રહી છે.કપ રકાબી વિના પપ્પાને ચા પીવી ફાવતી નથી અને મને સ્ટીલની થાળીમાં જ જમવું ગમે છે.આ બધું નહિ ચાલે.’’દીકરીએ સરસ જવાબ આપ્યો, ‘’મમ્મી મને કહે છે તેના કરતા રાગિણી ભાભીને જ ડાયરેક્ટ જણાવ અને પછી તેઓ શું કહે છે શું કરે છે તે જો.’’સાસુમા એ બીજે દિવસે ડાયરેક્ટ નવી વહુ રાગિણી સાથે મનની વાત કરી. તે દિવસે સાંજે જ નવા કપ રકાબી ગોઠવાઈ ગયા અને સ્ટીલની થાળીઓ પણ.વાત વતેસર થયા વિના પૂરી થઈ બધા ખુશ.

આવા દ્રશ્યો આપણા બધાના જીવનમાં રોજ સર્જાય છે.પ્રોબ્લેમ કોઈ સાથે હોય ,વાંધો કોઈ સાથે હોય અને વાત બીજા સાથે થાય છે.મા-બાપ દીકરાની ફરિયાદ વહુને કરશે.વહુની પ્રત્યે વાંધો પોતાની દીકરીને જણાવશે.એક મિત્ર સાથે વાંધો પડશે તો બીજાને કહેશું.એક પડોશી પોતાની બીજા પડોશીની તકલીફ ત્રીજાને જણાવશે.આ જ આપની તકલીફ છે જેની સાથે વાંધો પડે તેની સાથે વાત કરવાને બદલે આપણે બીજા સાથે વાત કરીએ છીએ.બીજાની વાત સાંભળી ગુસ્સે થઈએ છીએ.જેની સાથે પ્રોબ્લેમ હોય તેની સાથે ડાયરેક્ટ વાત કરતા નથી એટલે હંમેશા વાત વધી જાય છે, ફેલાય જાય છે અને નાની વાતમાં મોટો ઝઘડો થાય છે.માટે જેની સાથે વાંધો પડે તેની સાથે તે વિષે ડાયરેક્ટ વાત કરો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top