આખરે તાલિબાને પોતાનું પોત પ્રકાશ્યું ખરૂં. અફઘાનિસ્તાનમાં પૂર્ણપણે કબજો જમાવી દીધા બાદ તાલિબાને હવે કાશ્મીરના મુસ્લિમો માટે સહાનુભૂતિ બતાવી છે. જે ભારત માટે મોટો ખતરો છે. અગાઉ એવું લાગતું હતું કે તાલિબાન ભારત સાથે સારા સંબંધો જાળવી રાખશે પરંતુ હવે આ માન્યતા ખોટી પડી રહી છે. અફઘાનિસ્તાનમાં સરકાર બને તે પહેલા જ તાલિબાનો દ્વારા પોતાનો અસલી રંગ બતાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. તાલિબાનના પ્રવક્તાએ સીધું એવું કહી દીધુ છે કે, કાશ્મીર તો ઠીક, ભારત કે અન્ય કોઈપણ દેશના મુસ્લિમો માટે અવાજ ઉઠાવવાનો અમને હક છે. તાલિબાન એટલેથી અટક્યું નથી. તાલિબાને ચીન સાથે દોસ્તી ગાઢ કરી છે અને ચીનના પૈસાથી જ નવા અફઘાનિસ્તાનું નિર્માણ થશે તેવી જાહેરાત પણ કરી છે. આ બંને બદલાવ સામે ભારતે અતિ સચેત રહેવાની જરૂરીયાત છે.
જ્યારે અફઘાનિસ્તાનમાં આંતરિક યુદ્ધ ચાલતું હતું અને જ્યારે તાલિબાન અફઘાનિસ્તાનની જે તે સમયની સરકાર સાથે લડતું હતું ત્યારે તાલિબાન દ્વારા ભારત માટે લાગણી વ્યક્ત કરવામાં આવતી હતી. ભારતે અફઘાનિસ્તાનમાં મોટાપાયે રોકાણ કર્યું હોવાની સાથે અફઘાનિસ્તાનમાં વિકાસના કામો પણ કર્યા હતા. પરંતુ અફઘાનિસ્તાન સાથે સારા સંબંધો રાખવાના ભારતના પ્રયાસો એળે ગયા છે. અફઘાનિસ્તાનની સરકાર પડી ભાંગી અને હવે તાલિબાને તેની પર કબજો કરી લીધો છે અને હવે બદલાતી પરિસ્થિતિએ ભારત માટે ચિંતા ઊભી કરી છે. તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને અગાઉ એક ઈન્ટરવ્યુમાં એવું કહ્યું હતું કે કાશ્મીર દ્વિ-પક્ષીય મામલો છે અને તે ભારતની આંતરિક બાબત છે. પરંતુ હવે જ્યારે સુહેલ શાહીને એક ઈન્ટરવ્યુમાં એવું કહ્યું કે, તાલિબાનને કાશ્મીર સહિત સમગ્ર વિશ્વના મુસ્લિમોનો અવાજ ઉઠાવવાનો અધિકાર છે. મુસ્લિમો અમારા પોતાના લોકો છે. અમારા નાગરિકો છે અને કાયદા હેઠળ તેમને બરાબરીનો અધિકાર છે.
એક તરફ તાલિબાનનો સૂર બદલાયો છે તો બીજી તરફ અલ કાયદાએ પણ તકનો લાભ લેવાની શરૂઆત કરી દીધી છે. આતંકવાદી સંગઠન અલ કાયદાએ તાલિબાનને અફઘાનિસ્તાન કબજે કરવા બદલ અભિનંદન આપવાની સાથે કાશ્મીર અને અન્ય ઈસ્લામિક જમીનોને ઈસ્લામના દુશ્મનોના હાથમાંથી મુક્ત કરાવવાની પણ માંગ કરી હતી. અલ કાયદો પેલેસ્ટાઈન, લેવન્ટ, સોમાલિયા અને યમન જેવા પ્રદેશોની સ્વતંત્રતા માટે પણ મદદ કરવાની તાલિબાન સમક્ષ અપીલ કરી હતી. જોવા જેવી બાબત એ છે કે તાલિબાને અગાઉ એવું કહ્યું હતું કે, અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈ દેશ વિરૂદ્ધ નહીં કરવા દેવાય. પરંતુ હવે જે રીતે ચીનનો સાથ લેવાની જાહેરાત તાલિબાન દ્વારા કરવામાં આવી છે તેણે બતાવી આપ્યું છે કે ચીન દ્વારા ભારત વિરૂદ્ધ કાવતરા માટે અફઘાનિસ્તાનની જમીનનો જરૂરથી ઉપયોગ કરી શકાય તેમ છે.
ચીન દ્વારા નવું અફઘાનિસ્તાન બનાવવા માટે ફંડ આપવામાં આવશે. ચીન દ્વારા અફઘાનિસ્તાનમાં રહેલી તાંબાની ખાણને આધુનિક બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. અફઘાનિસ્તાનમાં આશરે 200 લાખ કરોડ રૂપિયા કરતાં પણ વધારે ખનીજ સંપત્તિ છે. જેથી ચીન અફઘાનિસ્તાનને ફંડ આપીને આ ખનીજ સંપત્તિ પર કબજો કરી લેશે. તાલિબાને ચીનને ત્યાં સુધી ખાતરી પણ આપી દીધી છે કે તે કટ્ટરવાદી મુસ્લિમોને અંકુશમાં રાખશે પરંતુ સામે ચીન પણ ખંધુ પ્રાણી હોવાથી જે રીતે અન્ય નાના દેશોને ચીન દ્વારા પોતાના ગુલામ બનાવી દેવામાં આવ્યા તેવી જ રીતે ચીન આગામી દિવસોમાં અફઘાનિસ્તાનને પણ પોતાનું ગુલામ બનાવી દેશે. આ તમામ ગતિવિધીઓ પર ભારત સરકારની ચાંપતી નજર હશે જ. ભારતે માત્ર તાલિબાન નહીં પરંતુ સાથે સાથે ચીનની હરકતો પર પણ ધ્યાન રાખવું પડશે. ચીન તાલિબાનનો ઉપયોગ કરીને ભારત સામે પરોક્ષ રીતે જંગ ચાલુ રાખશે અને જો ભારત સ્હેજેય ગફલતમાં રહેશે તો મોટું નુકસાન થશે તે નક્કી છે. ભારત સરકાર સાવધ રહે તે જરૂરી છે.