રવિવારે ભારત જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યું હતું ત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ પશ્ચિમી ટેકાની સરકારને ઉથલાવીને અફઘાનિસ્તાન અને એની રાજધાની કાબુલ પર કબજો જમાવી દીધો હતો. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા હતા.
20 વર્ષોમાં અમેરિકા અને એના સાથી દેશોએ અફઘાનિસ્તાનની કાયાપલટ કરવાનું અભિયાન ચલાવ્યું એનો આવો અંત આવ્યો હતો. અફઘાનિસ્તાનના પશ્ચિમી દેશોએ તાલીમ આપેલા સલામતી દળો તાલિબાન સામે ક્યાં ઘૂંટણિયે પડી ગયા હતા ક્યાં ભાગી ગયા હતા. અમેરિકાનું સૈન્ય પૂરેપૂરું હજી આ મહિનાના અંતમાં પાછું ખેંચાવાનું છે એના એક સપ્તાહ પૂર્વે જ બંડખોર તાલિબાનોએ સત્તા કબજે કરી લીધી છે.
રાજધાની કાબુલમાં અજંપાભરી શાંતિ છે. મોટા ભાગના લોકો એમનાં ઘરોમાં લપાઇ ગયાં છે. મહત્વના માર્ગો પર તાલિબાનોએ એમના લડાકુઓને ગોઠવી દીધા છે. રસ્તા પર ટ્રાફિક દેખાતો નથી. સશસ્ત્ર માણસો દરવાજા ઠોકી રહ્યા છે અને લૂંટફાટ થઇ રહી છે એવા હેવાલો આવી રહ્યા છે. તાલિબાનોએ હજ્જારો કેદીઓને છોડી મૂક્યા હતા અને પોલીસ રીતસર તમાશો જોઇ રહી હતી.
તાલિબાનોએ રવિવારે કાબુલ પર કબજો કર્યા બાદ કાબુલના આંતરરાષ્ટ્રીય હવાઇ મથકે આગળ વધ્યા હતા જ્યાં નાગરિક બાજુને વધુ આદેશ સુધી બંધ કરી દેવાઇ છે. તાલિબાનના નેતાઓએ ખાતરી આપી હતી કે નાગરિકો અને વિદેશીઓને કોઇ ભય નથી. પણ સ્થાનિકોએ કહ્યું કે તાલિબાનના લડવૈયાઓ ઘેર ઘેર ફરીને એમના ટાર્ગેટ લિસ્ટના કે અફઘાન સરકાર માટે કામ કરતા માણસોને શોધી રહ્યાછે.
કાબુલમાં ગોળીબારના અવાજો પણ સંભળાઇ રહ્યા છે. રવિવારે પોલીસ અને અન્ય સરકારી દળોએ કોઇ પણ સંઘર્ષ કર્યા વિના શરણે થઈ જતાં તાલિબાન લડાકુઓએ ચેક પોસ્ટ્સ પર ગોઠવાઇ ગયા હતા અને રાષ્ટ્રપતિના મહેલ અને અફઘાન સંસદ પર કબજો જમાવ્યો હતો. શેરીઓમાં તાલિબાનો સશસ્ર વાહનો સાથે કૂચ કરી રહ્યા છે.