નવી દિલ્હી: યુએઈ (UAE)માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14 મી સીઝનનો બીજો તબક્કો શરૂ કર્યો છે. તે ભારત (India) સહિત સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. દર વર્ષની જેમ, તેનું જીવંત પ્રસારણ (Live telecast) પણ લગભગ દરેક દેશમાં ચાલી રહ્યું છે. પરંતુ આ દરમિયાન અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન (Taliban)નું હુકમનામું બહાર પાડવામાં આવ્યું છે.
વિશ્વના દરેક ખૂણેથી ક્રિકેટરો અહીં પોતાની પ્રતિભા બતાવી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં હવે તાલિબાનનું શાસન છે, જે પાવર કટોકટીનો સામનો કરી રહ્યું છે. અહીં મનોરંજનના મોટાભાગના માધ્યમો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે હવે આઈપીએલ પણ આમાંથી બાકાત નહોતું રહ્યું. ક્રિકેટના એમ્બેસેડર હોવાનો દાવો કરનારો તાલિબાન માને છે કે આઈપીએલ મેચ દરમિયાન, ચીયર લીડર્સ (Cheerleaders) ડાન્સ કરે છે, મહિલાઓ વાળ ઢાંક્યા વગર મેચ જોવા આવે છે, આ બધું ઈસ્લામ વિરુદ્ધ છે, તેથી અફઘાનિસ્તાનમાં તેના પ્રસારણ પર પ્રતિબંધ છે.
મહિલાઓ માટે સૌથી ખરાબ સમય આવી ગયો હોય એમ અફઘાનિસ્તાનમાં મહિલાઓ હવે કોઈ પણ પ્રકારની રમત પણ રમી શકતી નથી, જ્યારે પુરુષો પર કોઈ પ્રતિબંધ નથી. જ્યારે અફઘાનિસ્તાનના નવા ડિરેક્ટર જનરલ ઓફ સ્પોર્ટ્સ બશીર અહમદ રૂસ્તમઝાઈને પૂછવામાં આવ્યું કે શું ભવિષ્યમાં મહિલાઓ ક્યારેય પણ કોઈ રમતમાં ભાગ લઈ શકશે કે નહીં, તો તેમણે જવાબ આપ્યો નહીં. ત્યારે અહીં એ નોંધવું ઘટે કે ગન પોઈન્ટ પર સત્તા પરિવર્તનને કારણે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનું ભવિષ્ય પણ જોખમમાં છે.
અફઘાનિસ્તાનમાં મહિલાઓની મુશ્કેલી વધી રહી છે, ત્યારે કાબુલના વચગાળાના મેયર હમદુલ્લાહ નમોનીએ રવિવારે કહ્યું હતું કે, માત્ર તે જ મહિલાઓને કામ પર જવાની મંજૂરી હશે, જ્યાં પુરુષો કામ કરી શકતા નથી. જેમ કે ડિઝાઇન અથવા એન્જિનિયરિંગ વિભાગમાં કામ કરતી મહિલાઓ અથવા મહિલા શૌચાલયો (Ladies toilet)માં કામ કરતી મહિલાઓ વગેરે. નમોનીનો આ આદેશ બતાવે છે કે, તાલિબાનો હવે મહિલાઓ પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કરી દીધું છે. આ અગાઉ 1990ના દાયકામાં તાલિબાનોએ છોકરીઓ અને મહિલાઓને શાળાએ જવા અને તેમના શાસન હેઠળ કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
કાબુલના વચગાળાના મેયર નમોનીએ જણાવ્યું હતું કે, ગયા મહિને જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યો હતો ત્યારે કાબુલના 3,000 કર્મચારીઓમાંથી એક તૃતિયાંશ મહિલા કર્મચારીઓ હતી. નમોનીએ કહ્યું કે, કાબુલ મ્યુનિસિપલ વિભાગમાં કામ કરતી મહિલા કર્મચારીઓ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મેયરે કહ્યું કે, હાલમાં તેઓ પગાર મેળવવાનું ચાલુ રાખશે.