કાબુલ: અફઘાનની રાજધાનીમાં તાલિબાન (Taliban) સુરક્ષા દળોએ બુધવારે મહિલાઓ માટે ઉચ્ચ શિક્ષણ (Higher education) પર પ્રતિબંધ (Prohibition) લાદ્યો હતો અને તેમને યુનિવર્સિટીમાં જવાથી અટકાવી હતી. સામે આવેલા એક વીડિયોમાં દેખાય છે કે કાબુલમાં એક કેમ્પસની બહાર મહિલાઓ રડી રહી છે અને એક બીજાને સાંત્વના આપી રહી છે. દેશના તાલિબાન શાસકોએ એક દિવસ પહેલાં આદેશ આપ્યા હતાં કે દેશભરમાં મહિલાઓ ખાનગી અને સરકારી યુનિવર્સિટીમાં જવાનું બંધ કરે જે તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને આગણની નોટિસ મળે ત્યાં સુધી ચાલુ રહેશે. તાલિબાનના નેતૃત્વવાળી સરકારે આ માટે કોઈ કારણ આપ્યું ન હતું અથવા આ પગલાંથી ઉઠેલા રોષ અને વૈશ્વિક ટીકાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.
- વિદ્યાર્થીનીઓને કોલેજ કેમ્પસમાં પ્રવેશ કરવા ન દેવાઈ
- કોલેજની બહાર મહિલાઓ રડતી અને એકબીજાને સાંત્વના આપતી દેખાઈ
- કાબુલની ચાર યુનિવર્સિટીઓની બહાર તાલિબાનના જવાનો દેખાયા
- કાબુલમાં એક ખાનગી યુનિવર્સિટીની બહાર એક જૂથે પ્રદર્શન કર્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા
બુધવારે કાબુલની ચાર યુનિવર્સિટીઓની બહાર તાલિબાનના જવાનો દેખાયા હતા. આ જવાનોએ અમુક મહિલાઓને તેમાં પ્રવેશ કરવાથી અટકાવી હતી જ્યારે અન્યોને અંદર જઈ પોતાનું કામ સમાપ્ત કરવાની મંજૂરી આપી હતી. તેમણે ફોટોગ્રાફી અને વીડિયો લેવાથી પણ અટકાવ્યા હતા સાથે જ તેમણે પ્રદર્શનો પણ થવા દીધા ન હતા. કાબુલ યુનિવર્સિટીના પ્રવક્તા રહિમુલ્લાહ નદીમે પુષ્ટી કરી હતી કે વિદ્યાર્થીનીઓ માટેના વર્ગો બંધ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે અમુક મહિલાઓને પેપરવર્ક અને વહીવટીતંત્રથી સંબંધિત કાર્ય કરવા કેમ્પસમાં પ્રવેશ કરવાની મંજૂરી આપી હતી. એક જૂથે કાબુલમાં એક ખાનગી યુનિવર્સિટીની બહાર પ્રદર્શન કર્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. શિક્ષણનું રાજકારણ ન કરો, અમે નાબૂદ થવા માગતા નથી, એમ તેમણે કહ્યું હતું.