અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કર્યા બાદ તાલિબાને ભારતથી તમામ આયાત-નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સપોર્ટ ઑર્ગેનાઇઝેશન (એફઆઇઇઓ)ના ડાયરેક્ટર જનરલ ડો.અજય સહાયના જણાવ્યાં અનુસાર, તાલિબાને હાલમાં પાકિસ્તાનના પરિવહન માર્ગો પરથી તમામ કાર્ગોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. જેનાથી અફઘાનિસ્તાનથી આયાત સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. જેના કારણે બજારમાં ડ્રાયફ્રુટ્સ વગેરે જેવી આયાત થતી વસ્તુઓ મોંઘી થવાની શક્યતા છે.
ડો.અજય સહાયે જણાવ્યું કે, એફઆઇઇઓ અફઘાનિસ્તાનની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે, ભારતના અફઘાનિસ્તાન સાથે સદીઓ જૂના સંબંધો છે. ભારતે ત્યાં મોટું રોકાણ પણ કર્યું છે. તેમજ ભારત અફઘાનિસ્તાનનો સૌથી મોટો ભાગીદાર છે. વર્ષ 2021માં અફઘાનિસ્તાનમાં ભારતની નિકાસ 835 મિલિયન ડોલર હતી. જ્યારે, ભારતે ત્યાંથી 51 મિલિયન ડોલરનો માલ આયાત કર્યો હતો.
તેમણે કહ્યું કે, વેપાર સિવાય ભારતે ત્યાં 3 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. ભારત ત્યાં 400 પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે. જેમાંથી કેટલાક હજી પ્રગતિમાં છે. ભારત આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ કોરિડોર દ્વારા અફઘાનિસ્તાનમાં કેટલાક માલની નિકાસ કરે છે જે સારી રીતે ચાલી રહી છે. આ ઉપરાંત, કેટલીક નિકાસ દુબઈ માર્ગ દ્વારા પણ થાય છે. તે પણ હાલમાં ચાલી રહી છે.
એફઆઇઇઓના ડીજીએ કહ્યું કે, ભારત અફઘાનિસ્તાનમાં ખાંડ, ફાર્માસ્યુટિકલ્સ, ચા, કોફી, મસાલા અને ટ્રાન્સમિશન ટાવર્સની નિકાસ કરે છે. ત્યારે, ડ્રાયફ્રુટ્સ અને ડુંગળી જેવી વસ્તુઓ અફઘાનિસ્તાનથી આયાત કરવામાં આવે છે. જો કે, તેમણે આશા વ્યક્ત કરી કે, વેપાર સંબંધિત પ્રવૃત્તિઓ ટૂંક સમયમાં ફરી શરૂ કરવામાં આવશે. કારણ કે, તે બંને દેશો માટે જરૂરી અને ફાયદાકારક છે. આશા છે કે અફઘાનિસ્તાનમાં રાજકીય સ્થિરતા આવ્યા પછી બધું યોગ્ય થઈ જશે