નડિયાદ: મહિસાગર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા દિવાળી ટાણે જ છટકું ગોઠવી તલાટી કમ મંત્રીને લાંચ લેતા રંગેહાથ પકડી લેતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. નાની ખરસોલી ગ્રામ પંચાયતમાં છટકુ ગોઠવી શિયાલ ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીને રૂ.500ની લાંચ લેતા પકડી પાડ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં મકાનની આકારણી કરવાના અવેજ પેટે તેણે આ લાંચ માંગી હોવાનું ખુલ્યું છે. મહિસાગર જિલ્લાના એક વ્યક્તિનું મકાનની આકારણી કરવાના અવેજ પેટે કડાણા તાલુકાના શિયાલ ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રાજેન્દ્રકુમાર કેશવભાઈ કટારાએ રૂ.500ની લાંચની માગણી કરી હતી.
જોકે, આ લાંચ આપવા ન માંગતા તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી એસીબીએ બે પંચોને સાથે રાખી શુક્રવારના રોજ લાંચનું છટકું ગોઠવ્યું હતું. જે અંતર્ગત નાની ખરસોલી ગ્રામ પંચાયતની કચેરીએ તેઓ રૂ.500 આપવા રાજેન્દ્રકુમારને મળ્યાં હતાં. જ્યાં રાજેન્દ્રકુમારે નાણાની માગણી કરી હતી. જેથી છટકા મુજબ તેને નાણા આપતાં એસીબીએ તેને લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યો હતો. અચાનક એસીબીના દરોડાથી થોડા સમય માટે ગ્રામ પંચાયતમાં પણ ખળભળાટ મચી ગયો હતો. આ ટ્રેપ મહિસાગર એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એન. પટેલે કરી હતી. જ્યારે સુપરવિઝન વડોદરાના મદદનીશ નિયામક એસ.એસ. ગઢવીએ કર્યું હતું.