SURAT

તક્ષશીલામાં બાવીસ બાળકોની અસ્થિ પર બે વર્ષ બાદ પણ ગંદુ રાજકારણ રમાઈ રહ્યું છે

સુરત: (Surat) સુરત શહેરના ઇતિહાસમાં આજે એ ગોઝારો દિવસ છે. જેમાં મહાપાલિકા અને ડીજીવીસીએલ જેવા સરકારી તંત્રના પાપે બાવીસ બાળકોની બલી તક્ષશીલા બિલ્ડીંગમાં (Takshashila Building) ચઢી હતી. આગમાં (Fire) બાવીસ બાળકો બળીને ભડથું થઇ ગયા પરંતુ આ માટે જવાબદાર અધિકારીઓને નશ્યત કરવા માટેની લડાઇ નફફટ તંત્રના પાપે હજુ ચાલુ રહી છે. વાલીઓની હાલત કફોડી થઇ ગઇ છે. જેમાં કોર્ટ અને પોલીસના ચક્કર અને બાળકો (Children’s) માટે ન્યાય માટે અધિકારીઓને જેલમાં નંખાવવાની લડતમાં હજુ કોઇ સફળતા મળી નથી. આ ઘટનામાં સંડોવાયેલા મહાપાલિકા અને ડીજીવીસીએલના (DGVCL) અધિકારીઓ આ ઘટનાને બે વર્ષ પછી જેલની બહાર આવી ગયા છે. તેમાં ફાયર અને મનપાના ઉચ્ચ અધિકારીઓને તો ઉની આંચ પણ આવી નથી. ભ્રષ્ટાચાર સામેની આ લડાઇમાં વાલી જયસુખ ગજેરાએ જણાવ્યું કે તમામ અધિકારીઓ જામીન મુક્ત થયા છે. હવે તમામ જવાબદારી આ લોકો બિલ્ડરો પર ઢોળીને છટકી જવા માંગે છે. પરંતુ તેઓ છટકવા દેશે નહીં.

કેવી રીતે ફાયર બ્રિગેડની ભયાનક ભૂલને કારણે બાવીસ ભૂલકાઓ હોમાયા
તક્ષશીલામાં જ્યારે સામાન્ય આગ હતી, ત્યારે ફાયર બ્રિગેડનું વાહન તો આવ્યું હતું. તે સમયે ફાયરબ્રિગેડ બાળકોને બચાવી લેશે તેવી મીટ માંડીને વાલીઓ બેઠા હતા. પરંતુ ફાયર બ્રિગેડના વાહનની સીડી ખુલી ન હતી અને આગે પ્રચંડ સ્વરૂપ લેતા તમામ બાળકો ગણતરીની મિનિટોમાં હોમાઇ ગયા હતા. હજારો લોકોની સામે આ અગ્નિકાંડ થયો અને બાળકોની ચિચીયારીઓ વચ્ચે કોઇ કાંઇ કરી શક્યું ન હતું. ફાયર બ્રિગેડ પાછળ મહાપાલિકા કરોડો રૂપિયા ખર્ચે છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ આ રૂપિયા ઓહિયા કરી જતા હોવાની વાતો ખુલ્લી થઇ હતી.

શું કહે છે વાલીઓ
વાલીઓ વતી જયસુખ ગજેરાએ જણાવ્યું કે બે વર્ષ પછી તમામ અધિકારીઓ છૂટી ગયા છે. હવે તમામ અધિકારીઓને ક્લીનચીટ આપવાનો તખ્તો ગોઠવાઇ ગયો છે. પરંતુ તેઓ આ મામલે આરપાર લડાઇ લડવા તૈયાર છે. જે તે ફાયર અને વરાછાના ઉચ્ચ અધિકારીઓ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જે મામલે તેઓ સુપ્રિમ કોર્ટ સુધી લડશે.

હવે અધિકારીઓને બહાર કાઢીને બિલ્ડરોને ફસાવવાનો કારસો
આ મામલે જ્યારે મહાપાલિકા અને ડીજીવીસીએલના ભ્રષ્ટ અધિકારીઓ સીધા સંડોવાયેલા છે. ત્યારે આ તમામ લોકોને પડદા પાછળ ક્લીનચીટ અપાવવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તેમાં જે ચોંકાવનારી વિગત જાણવા મળી છે તે પ્રમાણે બિલ્ડરોને આ મામલે વિલન બનાવીને છોડી દેવાની વાત છે.

  • તક્ષશિલા આગ દુર્ઘટનામાં આ પાંચ આરોપીઓ જેલમાં છે
  • (1) ભાર્ગવ બુટાણી (ક્લાસીસ સંચાલક)
  • (2) રવિ કહાર (બિલ્ડર)
  • (3) સવજી પાઘડાળ (બિલ્ડર)
  • (4) હરસુખ વેકરીયા (બિલ્ડર)
  • (5) દિનેશ વેકરીયા (બિલ્ડર)
  • જામીન ઉપર મુક્ત અધિકારીઓ
  • (1) હિમાશુ ગજ્જર (મનપા ઇજનેર)
  • (2) પરાગ મુન્શી (મનપા ઇજનેર)
  • (3) જયેશ સોલંકી (મનપા ઇજનેર)
  • (4) વિનુ પરમાર (મનપા ઇજનેર)
  • (6) દિપક નાયક (ડિજીવીસીએલ ઇજનેર)
  • (7) કિર્તી મોડ (કાપોદ્રા ફાયર ઓફિસર)
  • (8) જીજ્ઞેશ પાઘડાળ (મનપા ઇજનેર)
  • (9) સંજય આચાર્ય (ફાયર ઓફિસર)

શું છે હાલમાં કેસનું સ્ટેટસ

  • આરોપીઓની પત્નીઓને પણ આરોપી બનાવવા માટે કોર્ટમાં અરજી પેન્ડીંગ
  • કોર્ટમાં ચાર્જ ફ્રેમ કાર્યવાહી પેન્ડીંગ
  • લોકડાઉનના કારણે કોર્ટ કાર્યવાહી અટકી પડી

Most Popular

To Top