SURAT

પૂર્વ પાલિકા કમિશનર થેન્નારાશન, ડે.કમિશનર કેતન પટેલ સામે સપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવાની માગ

સુરત: સરથાણા જકાતનાકા પાસે આવેલી તક્ષશિલા આગ દુર્ઘટના (taksashila fire incident)ને બે વર્ષ ઉપરાંતનો સમય થઇ ગયો છે. છતાં પણ હજુ મનપા (SMC)ના કેટલાક અધિકારી તેમજ બિલ્ડરો (Builder)ની સામે તટસ્થ તપાસ (Inquiry)ના નામે મીંડું જોવા મળી રહ્યું છે. મનપાએ કેટલાક અધિકારીઓને છાવરી લીધા હોવાના આક્ષેપ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર (Application form) આપી આરોપીઓ સામે સપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવાની પણ માગણી કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ 24-05-2019ના રોજ સરથાણા ચાર રસ્તા પાસે આવેલા તક્ષશિલા કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. આ આગમાં 22 બાળકોનાં મોત થયાં હતાં. જ્યારે 18થી વધુ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. આ કેસમાં મનપાના કેટલાક અધિકારીઓ અને બિલ્ડરો તેમજ ટ્યુશન ક્લાસિસના સંચાલક અને વીજ કંપનીના અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, હાલમાં બિલ્ડરો સહિત મોટા ભાગના તમામ આરોપીઓ જેલમુક્ત છે. ત્યારે મૃતકોના વાલીઓએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી કહ્યું હતું કે, કેન્દ્ર માનવ અધિકાર પંચે આ ઘટનામાં અધિકારીઓની બેદરકારી અને જવાબદારી ઠેરવી છે. જેથી જીઈબી(ડીજીવીસીએલ), સુરત મનપાના વિકાસ ફાયર વિભાગના અધિકારી, આકારણી વિભાગના અધિકારી સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે.

આ ગંભીર દુર્ઘટનામાં તપાસ અધિકારીઓએ મનપાના અધિકારીઓના મેળાપીપણામાં કેટલાક મહત્ત્વના આરોપીઓને છાવરી લીધા છે. જેમાં મનપા કમિશનર એમ. થેન્નારાશન, ડે.કમિશનર કેતન એસ. પટેલ તેમજ ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ ઉપરાંત જે-તે સમયના સર્વેયર અશોક ગાંધી અને આકરણી અધિકારી બી.એલ.પટેલ ઉપરાંત ડીજીવીસીએલના જુનિયર ઇજનેર જે.બી. જાદવ, બી.એસ.કરમુર, કાર્યપાલક ઇજનેર એ.જી.પટેલ તેમજ અધિક્ષક ઇજનેર જી.બી.પટેલની સામે પણ તપાસ થઇ નથી. આ બાબતે તપાસ કરવા માટે પણ જણાવાયું હતું.

નાના અધિકારીઓ ઉપર કાર્યવાહી અને મોટા અધિકારીઓને છાવરી લેવાયા છે : જયસુખ ગજેરા

પોલીસ કમિશનર કચેરી પાસે જયસુખ ગજેરાએ જણાવ્યું હતું કે, તક્ષશિલા અગ્નિકાંડને આજે બે વર્ષ ઉપર થઈ ગયાં છે. કેસ કોર્ટમાં ચાર્જ ફ્રેમ થઈ ચૂક્યો છે. પરંતુ મોટા પાયે બેદરકારીથી આટલી મોટી જાનહાનિ થવા છતાં તપાસ અધિકારી દ્વારા ફક્ત નાના કર્મચારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. મોટા અધિકારીઓને રીતસરના છાવરવામાં આવ્યા હોય એમ લાગે છે. જેને લઈ આજે 22 વાલીઓ સુરત પોલીસ કમિશનરને કોર્ટમાં 173(8)ની અરજી કરી તમામ જવાબદાર અધિકારીઓ સામે પગલાં બહાર એવી રજૂઆત કરી છે.

Most Popular

To Top