Comments

ફોલોઅપ લેવું એ વર્તમાન શાસનવ્યવસ્થામાં સફળ રાજનેતાનું લક્ષણ છે

દેશભરમાં વેક્સિન મહોત્સવ શરૂ થયાના બીજા જ દિવસથી વેક્સિનેશન સેન્ટર પર તાળાં લાગવા લાગ્યાં છે. કાં તો લોકોની લાઈનો લાગવા લાગી છે. રાજ્યમાં રોજની લાખ વેક્સિન લગાવવાના લક્ષ્યાંકો સામે માત્ર વીસથી પચ્ચીસ હજાર વેક્સિન લાગી રહી છે. હજુ થોડા સમય પહેલાં દેશ અને રાજ્યમાં કોરોના સંક્રમણની બીજી લહેર ચરમસીમા પર હતી. દર્દીઓ દવાખાનામાં પથારી શોધતાં હતાં. એમ્બ્યુલન્સ માટે પણ રાહ જોવાતી હતી.

ભારતના ગૃહમંત્રીશ્રીએ તાત્કાલિકના ધોરણે ઊભી કરાવેલી કોવિડ હોસ્પિટલમાં 950 (નવસો પચાસ બેડ)ની સગવડ સાથે કોવિડ હોસ્પિટલની સુવિધાની જાહેરાત કરી ઉદ્ઘાટન કર્યું પણ બીજી લહેર પૂરી થઈ ત્યાં સુધી ત્યાં પૂરી 900 બેડની પણ સુવિધા થઈ શકી ન હતી. બીજી અનેક જગ્યાએ કોવિડકેન્દ્ર શરૂ કરવાના સમાચાર હતા. પણ ક્યાંક એ પૂર્ણતાને ન પામ્યા. ગુજરાત સરકારે કોરોનાના સમયમાં કર્મચારીઓને લાભ મળે અને બજારમાં ખરીદીને પ્રોત્સાહન મળે તે માટે યોજના જાહેર કરી કે કોરોનામાં યાત્રા પ્રવાસ બંધ હોવાથી કર્મચારી ધારે તો 18 % જી.એસ.ટી. વાળી વપરાશી-મોજશોખની વસ્તુ ખરીદી શકે છે. સરકાર 30% રોકડ સહાય એલ.ટી.સી. રૂપે આપશે.

રોકડમાં એલ.ટી.સી. મેળવવા માટે અનેક સરકારી કર્મચારીઓએ ખરીદી કરી. 31 માર્ચ પહેલાં ચૂકવણી કરી બીલો સાથે સરકારમાં નિયત રાહત મેળવવા અરજી કરી. હવે કોરોના કાળમાં આવા રોકડ ખર્ચ કરનાર કર્મચારીને સહેજે એમ હોય કે સરકાર ત્રીસ ટકા રાહત બે-ત્રણ મહિનામાં ચૂકવી દેશે. પણ થયું છે ઉલટું. સરકારના અધિકારીઓએ હવે રોકડમાં એલ.ટી.સી. મેળવવાનું નવું ફોર્મેટ બનાવીને વિભાગોને મોકલ્યું છે અને કર્મચારીઓએ હવે નવેસરથી અરજી કરવાની છે. આ નવા ફોર્મેટ મુજબ મતલબ હજુ બીજા બે-ત્રણ મહિના કશું હાથમાં આવશે નહિ. સરકાર બજારમાં માંગ વધારવા માંગતી હતી.

પણ માર્ચ મહિનામાં સામટી ખરીદી થઈ જાય અને રૂપિયા નવ-દસ મહિના સલવાઈ જાય તો હવેના મહિનામાં માંગ ઉલટાની બેસી જાય! એક બીજી સરકારી જાહેરાત પણ યાદ કરી લઈએ. દિવાળીના આગલા અઠવાડિયામાં ગુજરાતના નાણામંત્રીશ્રીએ ગુજરાતનાં કર્મચારીઓને આગળના વર્ષનું જાહેર થયેલું પણ ચુકવાયેલું નહિ એવું ત્રણ મહિનાનું મોંઘવારી ભથ્થું રોકડમાં ચુકવાઈ જશે અને એ પણ અઠવાડિયામાં જ એવી જાહેરાત કરી હતી. મીડિયાએ કર્મચારીઓની દિવાળી સુધરી એવી જાહેરાત પણ છાપી પણ આજની તારીખે ગુજરાત વિધાનસભા સચિવાલયના કર્મચારી સિવાયના વિભાગોમાં આ રોકડ મોંઘવારી ભથ્થું ઘણા વિભાગોમાં નથી મળ્યું!

ભાજપ સરકાર સત્તામાં આવશે તો પગાર પંચનો અમલ થશે એવી જાહેરાત-વચન ખુદ વડા પ્રધાનશ્રીએ કરી હતી. 2016 માં જાહેર થયેલું સાતમું પગાર પંચ ભાજપ બીજી વાર સત્તામાં આવ્યા પછી પણ ગુજરાતમાં ઘણાં કર્મચારીને મળ્યું નથી. આ થોડાંક ઉદાહરણો ભાજપ સરકારની ટીકા કરવા માટે નથી. ખેડૂતોના ખાતરના ભાવનો મુદ્દો હોય, વાવાઝોડા પછી રાહત અને મદદનો મુદ્દો હોય, વિવિધ વિભાગોમાં રોજગારીનો ભરતીપ્રક્રિયાનો મુદ્દો હોય, અનેક એવી જાહેરાતો છેલ્લા વરસ-દિવસમાં થઈ છે જે સારી છે. પ્રથમ દ્રષ્ટિએ કલ્યાણલક્ષી છે. પણ કાં તો જાહેરાત થયા પછી અમલ વખતે તેનું રૂપ બદલાઈ ગયું છે અથવા તેનો અલમ જ નથી થયો અને આવું થાય ત્યારે ન તો પ્રજાનો વાંક ન તો વિપક્ષનો વાંક. વાંક માત્ર ને માત્ર શાસક પક્ષનો, ચુંટાયેલા નેતાઓનો. રાજકારણી વ્યવસ્થામાં સફળ રાજનેતાની પ્રથમ શરત છે કે તે તંત્ર પાસે ‘‘ફોલોઅપ લે!’’

આધુનિક લોકશાહી વ્યવસ્થા ચુંટાયેલા નેતાઓ અને નિમાયેલા અધિકારીઓથી ચાલે છે. આજે ભ્રષ્ટાચાર થવાનો જ છે. લાગતા વળગતાની તરફેણ થવાની જ છે એવું પ્રજા માને જ છે. પણ પ્રજાને જોઈએ છે અમલ. રાજેનતાઓ બધા જ વિષયના તજજ્ઞ ન પણ હોય. પણ એમની સતર્કતા અને સજ્જતા તેમને રાજનીતિમાં સફળ બાનાવે છે. અધિકારીને આપેલી સૂચનાનો અમલ થયો કે નહિ, સરકારે કરેલી જાહેરાત જમીન ઉપર ઉતરી કે નહિ, આ જોવાનું કામ જ તો નેતાઓનું છે. આ વાત વિપક્ષ કે પ્રજાના વિરોધ માટે નહિ, પોતાના અસ્તિત્વ માટે સમજવાની છે.

બાકી, ઘર કુટુંબમાં પ્રસંગ હોય ત્યારે વડીલોને તૈયાર કરી ચોકમાં ખાટલામાં ગોઠવી દેવામાં આવે છે, પણ પ્રસંગનો ખરો વહીવટ તો માથાભારે વહુ જ સંભાળતી હોય છે તેમ પ્રધાનો-નેતાઓ રીબીન કાપવા કે પ્રવચન કરવા પૂરતા રહેશે. ખરી સત્તા તો અધિકારીઓ જ ભોગવશે! વર્તમાન રાજનેતાઓએ આ વાત સમજવા જેવી છે કે પ્રજા અધિકારીઓને પાપે તમને સજા ન કરે તે જોજો.   

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top