National

ડ્રગ્સ લેવું એ ‘કૂલ’ નથી, સુપ્રીમ કોર્ટે યુવાનોને આપી ચેતવણી

સુપ્રીમ કોર્ટે સોમવારે દેશના યુવાનોમાં વધી રહેલા નશાની લત પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને યુવાનોને ચેતવણી આપી હતી કે ડ્રગ્સ લેવું બિલકુલ ‘કૂલ’ નથી. જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ એન કોટીશ્વર સિંહની બેન્ચે ડ્રગ સ્મગલિંગના આરોપી અંકુશ વિપન કપૂર વિરુદ્ધ NIA તપાસને મંજૂરી આપતાં ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. અંકુશ પર પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે ભારતમાં હેરોઈનની દાણચોરીમાં સામેલ હોવાનો આરોપ છે.

જસ્ટિસ નાગરથનાએ ચેતવણી આપી હતી કે ડ્રગના ઉપયોગના સામાજિક અને આર્થિક જોખમોની સાથે માનસિક જોખમો પણ છે. દેશની યુવા પેઢી માટે નશાનું વ્યસન ગંભીર ખતરો છે જેના કારણે દેશના યુવાનો પોતાની ચમક ગુમાવી શકે છે. બેન્ચે યુવાનોમાં વધી રહેલા નશાની લત સામે તાત્કાલિક સામૂહિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે માતા-પિતા, સમાજ અને સરકારને એકસાથે આવીને આ સમસ્યા સામે લડવા જણાવ્યું હતું.

દેશના યુવાનોમાં નશાનું વ્યસન ઝડપથી વધી રહ્યું છે, જેના પર સુપ્રીમ કોર્ટે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ખંડપીઠે કહ્યું કે ડ્રગ્સની અસર ઉંમર, જાતિ અને ધર્મને વટાવી જાય છે અને સમગ્ર સમાજ અને સિસ્ટમ માટે ગંભીર પરિણામો આવે છે. જસ્ટિસ નાગરથનાએ કહ્યું કે ડ્રગ્સની આવક આતંકવાદ અને સમાજની અસ્થિરતાને ભંડોળ આપે છે.

સમસ્યાઓથી દૂર ભાગવાના વલણ પર ચિંતા વ્યક્ત કરતાં બેન્ચે કહ્યું કે આ ગંભીર ખતરા સામે બધાએ એક થવું પડશે. ખાસ કરીને યુવાનોને આ પડકારનો સામનો કરવા પ્રયાસો કરવા અપીલ કરી હતી. ખંડપીઠે કહ્યું કે ડ્રગ એડિક્ટ સાથે સહાનુભૂતિ અને પ્રેમથી વ્યવહાર કરવાની જરૂર છે. ડ્રગ્સના દાણચોરોની કમાણી પર હુમલો કરવાની જરૂર છે. ડ્રગ્સનો મહિમા બંધ કરવો જોઈએ અને યુવાનોને તેના જોખમોથી વાકેફ કરવા જોઈએ.

Most Popular

To Top