વડોદરા : વડોદરામાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વિવિધ લોકકાર્ય પ્રસંગે શહેરની મુલાકાતે આવ્યા હતા.ગૃહ અને ખેલ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા સ્થિત ગાંધીનગર ગૃહ ખાતે શી ટીમ એપ્લિકેશન લોંચ કરી હતી.તેમજ ટ્રાફિક ચેમ્પ અભિયાનને ફ્લેગ ઓફ કરાવ્યુ હતું. ગૃહ અને ખેલ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે પોલીસ અને બંદોબસ્ત એ એક સિક્કાની બે બાજુ સમાન છે. નાગરિકો માટે બંદોબસ્તની કલ્પના જુદી હોય શકે છે. પણ પોલીસ માટે તે જનતાની સુરક્ષા માટે અને તેની ફરજના ભાગરૂપ હોય છે. કોઈપણ કેસનો ઝડપી નિકાલ થાય તે માટે પોલીસ હમેંશા તત્પર હોય છે. કોરોના સમયે હોસ્પિટલ પર વ્યવસ્થા જળવાઈ રહે તેવું કાર્ય પણ પોલીસે કર્યુ હતુ. કોરોનાને લીધે ગૃહ વિભાગની ભરતી પેન્ડિંગ હોય તે કામગીરી તાત્કાલિક હાથ ધરી 28 હજાર જેટલા યુવાનોને નોકરી આપવાનું કાર્ય પારદર્શી રીતે કરવામાં આવશે તેવી ખાતરી રાજ્યમંત્રીએ આપી હતી. તેમણે યુવાનોને સખત મહેનત કરવા અનુરોધ કર્યો હતો.
ડ્રગ્સ અવરનેસ માટે રાજયમાં થતાં કાર્યો વિશે તેમણે કહ્યુ કે 72 કલાક સુધી કાર્યરત રહી રાજયમાં આવતો ડ્રગ્સનો જથ્થો રોકી શકાયો.માત્ર ચાર દિવસમાં ડ્રગ્સ રિવોર્ડ પોલીસી અમલી કરી રાજય સરકારે બાતમીદારને લાભાન્વિત કરવા સાથે રાજયના યુવાધનને નશા તરફ ધકેલાતા રોકવા તરફનું વધુ એક કદમ છે. વડોદરા શી ટીમની કામગીરી મોડલરૂપ હોય સમગ્ર રાજયમાં શી ટીમની રચના કરવામાં આવી તે રીતે ડ્રગ્સ માટેના કડક પગલાઓ ભરી મોડલરૂપ કામગીરી કરવામાં આવે તે જોવા તેમણે સૂચન કર્યુ હતુ.
પોલીસ કામગીરી થકી ડ્રગ્સનું દૂષણ નિવારી શકાય છે અને ડ્રગ્સનું દૂષણ દૂર કરવા કડક પગલાઓ ભરવા રાજય સરકારે નિર્ધાર કર્યો છે. વધુમાં કહ્યુ કે ગૃહ વિભાગના પેન્ડીંગ કાર્યોને પોલીસ અધિકારી- કર્મચારીઓના સહયોગથી તાત્કાલિક પૂર્ણ કરવા રાજય સરકાર કટિબધ્ધ છે. વડોદરાને ત્રણ નવા પોલીસ સ્ટેશન માટે આશરે રૂા.3 કરોડ પોલીસ સ્ટેશનના મકાન બાંધકામ, પોલીસ સર્વિસ માટે જરૂરી નવા વાહનો પૂરાં પાડવામાં આવશે.તે ઉપરાંત નવી મંજૂર થયેલ 63 જગ્યાઓ ઓછા સમયમાં ભરી દેવા માટે પારદર્શી રીતે કામગીરી હાથ ધરવામાં આવશે. ગૃહ અને ખેલ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિક ચેમ્પ અભિયાન ફ્લેગ ઓફ કરાવ્યુ હતું.
સાંસદ રંજનબેન ભટ્ટે પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યું કે પ્રજાના મિત્ર બની કામ કરતા પોલીસે વડોદરાની જનતાની સુરક્ષા માટે પણ અનેકવિધ કામગીરી કરી છે.કોરોના સમયે દવા, ભોજન કે અન્ય જરૂરી કોઈ પણ ચીજવસ્તુઓ પહોચાડવાનું કાર્ય શી ટીમે કર્યુ છે.શાબ્દિક સ્વાગત કરતા વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંહે કહ્યુ કે મહિલાઓની સુરક્ષા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા શી ટીમ શરૂ કરવામાં આવી.મહિલા, બાળકો અને વૃદ્ધોની સુરક્ષા માટે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
તે સિવાય શી ટીમ દ્વારા ઘણી પ્રવૃત્તિઓ કરવામાં આવી છે.શી ટીમની પ્રવૃત્તિઓ વિશે જણાવતા પોલીસ કમિશનરે કહ્યુ કે શી ટીમ દ્વારા એનજીઓના સહયોગથી સફાઈ કામગીરી સાથે જોડાયેલ મહિલાઓને સેનેટરી નેપકિન્સનું વિતરણ કરવામાં આવે છે.વેક્સિનેશન્સ માટે શ્રમિક અને છૂટક કામ કરતી કામદાર મહિલાઓના રજીસ્ટ્રેશન કરી તેમને રસી અપાવવાની કામગીરી શી ટીમ વડોદરા દ્વારા કરવામાં આવી.પ્રવર્તમાન સમયે સાયબર ક્રાઇમ અને સાયબર બુલિંગ સહિતની સમસ્યાઓ છે.
ત્યારે શી ટીમ કામ કરે છે.રોજ નવા પ્રશ્નો આવે છે.ત્યારે નવા અને જરૂરી પરિવર્તનો લાવવામાં આવ્યા છે.શહેર પોલીસ કમિશનરે શી ટીમ એપ વિશે માહિતી આપી હતી. શી ટીમની કામગીરી દર્શાવતી શોર્ટ ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યુ હતું.આ કાર્યક્રમમાં પૂર્વ રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલ,ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, સીમાબેન મોહિલે,મેયર કેયુરભાઈ રોકડીયા, વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘ ,અધિક પોલીસ કમિશ્નરશ્રી ચિરાગ કોરડિયા સહિતના પદાધિકારીઓ-અધિકારિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાયાવરોહણ ખાતે ગુજરાત રાજ્ય યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવ્યો
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાયાવરોહણ સ્થિત લકુલેશ મહાદેવ મંદિરના પટાંગણ ખાતે ગુજરાત રાજ્ય યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે ગુજરાતના બાળકો અને યુવાનો આવનારા દિવસોમાં ગુજરાત અને રાષ્ટ્ર નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકશે.યોગાસન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા પ્રયાસોને લીધે યુવાનો યોગ તરફ વળ્યા. યોગાસનને વિશ્વ સ્તરે નવી ઊંચાઇ આપી વિશ્વભરમાં યોગાચાર્યની માંગ વધી છે. રાષ્ટ્રની સંસ્કૃતિ યોગાસન છે. યોગાસનથી ફિટનેસ જળવાઈ છે. આ યુવાનો અન્ય રાષ્ટ્રમાં યોગ શીખવશે. રાજ્ય મંત્રીએ ઉમેર્યુ કે યોગની પ્રવૃત્તિઓ માટે ખૂટતી તમામ જરૂરી કામગીરી રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવશે. તેમણે યોગ કરતા બાળકો અને યુવાનોને સફળતાની નવી ઊંચાઈઓ સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.મંત્રીએ 84 વર્ષના યોગાચાર્ય જાડેજાનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યુ હતું.પૂર્વ રમતમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીએ સંસ્થાનો પરિચય આપી યોગની પ્રવૃત્તિઓ વિશે જણાવ્યુ હતું.કાર્યક્રમમાં બાળકોએ યોગાસન થકી ગણેશ વંદના કરી હતી. બાળકોએ યોગ નિદર્શન કર્યુ હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગૃહ રાજ્યમંત્રીના હસ્તે કલ્યાણ હાઇટ્સનું ખાત મુહૂર્ત
શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિકસીત થઇ રહેલા ગોત્રી – ભાયલીમાં પૂ. દ્વારકેશલાલજી મહારાજની અધ્યક્ષતા અને માર્ગદર્શનમાં પેવેલિયન હાઇટ્સ કેમ્પસમાં કલ્યાણધામ હવેલીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે નિર્માણધીન કલ્યાણધામ હવેલીના ખાત મહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ પદે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી બાજવાડા સ્થિત કલ્યાણ પ્રાસાદ ખાતે પૂ.દ્વારકેશલાલજીને મળી આશીર્વાદ મેળવ્યા હતા. પૂ.દ્વારકેશલાલજી મહારાજે રાજ્યમંત્રીને ખેસ ઓઢાડી આવકાર્યા હતા.