Entertainment

ટેક ઇટ ઈઝી ઉર્વશી…

ગ્રીકનાં પૌરાણિક પાત્રમાં એક ખુબ જાણીતી વાર્તા નાર્સીસ્ટની છે, જે તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના સુંદરતના પ્રેમમાં એટલો ‘આત્મમૂગ્ધ’ થઇ જાય છે કે આખરે તે તળાવમાં જ ડૂબી જાય છે. આ નાર્સીસ્ટનાં લક્ષણો આખી દુનિયામાં જોવા મળે અને કલાકારોમાં ખાસ. બોલીવુડમાં ઘણી એક્ટ્રેસમાંની એક ઉર્વશી રૌતેલા પણ પોતાની આ આત્મમૂગ્ધતાને કારણે ખુબ ચર્ચામાં રહેતી હોય છે. સોશ્યલમીડિયા આ વૃત્તિને ‘ઉર્વશીસીઝમ’ કહીને ઓળખાવે છે. તો ઉર્વશીની લેટેસ્ટ આત્મમૂગ્ધ યુક્ત કૉમેન્ટને કારણે ફરી કોન્ટ્રોવર્સી ઉભી થઇ છે. જેના કારણે તેને કદાચ જેલની હવા ખાવી પડે એવી શક્યતાઓ પણ બની છે. જોકે આ કંઈ પહેલી વાર નથી કે ઉર્વશીએ કંઈક ભૂલેચૂકે કે જાણીજોઈને કહ્યું હોય અને સોશ્યલમીડિયામાં તે વાયરલ થયું ન હોય.
મંદિર બાબતે એમ પણ ઘણા વિવાદ ચાલી રહ્યા છે તે દરમ્યાન એક ઇન્ટરવ્યૂમાં ઉત્તરાખંડની ઉર્વશી પોતાના વિશે વાત કરી રહી હતી ત્યારે તેણે એવું કહ્યું કે – પ્રસિદ્ધ બદ્રીનાથ મંદિર પાસે ઉર્વશીનાં નામે મંદિર છે! અને ત્યાં પૂજાઅર્ચના થાય છે, હવે હું સાઉથમાં કામ કરી રહી છું તો ચાહું છું કે બીજા અભિનેતાઓની જેમ મારુ પણ ત્યાં એક મંદિર હોય! આ સાંભળી ઇન્ટરવ્યૂ લેનારે અહોભાવથી ત્રણ વાર આ મંદિર હોવાની વાતને અલગ અલગ રીતે પૂછી, કે સાચ્ચે ઉર્વશીનું મંદિર છે? અને આપણી ઉર્વશી હાં-હાં કહી રહી છે, તમારે ત્યાં જઈને જોવું જોઈએ! બસ આ વાત વાયરલ થઇ અને વધુ એક મંદિર વિવાદ શરૂ થયો. લોકો એ માફીની માંગણી કરી અને ઉર્વશીની ટીમે આ વાતને અલગ સંદર્ભમાં લેવાઈ રહી છે એવું કહી પોતાનો બચાવ કર્યો છે. હવે થોડાં નજીકનાં ભૂતકાળમાં જઇયે તો જ્યારે બોલીવુડ આખું સૈફ અલીખાન પર થયેલા હુમલાંની ચિંતામાં હતું ત્યારે ઉર્વશી કંઈક અલગ જ ચિંતા હતી! સૈફ પર થયેલા હુમલા વિષે પૂછાતાં ઉર્વશીએ જવાબ આપ્યો કે ‘‘આવા હુમલાથી હું ખૂબ ચિંતામાં છું.. કારણ કે જુઓને મારી ફિલ્મ ડાકુ મહારાજ કેટલી સક્સેસફુલ થઈ રહી છે! મારી મમ્મી એ મને આ ડાયમન્ડની રોલેક્સ અપાવી, મારા પપ્પાએ રિંગ વોચ અપાવી હવે આને પબ્લીકલી પહેરી કે કઈ રીતે ફરીશ! લોકોએ ઉર્વશીની આ સંવેદનશીલતા પર અસંવેદનશીલ ટિપ્પણીઓ કરી, ભૂલ સમજાતા તેને માફી માંગવી પડી, પછી તે પોસ્ટ જ ડિલીટ કરી દિઘી. જોકે આ જ ફિલ્મનાં પોસ્ટર અને ફિલ્મમાં ઉર્વશીનો ઘણો રોલ કટ કરી તેને સાઈડલાઈન કરવાની વાત પણ ચર્ચામાં હતી. આવું તેની ફિલ્મ ‘સનમ રે’ માટે પણ થયું હતું જ્યારે તેની જ ફિલ્મનાં પ્રીમિયરમાં બીજા કો-એક્ટર (યામી અને પુલકિત) સાથે અણબનાવના કારણે તેને બોલાવવામાં નહોતી આવી. એમ તો અંદર ખાને એક કિસ્સો ખુબ જાણીતો છે જેમાં ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની એક પાર્ટીમાં પણ તેને બોલાવાઇ નહોતી પણ ઉર્વશી ત્યાં તૈયાર થઈને પહોંચી ગઈ વધારામાં બધા સ્ટાર સાથે રેડકાર્પેટ પર ફોટો પણ પડાવ્યા!
ફિલ્મ સિવાય ક્રિકેટ સાથે ઉર્વશી પોતાનું નામ જોડાયેલુ રાખે છે. પોતાને ‘લકીચાર્મ’ ગણાવે છે. ઇન્ડિયાના એક ક્રિકેટર જેને તે RP કહી બોલાવતી તેની સાથે સંબંધ ખૂબ જાણીતો છે, દૂબઈનો ગોલ્ડન વિઝા કાર્ડ ધરાવતી ‘ફર્સ્ટ ઇન્ડિયન એક્ટ્રેસ’નાં આ દૂબઇ કનેક્શનને કારણે એક યંગ પાકિસ્તાની ફાસ્ટ બોલર સાથે પણ તેમની વાતો ખૂબ ચગી હતી. જોકે તે ફાસ્ટ બોલરે તો એક ઇન્ટરવ્યૂમાં એવું કહી દીધું કે ‘ઉર્વશી કોણ છે? મને નથી ખબર!’ આ ‘ઉર્વશીસીઝમ’ની હદ તો ત્યારે થઇ જ્યારે 2023માં એક ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં ઉર્વશીએ એવું એનાઉન્સમેન્ટ કર્યું કે પરવીન બાબી પર એક ફિલ્મ બનવાની છે જેમાં તે પોતે પરવીન બાબી બની રહી છે! રાતો રાત લોકો શોધવા લાગ્યા કે આ ફિલ્મ બનાવી કોણ રહ્યુ છે? પણ ખબર પડી કે આવી કોઈ ફિલ્મ બનવાની જ નથી! આજ ફેસ્ટિવલમાં ઉર્વશીએ એવું કહ્યું કે ઓસ્કાર વિનર એક્ટર લિઓનર્દો ડીકેપ્રિઓ એ તેને ‘ટેલેન્ટેડ એકેટ્રેસ’ કહીં તેના વખાણ કાર્ય છે! આ તેની માટે ડ્રિમી મોમેન્ટ હતી ! હા..હા.. આવું વાંચનારને પણ આ સપનું જ લાગ્યુ. એ જ ફંક્શનમાં ઉર્વશીએ 200 કરોડનો ક્રોકોડાઇલ વાળો હાર ગળામાં પહેર્યો હતો, પછી ખબર પડી કે આ જ્વેલરી તો ઇમિટેટ કરેલી હતી!
આવી બીજી ઘણી કોન્ટ્રોવર્સી તેના કરિયરની આસપાસ રહેલી છે પણ હકીકત એ પણ છે કે, નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવ્યા બાદ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કરવું અઘરું હોય છે. અને ઇન્ડસ્ટ્રી આખી એક જુઠ્ઠાણાં, દેખાડા અને પરદા પાછળ ચાલતી હોય છે. કોઈક જાણીજોઈને કરે, કોઈક અજાણતા. આ બધી બાબતો બોલીવુડ ફેન્સને તેના એક્ટર્સ સાથે ફિલ્મ સિવાય પણ કનેક્ટેડ રાખે છે. હાલ ઉત્તરાખંડની ઉર્વશી સાઉથ પહોંચ્યા બાદ હવે હોલીવુડમાં ફેમસ કિકબોક્સર સિરીઝમાં પણ જોવા મળવાની છે, વધુ 2-3 ફિલ્મ છે જેમાં ડાન્સ કે એક્ટિંગ કરતી જોવા મળશે અને આ સિવાય આવી કોન્ટ્રોવર્સીઓમાં તો તે હશે જ. •

Most Popular

To Top