બાળપણમાં વાંચેલી જૂની કવિતા યાદ આવે તેવો કારભાર આજે આપણા દેશમાં ચાલે છે. એક તરફ સરકાર જનધન યોજના અન્વયે ગરીબોનાં બેંક ખાતાં કરવાની ધૂન લઈને બેઠી છે તો બીજી તરફ બેંકો ગરીબોને લૂંટવાની નવી નવી તરકીબો વિચારે છે. કર્મચારી પેન્શન યોજના અન્વયે ખાનગી કર્મચારીઓનાં પેન્શન ખાતાં દેના બેન્કમાં હતાં અને હવે સમગ્ર દેના બેન્ક, બેંક ઓફ બરોડામાં વિલીન થઈ ગઈ એટલે પેન્શન ખાતાં પણ એ બેંકમાં ગયાં. સૌથી ઓછું અને શરમજનક પેન્શન ખાનગી કર્મચારીઓને મળે છે અને તે હજાર, બારસો, પંદરસો એવી રકમમાં મળે છે. બેંક ઓફ બરોડામાં બોર્ડ માર્યું છે કે બચત ખાતાને ત્રણ માસની સરેરાશ 2000 થી ઓછી થાય તો દંડાત્મક કામગીરી તરીકે તેમાંથી અડધીથી માંડીને આખી રકમ કાપી લેવામાં આવે . આ હિસાબે અંધેર નગરીનો રાજા થોડો બુદ્ધિશાળી હતો જ્યારે આપણે બેંકો બચત ખાતેદારને પણ લૂંટવામાં બહાદુરી સમજે છે એટલે અમીરોને ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા અને ગરીબોને ટકે તોલો ભાજી અને ટકે તોલો ખાજા. એવો ન્યાય અહીં ચાલે છે અને છતાં અહીં ભારતીય જનતાનો પક્ષ લેનાર લોકો રાજ કરે છે. ભારત અનેક આશ્ચર્યોથી ભરેલું છે અને તેમાં આવા માનવસર્જિત આશ્ચર્ય દુનિયાને નજરે નથી પડતા તો ખરેખર આપણે પ્રવાસીઓને આકર્ષવા માટે આવા આશ્ચર્યો બતાવવા જોઈએ!
સુરત – મનોજ મનુભાઈ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.